(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વના ડોવીશ સ્ટાન્સ સાથે વ્યાજદરમાં માત્ર ૦.૨૫ ટકાના ઉછાળા બાદ વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં એકંદરે આવેલી હળવાશને કારણે સુધરેલા સેન્ટિમેન્ટની અસર સ્થાનિક બજાર પર પણ વર્તાઇ હતી. બેન્ક અને ફાઈનાન્શિયલ શેરોની આગેવાનીમાં લેવાલીનો મજબૂત ટેકો મળતાં શેરબજાર આજે પણ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. શુક્રવારે બીએસઈ સેન્સેક્સ સતત પાંચમાં સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો અને ૯૧૦ પોઈન્ટ્સ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૭૮૦૦ પોઇન્ટની ઉપર બંધ રહ્યો હતો. આજે ટાઈટનના શેરમાં સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૯૦૫.૩૪ અને નીચામાં ૬૦,૦૧૩.૦૬ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૯૦૯.૬૪ પોઈન્ટ્સ અથવા ૧.૫૨ ટકા વધીને ૬૦,૮૪૧.૮૮ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૮૭૦.૩૦ અને નીચામાં ૧૭,૫૮૪.૨૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૨૧૯.૦૫ પોઈન્ટ્સ અથવા ૧.૨૪ ટકા વધીને ૧૭,૮૨૯.૪૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વે ફુગાવો હળવો થિ રહ્યો હોવાના આધારે વ્યાજદરનો વધારો ધીમો પાડ્યો હોવાથી એકંદર વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના માનસ પર સકારાત્મક અસર પડી હતી. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પણ એવો સંકેત આપ્યા છે કે વ્યાજદરની આક્રમક વૃદ્ધિનો દોર ધીમો પડશે.
એક મહત્ત્વની બાબતમાં ફ્રેન્ચ એનર્જી કંપની ટોટલ એનર્જીસે વિશ્ર્વાસ દર્શક નિવેદન જાહેર કર્યું હોવાથી અદાણી જૂથના સેરોને ટેકો મળ્યો હતો અને બજારના એકંદર સેન્ટિમેન્ટમાં તેને લીધે સુધારો જોવા મળ્યો હતો. અદાણી જૂથના શેરોમાં મોટી બ્લોક ડીલ પણ જોવા મળી હતી. દક્ષિણ ભારતની અગ્રણી એનબીએફસી કેએલએમ એક્સિવા ફિન્વેસ્ટે મહારાષ્ટ્રમાં વિસ્તરણના ભાગરૂપે એમએમઆરમાં નોડલ ઓફિસ અને શાખાઓ શરૂ કરી છે. દક્ષિણના રાજ્યોમાં ૫૭૦થી વધુ શાખાઓ સાથે વેપારમાં ૨૪થી વધુ વર્ષથી કાર્યરત આ એનબીએફસી વર્ષના અંત સુધીમાં મુંબઇમાં ૧૦૦ બ્રાન્ચ ઉપરાંત રૂ. ૫૦૦૦ કરોડના રોકાણનું લશ્ર્ય ધરાવે છે. અ જ સાથે કંપની ટૂંક સમયમાં રૂ. ૨૫૦ કરોડના એનસીડી બાદ આઇપીઓ પણ લાવવાની યોજના ધરાવે છે. બેન્ક ઓફ બરોડાએ અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસક નફો નોંધાવ્યો હોવાનો દાવો કર્યો હતો.
પાવર, ઓઈલ-ગેસ, એનર્જી, ફાર્મા, રિયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું જ્યારે ફાઈનાન્શિયલ, બેન્ક, ઓટો, આઈટી, ટેકનો, ટેલિકોમ અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૦૪ ટકા અને ૦.૪૭ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં આજે ટાઈટનના શેરોમાં સૌથી વધુ ૬.૯૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેન્ક, એસબીઆઈ, એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેન્ક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે. સેન્સેક્સ પેકમાં વિપ્રોના શેરોમાં સૌથી વધુ ૦.૫૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ ટાઈટનના શેરમાં ૬.૬૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં અદાણી પોર્ટ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ અને એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ડિવિસ લેબના શેરમાં ૧૧.૮૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બીપીસીએલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ટાટા ક્ધઝ્યૂમર અને હિન્દાલ્કોનો સમાવેશ થાય છે.
સેન્સેક્સમાં ટાઈટન ૬.૮૭ ટકા, બજાજ ફિનસર્વ ૫.૧૫ ટકા, બજાજ ફાઈનાન્સ ૫.૧૩ ટકા, એચડીએફસી બેન્ક ૩.૪૬ ટકા અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ. ૩.૧૫ ટકા વધ્યા હતા, જ્યારે વિપ્રો ૦.૩૨ ટકા, ટેક મહિન્દ્રા ૦.૨૨ ટકા અને એચસીએલ ટેક ૦.૧૬ ટકા ઘટ્યા હતા.