15 ટુ-વ્હીલર બળીને રાખ, આગ કાબૂમાં
નાયગાંવ પશ્ચિમના રેલવે સ્ટેશન પાસે પાર્કિંગમાં ભીષણ આગ લાગતા અનેક ટુ-વ્હીલર બળી ગયા હતા. આ ઘટના સોમવારે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ બની હતી. આગમાં લગભગ 15 થી 16 ટુ-વ્હીલર બળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. નાયગાંવ વેસ્ટ વિસ્તારમાં રેલવે સ્ટેશનને અડીને આવેલા ફ્લાયઓવરની નીચે વાહનોને પાર્કિંગમાં રાખવામાં આવે છે. સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ અહીં પાર્ક કરેલા વાહનોમાં અચાનક આગ લાગી હતી. નજીકમાં અન્ય એક વાહન પાર્ક થયેલું હોવાથી તેણે પણ આગ પકડી હતી અને ધીમે ધીમે આગની તીવ્રતા વધી હતી. આ ઘટના અંગે નાગરિકોએ વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કર્યું હતું.
આ વાહન ડેપોમાં લગભગ સેંકડો કાર પાર્ક કરવામાં આવી હતી, પરંતુ નાયગાંવ પશ્ચિમના સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક તે કારોને હટાવી દીધી હતી, જેના કારણે મોટું નુકસાન ટળ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. માણિકપુર પોલીસ સ્ટેશનની પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બળી ગયેલા વાહનોનું પંચનામું કર્યું છે.