ફિલ્મનામા – નરેશ શાહ
મને ખબર છે કે આમિર ખાન તારો દોસ્ત છે, પણ હું તેને ખતમ કરી નાખીશ. તેનું સ્થાન લઈ લઈશ
એક અપંગ મૂર્તિકાર. હવે તેનું જીવવું નિરર્થક હતું કારણ કે તે પથારીમાંથી ઊભો થઈ, ટાંકણું લઈને પથ્થરને આકર્ષ્ાક બનાવી શકે તેમ નથી. અર્થવિહીન શ્ર્વાસોશ્ર્વાસથી કંટાળીને એ સ્વેચ્છા મૃત્યુ માટે તૈયાર થાય છે પણ સમાજ તે માટે તૈયાર નથી. આખરે એ મૂર્તિકાર પોતાના મૃત્યુના અધિકાર માટે સમાજ સામે લડે છે… આટલું કથાનક વાંચીને તમને સ્પેનિશ ફિલ્મ ધી સી ઈનસાઈડ કે સંજય લીલા ભણસાલીની ગુઝારિશ ફિલ્મની વાત થઈ રહી હોવાનું લાગે તો માફ કરજો શ્રીમાન, દરઅસલ આપણે ૧૯૯૦માં દિલ્હીમાં ભજવાયેલાં અંગે્રજી નાટક હુઝ લાઈફ ઈઝ ઈટ એની વેની વાત કરી રહ્યા છીએ.
દિલ્હી રંગમંચના ૠષ્ાિપુરુષ્ા બેરી જહોન આ નાટક કરી રહ્યા હતા ત્યારે તેના એક શિષ્ય-અભિનેતાને મૂર્તિકારનું મુખ્ય પાત્ર ભજવવું હતું. બેરી જહોનને જોકે લાગતું કે આ પાત્ર માટે જરૂરી સંયમ અને ઠહરાવનો અભાવ પોતાના આ ચેલામાં છે એટલે મુખ્ય પાત્ર ૠતુરાજને આપીને તેમણે એ ચંચળ છોકરાને હૉસ્પિટલના વોર્ડબોયનો રોલ આપ્યો, જે ભારેખમ વાતાવરણમાં પણ પ્રસન્ન રહીને લોકોને હસાવતો રહે છે
મૂર્તિકારનું પાત્ર ભજવનારો એકટર ૠષ્ાિરાજ પછી ટેલિવિઝનના એકટર તરીકે જાણીતો થયો અને વોર્ડબોય બનેલાં લધરવધર છોકરાને તમે હવે શાહરૂખ ખાન તરીકે જાણો છો. એ શાહરૂખ ખાનની ફાટફાટ થનારી કેરિયરનો શરૂઆતી સમયગાળો હતો. પ્રદિપ ક્રિષ્ન હોય કે લેખિકા અરુધંતી રોય હોય કે એકટિંગ ગુરૂ બેરી જહોન હોય કે ફોજી સિરિયલ બનાવનારા કર્નલ રાજ કપૂર હોય કે પછીથી નંબર વન ફિલ્મ નિર્માતા જી.પી.સીપ્પી હોય… કોઈને આ છોકરો ગળે ઊતરતો નહોતો.
રિંછ જેવા વાળ અને અન્કંટ્રોલ્ડ બોડી લેંગ્વેજ તેમજ કારણ વગરની ઊર્જાથી છલકાતાં શાહરૂખને પ્રથમ વખત મળતી વખતે જ બધા અંદરખાનેથી અપસેટ થઈ જતા હતા. બોલીવુડમાં આવતા પહેલાં, ફૌજી સિરિયલે શાહરૂખ ખાનને એક ઓળખ આપી હતી તેમાં તેની સાથે આશુતોષ્ા ગોવારીકર, મકરંદ દેશપાંડે, નિરજ વોરા, અમૃત પટેલ પણ હતા. તેની ઊર્જા અને નાટક્યિતા અને ઈન્ટેન્સિટી એટલી વધારે પડતી હતી કે એક દિવસ અમે બધા શાહરૂખને મળવા ગયા, આશુતોષ્ા ગોવારિકર કહે છે, અમે તેને કહ્યું કે તું તારી ઈન્ટેસિટી (તીવ્રતા) થોડી ડ્રોપ (ઓછી) કર તો જ અમે તારી સાથે મેચ (અભિનયની જુગલબંદી) કરી શકીશું
એ વખતે સર્કસ સિરિયલનું વીસ દિવસનું ગોવામાં શેડયૂલ હતું. બડબોલા (આખાબોલા, અભિમાની) શાહરૂખ ખાનને ત્યારે ખબર નહોતી કે તેને પહેલી ફિલ્મ કઈ અને ક્યારે મળશે છતાં તેણે આશુતોષ્ા ગોવારિકરને કહેલું કે, મને ખબર છે કે આમિર ખાન તારો દોસ્ત છે પણ હું તેને ખતમ કરી નાખીશ. તેનું સ્થાન લઈ લઈશ. બસ, હું ફિલ્મોમાં આવું એટલી વાર છે, બજા દુંગા સબ કી
ના, આ ફિલ્મી મેગેઝિનમાં છપાયેલી ગોસિપ નથી પણ શાહરૂખ ખાનની સંમતિ પછી તેના મિત્ર-લેખક-પટકથાકાર મુશ્તાક શેખે લખેલી ઓફિશ્યલ કિતાબમાં આ વાત ટાંકવામાં આવી છે. આઈ એમ ધ બેસ્ટનું ગુમાન અને ગાંઠિયો એસઆરકેમાં ત્યારે પણ હતો, જયારે એ દિલ્હીમાં માતા ફાતિમા લતીફ અને મોટી બહેન શહનાઝ સાથે રહેતો હતો. ગૌરી છિબ્બા નામની યુવતી સાથે તેનું અફેર ચાલતું હતું અને…
કિંગખાન, બાદશાહ ખાન, એસઆરકે અને શાહરૂખ ખાન.
નામની જેમ જ સાચુકલી લાઈફમાં પણ તેના એકથી વધુ કિરદાર છે. એ મેગાસ્ટાર છે. એ પાક્કો બિઝનેસમેન છે. એ સાહસિક ફિલ્મનિર્માતા છે. એ ક્રિકેટ ટીમનો માલિક છે. સરસ વાચક છે. ઉમદા વિચારક છે.
શ્રેષ્ઠ પિતા અને પતિ છે અને આ બધાથી વિશેષ્ા (ઘણા એને અમિતાભ બચ્ચનના સ્ટારડમનો સાચો વારસદાર પણ ગણે છે) એ આપણા બધાનો એવો લાડકો એકટર છે, જેના ખરાબ પર્ફોમન્સની પણ નોંધ લીધા વગર આપણે રહી શક્તા નથી. આમ જુઓ તો આઝાદી પછી આપણને ચાર જ એકટર એવા મળ્યા છે કે જેની ઊંચાઈની નોંધ લેવી પડે.
ટ્રેજેડી કિંગ દિલીપકુમાર, સુપરસ્ટાર રાજેશ ખન્ના, મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન અને કિંગખાન શાહરૂખ ખાન. એ પણ કોસ્મિક યોગાનુયોગ છે કે પ્રથમ અને છેલ્લા બન્ને (યુસુફસાબ અને શાહરૂખ) ખાનમાં દેખાવનું ગજબનાક સામ્ય રહ્યું છે. અલબત્ત, શાહરૂખ ખાન કહી ચૂક્યો છે કે તેને દિલીપકુમારની ધીમી, ગંભીર અને મંદ શૈલી કરતાં બચ્ચન સાબની પાવરફૂલ, ડાયનેમિક એકટિંગે વધુ પ્રભાવિત ર્ક્યો છે
યૂં દેખા જાએ તો ઈન્ડિયન એકટિંગ આલમનાં સો વરસના ઈતિહાસમાં બે ત્રિપુટીએ સૌથી વધુ લોકોને ઘેલા ર્ક્યા છે. પ્રથમ તિકડી રાજકપૂર, દિલીપકુમાર અને દેવ આનંદની હતી. બીજી ત્રિમૂર્તિ છે, આમીર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાન. ત્રણેયનો જન્મ ૧૯૬પ માં. સલમાન ખાન કરતાં શાહરૂખ ખાન ચુમાલીસ દિવસ મોટો છે પણ ફિલ્મી કેરિયરમાં એ જૂનિયર.
આમીરની ક્યામત સે ક્યામત તક (૧૯૮૮) અને સલમાન ખાનની મૈંને પ્યાર ક્યિા (૧૯૮૯) રિલીઝ થઈ ત્યારે હજુ શાહરૂખ દિલ્હીમાં હતો અને તેને કોઈ ઓળખતું પણ નહોતું કારણ કે દૂસરા કેવલ અને ફૌજી અને સર્કસ સિરિયલ ૧૯૯૦માં બનવાની હતી. પોતાના હમઉમ્ર કરતાં મોડી એન્ટ્રી મારીને નિર્વિવાદપણે રેસમાં નંબર વન બની ગયેલાં શાહરૂખ ખાનના જીવનની અસામાન્ય વાતો આપણે કરવાના છીએ કારણ કે શાહરૂખ ખાન ડેસ્ટિનીનું એક અસામાન્ય ક્રિએશન છે.
એ નેગેટિવ રોલમાં નોટિસ થયો. રોમાન્ટિક રોલમાં જાણે તેણે રાજેશ ખન્ના – દેવ આનંદનો ખાલીપો બૂર્યો. તીવ્ર ઈન્ટેસિટી અને ભીંસાયેલાં હોઠના ખુન્નસ સાથે તેણે બુઢ્ઢા થતાં એંગ્રી યંગમેન નામના માઈન્ડ સેટમાં જુવાની ભરી દીધી. અમિતાભની જેમ સ્ટિરીયો ટાઈપ બનવાની બદલે તેણે રાજેશ ખન્નાની જેમ પાત્રો અને અનોખા કથાનકનું વૈવિધ્ય પસંદ ર્ક્યા અને પ્રેક્ષ્ાકોને બોર કર્યા વગર જ પોતાની જાતને પેશ કરવા માંડી.
બેશક, શાહરૂખ એકથી વધુ વખત કહી ચૂક્યો છે કે, યોગ્ય સમયે, યોગ્ય સ્થળે અને યોગ્ય વ્યક્તિ તરીકે હોવાનો એક અદ્ભુત સંયોગ માત્ર હું છું અને એ અદ્ભૂત (અને થોડા અસામાન્ય) સંયોગોની વાત થશે આવતા અઠવાડિયે.