(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: ગત માર્ચ-૨૦૨૨માં રાજકોટની મેજિસ્ટ્રેટની કોર્ટે ફિલ્મસર્જક સંતોષીને ચેક બાઉન્સ થવાના કેસમાં દોષિત ગણાવીને તેમને એક વર્ષ કેદની સજા સંભળાવ્યા બાદ સંતોષીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.
રાજકોટ જિલ્લા અને સેશન્સ જજ પ્રશાંત જૈને કેસને તા.૧૭ મે ઉપર મુલતવી રાખ્યો છે.
હિન્દી ફિલ્મસર્જક રાજકુમાર સંતોષીએ ગુરુવારે અત્રેની સેશન્સ કોર્ટમાં અરજી કરી છે અને ચેક-બાઉન્સ કેસમાં પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે.
ગુરુવારે થયેલી ટૂંકી દલીલોમાં સંતોષીના વકીલે જણાવ્યું હતું કે, રૂપિયા ૩૭ લાખની રકમ અનિલ જેઠાણીને ચૂકવી દેવામાં આવી છે, અને જેઠાણી પાસેથી રકમ લેવાની નીકળે છે.
જેઠાણીએ પોતે ચુકવણી ટાળવા માટે જૂના ચેકો રજૂ કરીને કેસ દાખલ કર્યો છે. અદાલતમાં આ કેસ હવે તા.૧૭ મે સુધી મુલતવી છે.
ફિલ્મસર્જક રાજકુમાર સંતોષી તથા રાજકોટ નિવાસી અનિલ જેઠાણી એકબીજાના પરિચયમાં
હતા.
વર્ષ ૨૦૧૭માં રાજકોટના રહેવાસી અનિલ જેઠાણીએ ફિલ્મસર્જક સંતોષીની વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
ફરિયાદમાં જણાવાયું છે કે, બંને એકબીજાને ઓળખતા હતા, અને જે રકમ અનિલ જેઠાણીએ સંતોષીને આપી હતી તે ચૂકવવા માટે રૂપિયા ૨૨.૫ લાખના બે ચેક આપવામાં આવ્યા હતા,
જે બાઉન્સ થયા હતા. બાદમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ ઍક્ટ
હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.