(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકામાં આર્થિક મંદીની ચિંતા અને દેવાની ટોચની મર્યાદા અંગેની મડાગાંઠ હજુ ઉકેલાઈ ન હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૦થી ૨૭૧નો સુધારો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. ૬૧,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતાં. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી ૧૫ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૫૨૫ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૦ વધીને રૂ. ૬૦,૯૯૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૭૧ વધીને રૂ. ૬૧,૨૩૫ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૨૫ વધીને રૂ. ૭૨,૫૬૫ના મથાળે રહ્યા હતા.
તાજેતરમાં અમેરિકા ખાતે બેરોજગારોની સંખ્યામાં થયેલા વધારાને કારણે આર્થિક મંદીની ચિંતા સપાટી પર આવવાની સાથે દેવાની ટોચ મર્યાદા અંગેની મડાગાંઠ યથાવત્ રહી હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૦૧૮.૭૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૦૨૩.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૧૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન અમેરિકી સરકારની દેવાની ટોચ મર્યાદા અંગે જો ત્વરિતપણે નિર્ણય લેવામાં નહીં આવે તો આર્થિક મંદી ઘેરી બનવાની ભીતિ સપાટી પર આવી હોવાથી ગત શુક્રવારે અમેરિકામાં મે મહિનાનો ક્ધઝ્યુમર સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ ઘટીને છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હોવાના અહેવાલ હતા. જોકે, આવતીકાલે દેવાની ટોચ મર્યાદા માટે (મંગળવારે) અમેરિકી પ્રમુખ અને નીતિ ઘડવૈયાઓ સાથે યોજાનારી બેઠક પર રોકાણકારોની નજર સ્થિર થઈ છે. જોકે, આગામી જૂન મહિનાની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા ૮૩ ટકા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.