HDFC બેંકના ગ્રાહકોનો ડેટા લીક થયાના સમાચારથી લોકોમાં ખળભળાટ મચી ગયા બાદ આ મામલે હવે HDFC બેંક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. HDFC એ ડેટા લીકના દાવાને નકારી કાઢ્યા છે. એચડીએફસીએ ટ્વિટર કરી આ અહેવાલો અને દાવાઓને રદિયો આપ્યો હતો. બેંકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે HDFC બેંકનો કોઈ ડેટા લીક થયો નથી. બેંકે લખ્યું કે અમારી સિસ્ટમમાં કોઈ અનધિકૃત એક્સેસ નથી. ગ્રાહક ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત છે. ખાતાધારકોની ચિંતાઓને સંબોધતા બેંકે લખ્યું કે બેંક બેંકિંગ સિસ્ટમ અને બેંકિંગ ઇકોસિસ્ટમ પર નજર રાખી રહી છે. અમે ડેટા સુરક્ષાને લઈને ખૂબ જ સંવેદનશીલ છીએ. બેંકે આ અહેવાલોના દાવાને નકારી કાઢ્યા છે. બેંકના આ ટ્વીટ બાદ ખાતાધારકોનું ટેન્શન થોડું ઓછું થયું છે.
બેંક ગ્રાહકોએ જાણ કરી છે કે તેમને પાન કાર્ડ, કેવાયસી માટે અલગ-અલગ નંબરો પરથી કોલ આવી રહ્યા છે. આ ફરિયાદો પછી બેંકો સતત ગ્રાહકોને અપીલ કરી રહી છે કે તેઓ તેમની અંગત માહિતી શેર ન કરે. બેંકે ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ તેમના એકાઉન્ટ, પાન કાર્ડ, બેંક એકાઉન્ટ જેવી સંવેદનશીલ માહિતી કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરે. બેંકે એમ પણ કહ્યું છે કે આ માહિતી આપવાથી ગ્રાહકોને નુકસાન થઈ શકે છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ એવી અફવા ફેલાઇ હતી કે HDFCના 6 લાખ ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. રિપોર્ટ અનુસાર, હેકર્સે ગ્રાહકોની અંગત માહિતી લીક કરી છે અને તેને ‘લોકપ્રિય સાયબર ક્રિમિનલ ફોરમ’ પર પોસ્ટ કરી છે. આ સમાચાર આવ્યા બાદ લોકોમાં હોબાળો મચી ગયો હતો. બેંકના ખાતાધારકોની ચિંતા વધવા લાગી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સાયબર અપરાધીઓએ ગ્રાહકોના નામ, ઈમેલ, સરનામા સહિત સંવેદનશીલ નાણાકીય ડેટા લીક કર્યો છે. આ રિપોર્ટ મળ્યા બાદ બેંકે હવે જવાબ આપ્યો છે.