Homeવેપાર વાણિજ્યફેડરલની બેઠક પૂર્વે વૈશ્વિક સોનામાં સાંકડી વધઘટ

ફેડરલની બેઠક પૂર્વે વૈશ્વિક સોનામાં સાંકડી વધઘટ

રૂપિયો સુધરતાં સોનામાં ₹ ૧૧૦નો અને ચાંદીમાં ₹ ૪૩નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આવતીકાલથી શરૂ થનારી બે દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે વ્યાજદરમાં આક્રમક કે હળવો વધારો કરવામાં આવે છે તેની અવઢવ વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા ભાવમાં ધીમો ૦.૧ ટકા જેટલો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ૦.૬ ટકાનો સુધારો આવ્યો હતો. જોકે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસા જેટલો સુધારો આવતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૦નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૩નો ઘટાડો આવ્યો હતો.
આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહેતાં ભાવ ગત શુક્રવારના બંધ સામે કિલોદીઠ રૂ. ૪૩ ઘટીને રૂ. ૬૮,૧૪૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહેવાની સાથે રૂપિયો મજબૂત થવાથી આયાત પડતરમાં થયેલા ઘટાડાને કારણે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૦ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૮૫૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૦૭૯ના મથાળે રહ્યા હતા.
આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકની ફળશ્રુતિ પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી હાજરમાં ભાવ આગલા બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૯૨૮.૩૬ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ આસપાસ ઔંસદીઠ ૧૯૨૯.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હાલમાં સોનાના ભાવ કોન્સોલિડેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવાનું વિશ્લેષકો જણાવતાં ઉમેરે છે કે હવે રોકાણકારોની નજર ફેડરલની બેઠકના અંતે અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ છે. જોકે, બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ગત ડિસેમ્બરની બેઠકના ૫૦ બેસિસ પૉઈન્ટ સામે આ વખતે ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવો આશાવાદ રોકાણકારો સેવી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઈંગ્લૅન્ડની પણ નીતિવિષયક બેઠક યોજાનારી છે. તેમ જ સ્થાનિકમાં ખાસ કરીને આગામી પહેલી ફેબ્રુઆરીનાં રોજ અંદાજપત્રની રજૂઆતમાં સરકાર સોના પરની આયાત જકાતમાં ઘટાડો કરે તેવો આશાવાદ પણ બજાર વર્તુળો રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -