મુંબઈ: મુંબઈ મેટ્રો રેઇલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) દ્વારા ગુરુવારે બોમ્બે હાઈ કોર્ટને જણાવવામાં આવ્યું છે કે આરે કોલોનીમાં કાર શેડના બાંધકામમાં વિલંબ થઈ રહ્યો છે અને કાનૂની પ્રક્રિયામાં થતા વિલંબને કારણે જનતાને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. એમએમઆરસીએલએ અગાઉ કરેલી દરખાસ્ત કરતા કારશેડનાં વિસ્તારમાં વધુ વૃક્ષો કાપવાના પોતાના નિર્ણયનો બચાવ પણ કર્યો છે.
એમએમઆરસીએલએ હાઈ કોર્ટને જણાવ્યું છે કે અદાલતના ખટલાઓને કારણે ૨૦૧૯માં એજન્સી વૃક્ષો કાપી નહોતી શકી. પરિણામે ગોરેગાંવ સ્થિત આ પ્રોજેક્ટ પૂરો કરવા આજની તારીખમાં કાપવા પડનારા વૃક્ષોની સંખ્યામાં વધારો થયો છે.
૨૦૧૯માં એમએમઆરસીએલએ ૮૪ વૃક્ષ કાપવાની પરવાનગી મુંબઈ મહાનગરપાલિકા પાસે માંગી હતી. જોકે, પહેલા હાઈ કોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હોવાથી વૃક્ષ કાપવા અંગેની પરવાનગી નહોતી મળી.
સુપ્રીમ કોર્ટે વૃક્ષો કાપવા લીલી ઝંડી આપ્યા પછી એમએમઆરસીએલએ ૧૭૭ વૃક્ષ કાપવાની અરજી દાખલ કરી છે. છેલ્લા ચાર વર્ષમાં મેટ્રો કાર શેડના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યામાં વધારો થયો હોવાની રજૂઆત એમએમઆરસીએલ દ્વારા કરવામાં આવી છે. ઝોરુ ભાથેના નામના એક્ટિવિસ્ટે ૧૭૭ વૃક્ષ કાપવાની મંજૂરી અંગેની મુંબઈ મહાનગરપાલિકાની નોટિસને ગયા મહિને પડકારી હતી. ભાથેનાએ એવો દાવો કર્યો છે કે પાલિકાની નોટિસ ૨૦૨૨ના નવેમ્બરમાં માત્ર ૮૪ વૃક્ષ કાપવાના સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરનારી છે. આ બાબતે વધુ સુનાવણી ૨૩ ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.