દોહા: અહીં રવિવારે રાતે રમાયેલી ‘ફિફા’ વર્લ્ડ કપની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી હરાવ્યું હતું. અગાઉ ફૂલ ટાઈમમાં સ્કોર ૩-૩થી બરાબર રહ્યો હતો.
ફિફા વર્લ્ડકપ ૨૦૨૨માં ફાઈનલ મેચ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાઇ હતી. કતારના લુસેલ સ્ટેડિયમમાં આર્જેન્ટિનાએ પ્રથમ હાફમાં ૨ ગોલની સરસાઈ મેળવી લીધી હતી. લિયોનેલ મેસ્સીએ ૨૩મી મિનિટે પેનલ્ટી પર ગોલ કર્યો હતો. ત્યારબાદ ૩૬મી મિનિટે એન્જલ ડી મારિયાએ પણ ગોલ કરીને આર્જેન્ટિનાને ૨-૦ની લીડ કરી દીધી હતી. મેચના પ્રથમ હાફમા આર્જેન્ટિનાએ બે ગોલ કરીને પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. પ્રથમ હાફમાં ફ્રાન્સની ટીમ એક પણ ગોલ કરવાનો પ્રયાસ કરી શકી ન હતી. જ્યારે આર્જેન્ટિનાએ ગોલ માટે ૬ વખત પ્રયાસ કર્યો હતો. તેમાંથી ૩ શોટ ટાર્ગેટ પર હતા. મેચની ૨૩મી મિનિટે ફ્રાન્સના ઓસ્માને ડેમ્બેલેએ આર્જેન્ટિનાના એન્જલ ડી મારિયાને પેનલ્ટી બોક્સમાં નીચે પાડી દીધો હતો. રેફરીએ તેની ભૂલને જોતા આર્જેન્ટિનાને પેનલ્ટી આપી હતી. કેપ્ટન મેસ્સીએ કોઇ ભૂલ ના કરતા ટીમ માટે પ્રથમ ગોલ કર્યો હતો. આ ગોલ સાથે મેસ્સીએ ટૂર્નામેન્ટમાં ૬ ગોલ કર્યા છે.
બાદમાં ૩૬મી મિનિટે ડી મારિયાએ પોતાના અનુભવનો ઉપયોગ કર્યો હતો અને મેચનો બીજો ગોલ કર્યો. આ સાથે ડી મારિયાએ આર્જેન્ટિનાને ફ્રાન્સ સામે ૨-૦થી લીડ અપાવી હતી. એલેક્સિસ મૈકએલિસ્ટરે આ ગોલમાં મદદ કરી હતી. એલિસ્ટરના પાસ પર મારિયાએ શાનદાર ગોલ કર્યો. ગોલકીપર લોરિસ પાસે તેના શોટનો કોઈ જવાબ નહોતો.
મધ્યાંતર સુધી આર્જેન્ટિના ૨-૦થી આગળ રહ્યું હતું. મેસીએ એક સમયે બૉલ ફર્નાન્ડિસને પાસ કર્યો હતો અને તેણે બૉલ ડી મારિયાને પાસ કર્યો હતો, જેણે ગૉલ કર્યો હતો.
વિશ્ર્વ કપના ઇતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર બે વખત એટલે કે ૧૯૫૪ અને ૧૯૮૬ની ફાઇનલમાં મધ્યાંતર સુધી બે ગૉલથી પાછળ રહેલું જર્મની જ બરાબરી કરી શક્યું હતું અથવા જીતી શક્યું હતું.
અગાઉ કતારમાં રમાઇ રહેલા ફિફા વર્લ્ડ કપમાં ક્રોએશિયાએ ત્રીજા સ્થાન માટેની મેચમાં મોરોક્કોને ૨-૧થી હરાવ્યું હતું. મેચના ત્રણેય ગોલ પહેલા હાફમાં આવ્યા હતા. બીજા હાફમાં કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી. ક્રોએશિયાના ગ્વાર્દિયોલે સાતમી મિનિટે શાનદાર હેડર વડે પોતાની ટીમને ૧-૦ની સરસાઈ અપાવી હતી. આ પછી નવમી મિનિટે મોરોક્કોના અશરફ દારીએ હેડર કરીને સ્કોર ૧-૧ કરી દીધો હતો. આ પછી હાફ ટાઈમની થોડી મિનિટો પહેલા એટલે કે ૪૨મી મિનિટે મિસ્લાવ ઓરસિચે ગોલ કરીને ક્રોએશિયાની ટીમને ૨-૧ની સરસાઈ અપાવી હતી. આ ફાયદો નિર્ણાયક સાબિત થયો હતો. ઉલ્લેખનીય છે કે મોરક્કોને સેમિફાઇનલમાં ફ્રાન્સ સામે હાર મળી હતી. ક્રોએશિયાને ત્રીજા નંબર પર રહેવા માટે લગભગ ૨૨૩ કરોડ રૂપિયા ઇનામ તરીકે મળશે. બીજી તરફ હારનાર મોરોક્કન ટીમ ચોથા નંબર પર રહી છે, તો તેને લગભગ ૨૦૬ કરોડ રૂપિયા આપવામાં આવશે.
છેલ્લા ૧૧ વર્લ્ડ કપમાં માત્ર યુરોપના કોઈ દેશે ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. ૧૯૭૮માં બ્રાઝિલ યુરોપ બહારની છેલ્લી લેટિન અમેરિકન ટીમ હતી જે ત્રીજા સ્થાને આવી હતી. ત્યારબાદ ત્રીજા સ્થાન માટે બ્રાઝિલે ઈટાલીને ૨-૧થી હરાવ્યું હતું.
ક્રોએશિયાની ટીમ છેલ્લા બે વર્લ્ડ કપ સહિત કુલ ૧૪ મેચ રમી છે. આ દરમિયાન ટીમ માત્ર બે મેચ હારી છે. ક્રોએશિયાએ છ મેચ જીતી છે અને છ મેચ ડ્રો કરી છે. ટીમ ૨૦૧૮ વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સ સામે ૪-૨થી હારી હતી. આ વર્લ્ડ કપમાં ટીમ સેમિફાઇનલમાં આર્જેન્ટિના સામે ૩-૦થી હારી ગઈ હતી.
જ્યારે પણ ક્રોએશિયાએ વર્લ્ડ કપની મેચમાં હાફ ટાઈમમાં લીડ લીધી છે, તે હંમેશાં જીત્યું છે. આવી સાત મેચોમાં ક્રોએશિયન ટીમે તમામ સાત મેચ જીતી છે. મોરોક્કોની ટીમ પ્રથમ હાફમાં પાછળ રહીને વર્લ્ડ કપમાં સાતમાંથી છ મેચ હારી છે. એક મેચ ડ્રો રહી છે.
જોસ્કો ગ્વાર્દિયોલે ક્રોએશિયા માટે વર્લ્ડ કપમાં ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો. આ મેચમાં તેની ઉંમર ૨૦ વર્ષ અને ૩૨૮ દિવસ હતી. આ પહેલા આ રેકોર્ડ ઈવિકા ઓલિચના નામે હતો. તેણે ૨૦૦૨માં ઈટાલી સામે ૨૨ વર્ષ ૨૬૭ દિવસની ઉંમરે ગોલ કર્યો હતો.