ગોવાના મહાદેઈ વન્યજીવ અભ્યારણ્યમાં આગ લાગી છે. ગોવાના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલું આ અભયારણ્ય કર્ણાટકની સરહદ પર આવેલું છે અને છેલ્લા છ દિવસથી આગ ભભૂકી રહી છે. ગોવાના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે ભારતીય નેવીની મદદ લેવામાં આવી રહી છે. નેવીના હેલિકોપ્ટર ‘લાર્જ એરિયા એરિયલ લિક્વિડ ડિસ્પરશન ઇક્વિપમેન્ટ’ સાથે ઉડાન ભરી રહ્યા છે. રક્ષા મંત્રાલયના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે.
આગ અભયારણ્યમાં ઘણા ભાગોમાં ફેલાઈ ગઈ છે, જેના પછી નૌકાદળની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતીય નૌકાદળના ગોવા નેવલ એરિયાએ ટ્વીટ કર્યું કે નેવીના હેલિકોપ્ટર ગુરુવારે પણ સ્થાનિક પ્રશાસનની મદદ માટે ઉડાન ભરશે. ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરે 7 અને 8 માર્ચે પણ ઉડાન ભરી હતી. કોર્ટેલીમ અને મોરલેમ જેવા વિસ્તારોમાં આગને કાબૂમાં લેવા માટે લગભગ 17 ટન પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, પરંતુ આગ હજુ કાબુમાં આવી શકી નથી.
નેવીએ જાણકારી આપતા કહ્યું કે આ ઓપરેશન માટે ખાસ લાર્જ એરિયા એરિયલ લિક્વિડ ડિસ્પરશન ઇક્વિપમેન્ટ ગિયરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે મુંબઈ અને કોચીથી મંગાવવામાં આવ્યા છે. અત્યાર સુધી નેવીના હેલિકોપ્ટરે આગને કાબૂમાં લેવા માટે 26 ઉડાન ભરી છે. હેલિકોપ્ટર નજીકના પાણીના સ્ત્રોતમાંથી પાણી ભરી રહ્યાં છે અને આગ અસરગ્રસ્ત વિસ્તારમાં તેનો છંટકાવ કરી રહ્યાં છે. જ્યાં આગ લાગી તે જગ્યા ખૂબ ઉંડાણ હોવાને કારણે ત્યાં કામગીરી કરવામ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગોવાના વન પ્રધાન વિશ્વજીત રાણેએ દાવો કર્યો છે કે આગ કોઈએ વ્યક્તિએ લગાવી હોય તેવું લાગે છે. રાણેએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.