પુણે: ઉત્તર પ્રદેશની વતની ૧૭ વર્ષની સગીરાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે પિતા અને કાકાએ તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે દાદાએ તેનો વિનયભંગ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પુણેની કોલેજમાં અભ્યાસ કરતી પીડિતાએ વિશાખા સમિતિના સભ્યોને તમામ હકીકત જણાવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે આ પ્રકરણે તપાસ હાથ ધરીને પીડિતાના પિતાની ધરપકડ કરી હતી.
પુણેના પોલીસ સ્ટેશનમાં બુધવારે આ પ્રકરણે ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (પોક્સો)ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.
પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે પીડિતા ઉત્તર પ્રદેશમાં હતી ત્યારે ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન કાકાએ તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે દાદાએ તેનો વિનયભંગ કર્યો હતો. ૨૦૧૮માં પુણે આવ્યા બાદ પીડિતાએ કાગળ પર લખીને આની જાણ પિતાને કરી હતી. જોકે આવું કૃત્ય કરનારા કાકા અને દાદા વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે પિતાએ પણ અનેકવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
માતાની ગેરહાજરીમાં પિતા દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અમે આ પ્રકરણે પીડિતાના પિતા, કાકા અને દાદા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોઇ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે, એમ પણ અધિકારીએ જણાવ્યું હતું.