નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડિઝલના ભાવ દિવસે દિવસે આસમાનને આંબતા જઈ રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આ ઔદ્યોગિક સંસ્થાના સભ્યો સાથે બજેટ પહેલાં યોજાયેલી બેઠકમાં ચર્ચા કરતી વખતે નાણા પ્રધાન નિર્મલા સિતારમણ દ્વારા કરવામાં આવેલું નિવેદન ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે.
છેલ્લાં કેટલાક દિવસથી દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો સ્થિર હોવા છતાં ઉંચા સ્તરે જોવા મળી રહી છે. થોડાક મહિના પહેલાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલ પરના ઉત્પાદન શુલ્કમાં ઘટાડો કરીને પેટ્રોલ ડિઝલની કિંમતમાં ઘટાડો કર્યો હતો અને ત્યારથી જ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર છે. આવું હોવા છતાં દેશભરના અનેક મોટા શહેરોમાં એક લિટર પેટ્રોલ માટે નાગરિકોએ 100 રૂપિયાથી વધુ ચૂકવવા પડે છે. આવી પરિસ્થિતિ વચ્ચે નાણા પ્રધાન નિર્મલા સિતારમણ દ્વારા મહત્ત્વનો ઈશારો આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને જીએસટી કાઉન્સિલ સહેમત થાય તો પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીની કેટેગરીમાં લાવી શકાશે, એવું સિતારમણે જણાવ્યું હતું.
આર્થિક વિકાસને વેગ આપવા માટે સરકાર છેલ્લાં કેટલાય વર્ષોથી પબ્લિક એક્સપેન્ડિચેકરમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આ ઔદ્યોગિક સંસ્થાના સભ્યો સાથે બજેટ પહેલાં યોજાયેલી બેઠકમાં ચર્ચા કરતી વખતે નાણા પ્રધાન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીની કેટેગરીમાં લાવવાની જોગવાઈ પહેલાંથી જ છે. મારા પહેલાંના નાણા પ્રધાને પણ આ બાબતનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો. દરમિયાન હાલમાં પાંચ પેટ્રોલિયમ ઉત્પાદનો જેવા કે કાચુ તેલ, પેટ્રોલ, હાઈ સ્પીડ ડિઝલ, નૈસર્ગિક વાયુ અને વિમાન ઈંધણ જીએસટી કેટેગરીની બહાર છે. નાણા પ્રધાનના આ નિવેદન બાગ હવે જીએસટી કાઉન્સિલ શું નિર્ણય લે છે એ તરફ બધાનું ધ્યાન છે.