પ્રથમેશ મહેતા
મુરલી શર્મા નામ સાંભળતા જ તમને કદાચ હિન્દી ફિલ્મનું આ નામનું કોઈ પાત્ર યાદ આવે તેવી શક્યતા વધારે છે અને આ નામનો કોઈ અભિનેતા યાદ આવે તેવી શક્યતા ઓછી છે. પણ જો તમે ફિલ્મ રસિયા હો, તો તમે આ અભિનેતાનું નામ પણ સાંભળ્યું હશે અને તેનું કામ પણ જોયું હશે.
મુરલી શર્માને તાજેતરમાં બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ ‘આલા વૈકુંઠ પુરમ’ માટે ફિલ્મફેર (સાઉથ) ઍવોર્ડ મળ્યો હતો. તેણે કહ્યું કે નાની નાની ભૂમિકાઓ કરતાં કરતાં હવે હું દેખાવા લાગ્યો છું. પરંતુ મને અહીં સુધી પહોંચતા ત્રણ દાયકા લાગ્યા. પોતાનો કિસ્સો સંભળાવતા તેણે કહ્યું- તે સંઘર્ષનો સમય મારા માટે ખૂબ જ ભયાનક હતો, કે હવે શું થશે?
હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મરાઠી જેવી વિવિધ ભાષાઓમાં ફિલ્મોમાં કામ કરનાર બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા મુરલી શર્માને તાજેતરમાં બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ ‘આલા વૈકુંઠ પુરમ’ માટે ફિલ્મફેર (સાઉથ) ઍવોર્ડ મળ્યો હતો. સહાયક ભૂમિકા ભજવવા બદલ તેને આ ઍવોર્ડ મળ્યો છે. તેણે અલ્લુ અર્જુનના પિતાની ભૂમિકા ભજવી હતી. મુરલીને આ પાત્ર માટે લોકો તરફથી ઘણી પ્રશંસા પણ મળી છે. તેમની સાથે એક વિશિષ્ટ મુલાકાત.
‘મકબૂલ’, ‘મૈં હું ના’, ‘ઢોલ’, ‘બ્લેક ફ્રાઈડે’, ‘ધમાલ’ અને ‘સિંઘમ’ જેવી ફિલ્મોમાં તેની સહાયક ભૂમિકાઓ માટે મુરલી શર્માની પ્રશંસા કરવામાં આવી છે. પોતાના ઍવોર્ડ વિશે તે કહે છે, ‘આ ફિલ્મ માટે મને જે કંઈ પણ મળી રહ્યું છે તેના માટે હું ખૂબ જ ઉત્સાહિત છું, કારણ કે આ પાત્ર મારા શ્રેષ્ઠ કાર્યોમાંનું એક છે. તે એક મુશ્કેલ પાત્ર હતું. કામ કરવામાં પણ ખૂબ મજા આવી. જ્યારે તમને ઍવોર્ડ મળે છે, ત્યારે તમને સંતોષ થાય છે કે તમે સાચા માર્ગ પર છો.
આ મુકામ હાંસલ કરતા ત્રણ દાયકા લાગ્યા
પોતાની સફર વિશે તે કહે છે, ‘જ્યારે હું એક્ટિંગ સ્કૂલમાંથી બહાર આવ્યો ત્યારે મેં થિયેટર અને રેડિયો-પ્રિન્ટનું થોડું કામ કર્યું. બાદમાં લાંબા સમય સુધી ટીવી પર કામ કર્યું અને પછી એક-બે ફિલ્મો મળી અને તે પણ એવા પાત્રોમાં, જેમાં તમારે હું ક્યાં છું તે શોધવું પડે. હું નાની મોટી ભૂમિકાઓ કરતા કરતા હવે હું દેખાવા લાગ્યો છું. પરંતુ અહીં સુધી પહોંચતા ત્રણ દાયકા લાગ્યા. મેં મારી કારકિર્દી ૧૯૯૦ માં શરૂ કરી હતી અને જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે મને જે પ્રકારની ભૂમિકાઓ મળી રહી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું.
વાલ્મીકિનું પાત્ર થકવી નાખનારું હતું
આલા વૈકુંઠ પુરમ ફિલ્મમાં પોતાના અનુભવો શેર કરતાં તે કહે છે, ‘આ ફિલ્મ મારા માટે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ થકવી નાખનારી હતી. લંગડાની ભૂમિકા ભજવવા માટે મેં ઘણી મહેનત કરી હતી, કારણ કે દર્શકને લાગવું જોઈએ કે તે લંગડો છે. આ ફિલ્મમાં મારી પત્ની બનેલી રોહિણીજીએ એક ફંક્શનમાં કહ્યું હતું કે હું વેનિટીથી સેટ સુધી લંગડો ચાલતો હતો, ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે ખરેખર, હું આવી રીતે જ ચાલતો હતો. મેં આ પાત્રને મારા સો ટકા આપ્યા છે. આ પાત્ર ખૂબ જ ડિમાન્ડિંગ અને થકવી નાખનારું હતું.’
મારી પત્ની મારી સૌથી મોટી ક્રિટીક છે
જ્યારે અમે તેમને પૂછ્યું કે કોણ કહે છે કે તમારું પાત્રને આ રીતે સુધારી શકાય? ત્યારે તેણે કહ્યું, ’આમ તો ચાર લોકો આવતા રહે છે અને કહે છે કે તમે આ સારું કર્યું, તે સારું કર્યું. તમારા જીવનમાં એક એવો વ્યક્તિ હોવો જોઈએ જે સારાની સાથે તમારી વાસ્તવિક ખામીઓ પણ જણાવે, તેવામાં મારી પત્ની મારી સૌથી મોટી ટીકાકાર છે. અશ્વિની (તેમની પત્ની) ખૂબ જ કઠોર અને ઉગ્ર ટીકાકાર છે. અમે ઘણીવાર શૂટ પહેલા અને પછી પણ સીન વિશે ચર્ચા કરીએ છીએ. કહું કે આ રીતે કર્યું અને ઘણીવાર થાય કે આ રીતે કરવું જોઈએ કે નહીં, કારણ કે જીવનમાં ફક્ત એક જ તક હોય છે.’
પાત્રના રીતભાત સેટ કરું છું
પડકારજનક પાત્રો વિશે વાત કરતાં તેણે કહ્યું, ‘લગભગ ૨૨-૨૩ વર્ષ પહેલાં રિશ્તે નામની શ્રેણી આવતી હતી અને હું તેમાં રામકલી નામની વ્યંઢળનું પાત્ર ભજવવાનો હતો. તે સમયે મને લાગતું હતું કે હું આવા મુશ્કેલ પાત્ર માટે સંપૂર્ણપણે તૈયાર પણ નથી. પછી હું ચારબંગલાના સિગ્નલ પર ઊભો રહેતો અને જોતો કે તે લોકો (કિન્નર) ખરેખર કેવી રીતે વ્યવહાર કરે છે અને ત્યાં કેટલાક મિત્રો પણ બનાવ્યા હતા, જેઓ મને ઘણા વર્ષોથી ઓળખે છે અને અત્યારે પણ જ્યારે હું ત્યાંથી પસાર થાઉં ત્યારે હું તેમને મળું છું. હું પાત્રમાં મારી રીતે થોડો ફેરફાર પણ કરતો હતો અને કહેતો કે સાડી દુકાનેથી ન લાવવી, બલ્કે કોઈ સ્ટેશનેથી કે જૂની સાડીઓ ખરીદો, કારણ કે પાત્ર દેખાવું હોવું જોઈએ. મારી તાજેતરની ફિલ્મ ગોડફાધરમાં મારા પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, જેમાં હું એક લોભી નેતાની ભૂમિકા ભજવી રહ્યો છું, તો તેમાં પણ મેં મારી રીતભાત થોડી એવી રાખી છે કે કેવી રીતે એક માણસ તેના દાંતમાંથી સોપારી કાઢવાનો પ્રયત્ન કરે છે તો એ સાતત્ય રાખ્યું છે. બોલવામાં સરળ લાગે છે પણ જો સારી રીતે કરવામાં ન આવે તો પાત્રમાં કોઈ મજા નથી આવતી. હું હંમેશા એટલી મહેનત કરું છું કે મારી જાતને જવાબ ન આપવો પડે. ઘણી વખત એવું બને છે કે વધુ સારું કરવા માટે, હું ડિરેક્ટરને શંકામાં પણ મૂકું છું. પરંતુ તે ફક્ત તે દૃશ્યની સુધારણા માટે હોય છે.’
કરિયરની શરૂઆતના વર્ષો ખુબ મુશ્કેલ હતાં
પોતાના શરૂઆતના દિવસો વિશે તે કહે છે, ‘શરૂઆતના દિવસો એવા હતા કે ઘણી વખત મને લાગતું હતું કે હું અભિનયમાં કંઈ કરી શકીશ નહીં, મારે છોડી દેવું જોઈએ, કારણ કે શરૂઆત કર્યાના ૫-૭ વર્ષ મારી પાસે એક દિવસનું પણ કામ નહોતું. અને આખું વર્ષ કેવી રીતે પસાર થઈ ગયું એની ખબર જ પડતી નહોતી. સંઘર્ષનો એ સમય મારા માટે બહુ ભયંકર હતો, કે હવે શું થશે? ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને પછી થોડું કામ મળવા લાગ્યું, પરંતુ તે પછી પણ એક નાનો રોલ જ મળ્યો. લાંબા સમય પછી, ફિલ્મ મકબૂલ આવી અને હું થોડો દેખાવા લાગ્યો, અને પછી મૈં હૂં ના અને ઢોલ બાદ લોકો મને જાણવા લાગ્યા.’
પહેલા જે પાત્ર મળ્યું એ કર્યું,
હવે પાત્ર પસંદ કરું છું
તમે કયા પ્રકારનું પાત્ર પસંદ કરો છો? તેનો જવાબ હતો, ‘એક સમય એવો આવે છે જ્યારે તમે પાત્રને ના પાડી શકો છો કે મને તે રોલ પસંદ નથી આવ્યો અથવા મેં તે જ પાત્ર ૩ વધુ ફિલ્મોમાં કર્યું છે અને હવે તે કરવા નથી માંગતો. પણ આ કહેવા માટે તમારી પાસે એટલું કામ પણ હોવું જોઈએ. હવે કદાચ વડીલોના આશીર્વાદથી આ લહાવો મળ્યો છે. હવે મને ન ગમતી ભૂમિકાઓ માટે હું ના કહી શકું, પણ એક સમય હતો જ્યારે કામ મળવું દિવાળી ગણાતું. એ વખતે જે કંઈ આવ્યું, તે કરીને ચાલ્યા. પછી પસંદગીની કોઈ વાત નહોતી. માત્ર કામ કરવાનો જુસ્સો હતો. તે સમયે સ્ક્રીન પર બસ, દેખાવું હતું. કારણ કે એક કહેવત છે કે જીતના દીખોગે, ઉતના બીકોગે. તેથી હું માનતો હતો કે મારે જેટલું બને તેટલું દેખાવું છે.’