બેવડા વલણ મુદ્દે સુપ્રીમ કોર્ટે એમએમઆરસીએલની કાઢી ઝાટકણી
નવી દિલ્હીઃ મુંબઈમાં મેટ્રો-થ્રીના નિર્માણ માટે માર્ગ મોકળો બની રહ્યો છે, જે અંતર્ગત સુપ્રીમ કોર્ટે સોમવારે સંબંધિત એજન્સીના બેવડા વલણ મુદ્દે ઝાટકણી કાઢી હતી. જોકે, એમએમઆરસીએલની વધારે વૃક્ષો કાપવાની માગણી મુદ્દે દસ લાખ રુપિયાનો દંડ પણ સુપ્રીમ કોર્ટે ફટકાર્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ)ના વડપણ હેઠળની બેન્ચે પ્રોજેક્ટના મહત્ત્વને ધ્યાનમાં રાખીને ફક્ત 177 વૃક્ષ કાપવાની મંજૂરી આપી હતી.
પબ્લિક પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટ રોકવા માગતી નથી, એવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. 185 વૃક્ષ કાપવા માટે સુપ્રીમ કોર્ટના બદલે ટ્રી ઓથોરિટીમાં જવા મુદ્દે પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ બાબત સુપ્રીમ કોર્ટના અધિકારક્ષેત્રને ઓળંગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સીજીઆઈ ડી. આઈ. ચંદ્રચુડે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે જ્યારે અમે તમને 84 વૃક્ષ કાપવાની મંજૂરી આપી હતી તો પછી 185 વૃક્ષ કાપવા માટે ટ્રી ઓથોરિટી પાસે શા માટે ગયા હતા. આ એમએમઆરસીએલ એટલે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે કોર્ટની અવગણના કરી છે. તેમને કોર્ટની સમક્ષ હાજર થવું પડશે, કારણ કે તેમની આ કામગીરી યોગ્ય નથી. તમને જ્યારે જરુર પડી ત્યારે તમને મંજૂરી આપી હતી, પરંતુ બીજી જાન્યુઆરીના તમને 185 અને વૃક્ષ કાપવા માટે સીધા ટ્રી ઓથોરિટી પાસે ગયા હતા. અલબત્ત, અમે તમને 84 વૃક્ષ કાપવાની મંજૂરી આપી હતી અને જો તમારે વધારે વૃક્ષ કાપવા હતા તો તેની યોગ્ય કારણ અને તેનું નિરાકરણ લઈને અમારી પાસે આવવું હતું નહીં કે ઓથોરિટી પાસે. તમે સુપ્રીમ કોર્ટને કોઈ માધ્યમ માની લીધું છે. વાસ્તવમાં તમે કોર્ટની અવગણના કરો છો. આ મુદ્દે કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે એમએમઆરસીએલના એ અધિકારીઓને અમે જેલ મોકલી શકીએ છીએ. આ વાસ્તવમાં ગંભીર અવગણના છે.