આ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ વખતે તે વર્લ્ડકપના નોકઆઉટ સ્ટેજમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. તેણે નોકઆઉટ મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ગ્રુપ સ્ટેજની મેચ : ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સનો પ્રથમ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ લીડ મેળવી હતી, પરંતુ તે પછી ફ્રાન્સે એક પછી એક ચાર ગોલ કર્યા હતા. ફ્રેન્ચ ફોરવર્ડે કુલ ૨૨ ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે આ મેચ ૪-૧થી જીતી હતી. ગ્રુપની બીજી મેચમાં ડેનમાર્કનો ફ્રાન્સ સામે પડકાર હતો. પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો હતો, પરંતુ બીજા હાફમાં ત્રણ ગોલ થયા હતા. ૬૧મી મિનિટે એમબાપ્પેએ ફ્રાન્સને લીડ અપાવી હતી અને ૬૮મી મિનિટે ડેનમાર્કના ક્રિશ્ર્ચિયનસેને બરાબરીનો ગોલ કર્યો હતો. આ મેચમાં પણ ફ્રાન્સે કુલ ૨૧ ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. મેચની છેલ્લી મિનિટોમાં (૮૬મી મિનિટે) એમબાપ્પેએ વધુ એક ગોલ કરીને ફ્રાન્સને ૨-૧થી જીત અપાવી હતી. આ જીત સાથે ફ્રાન્સ રાઉન્ડ ઓફ ૧૬માં પણ પહોંચી ગયું છે.
નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવનાર ફ્રાન્સ માટે આ મેચ હવે એટલી મહત્વની રહી નથી. ફ્રાન્સે અહીં તેમની લાઇન-અપમાં ઘણા ફેરફારો કર્યા છે. ટ્યુનિશિયા સામેની આ મેચમાં ફ્રાન્સને ૦-૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.
રાઉન્ડ ઓફ ૧૬ મેચ : નોકઆઉટ રાઉન્ડમાં ફ્રાન્સની પ્રથમ મેચ પોલેન્ડ સામે હતી. અહીં પોલેન્ડ ફ્રાન્સની આક્રમક રમત સામે લાચાર દેખાતું હતું. ગિરાડે પ્રથમ હાફમાં ફ્રાન્સને લીડ અપાવી હતી અને બીજા હાફમાં એમબાપ્પેએ બે ગોલ કરીને લીડ ૩-૦ કરી હતી. પોલેન્ડના રોબર્ટ લેવાન્ડોસ્કીએ લીડ ઘટાડી હતી. ફ્રાન્સે આ મેચ ૩-૧થી જીતી હતી.
ક્વાર્ટર ફાઈનલ મેચ : ઈંગ્લેન્ડ સામે ફ્રાન્સની આ મેચ રસપ્રદ હતી. ફ્રાન્સે ૧૭મી મિનિટે ઓર્લિયનના ગોલને કારણે લીડ મેળવી હતી, પરંતુ હેરી કેને પેનલ્ટી સ્પોટમાંથી ગોલ કરીને ઈંગ્લેન્ડને બરોબરી પર લાવી દીધું હતું. ઓલિવિયર ગિરોડનો ગોલ અહીં નિર્ણાયક હતો. ગિરોડે ૭૮મી મિનિટે ગોલ કરીને ફ્રાન્સને ૨-૧ની સરસાઈ અપાવી હતી. ઇંગ્લેન્ડના તમામ પ્રયાસો છતાં તે જીતી શકી નહોતી.
સેમિફાઇનલ મેચ : સેમિફાઇનલમાં ફ્રાન્સ સામે મોરોક્કોનો પડકાર હતો. મોરોક્કો ઘણી મોટી ટીમોને હરાવીને સેમિફાઈનલમાં પહોંચ્યું હતું. અહીં ફ્રાન્સે ૫મી મિનિટે જ ગોલ કરી દીધો હતો. થિયો હર્નાન્ડેઝે ફ્રેન્ચ ટીમને લીડ અપાવી હતી. કોલો મુઆનીએ ૭૯મી મિનિટે લીડ બમણી કરી હતી. ફ્રાન્સે મોરોક્કોને ૨-૦થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.