(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વાતાવરણમાં ફેરફારની સાથે જ એકી સાથે પાંચ હજારથી વધુ જગ્યાએ ચાલી રહેલા જુદાં જુદાં કામોને કારણે પણ વાતા વરણમાં ધૂળનું પ્રમાણ વધી ગયું છે, જે મુંબઈ માટે જોખમી બની ગયું છે. મુંબઈમાં આ અગાઉ હવામાં પ્રદૂષણનું સ્તર કોઈ દિવસ જોખમી સ્તરે પહોંચ્યું નહોતું, પરંતુ લાંબા સમય સુધી મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૫૦થી ૪૦૦ ની આસપાસ નોંધાયો છે. કોવિડ મહામારી બાદ મોટા પ્રમાણમાં ચાલી રહેલા બાંધકામ તેમ જુદા જુદા વિકાસ કામને કારણે નિર્માણ થનારી ધૂળ તેની સાથે હવાની સ્થિતિમાં અને વેગમાં થઈ રહેલા ફેરફાર એ બે મુખ્ય ઘટક જણાયા છે. મુંબઈમાં હાલ ૫,૦૦૦ કરતાં વધુ સ્થળે જુદા જુદા વિકાસલક્ષી અને રિડેવલપમેન્ટ જેવા કામ ચાલી રહ્યા છે. તેમાંથી નિર્માણ થનારી ધૂળ અટકાવવા યોજના અમલમાં મૂકવામાં આવવાની છે. પાલિકા કમિશનર ઈકબાલસિંહના જણાવ્યા મુજબ જુદાં જુદાં બાંધકામ અને વિકાસકામના ઠેકાણે નિર્માણ થનારી ધૂળ નિયંત્રણ કરવા માટે ઉપાયયોજના, તમામ સબંધિત લોકોને તે વિષયમાં સૂચના આપીને ઉપાયયોજના અમલમાં મૂકવાની પદ્ધતિ અને ઉપાયયોજના, નિયમ તથા સૂચનાનું ઉલ્લંઘન કરવા પર આકરા પગલાં આ ત્રણ મુદ્દા પર સાત દિવસમાં અહેવાલ રજૂ કરવાનું કામ મ્યુનિસિપલ એડિશનલ કમિશનર સંજીવ કુમારની અધ્યક્ષતામાં સાત જણની સમિતિ કરશે.