ઓડિશામાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઓડિશાના આરોગ્ય પ્રધાન નબા કિશોર દાસ પર જીવલેણ હુમલો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસકર્મીએ આરોગ્ય પ્રધાન નાબ કિશોરને ગોળી મારી દીધી છે. આ હુમલા બાદ સ્વાસ્થ્ય મંત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર,આરોગ્ય પ્રધાન નબ કિશોર દાસ રવિવારે તેમના સમર્થકોની વચ્ચે બ્રિજરાજનગર પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકરો સાથે બેઠક યોજવાની હતી. આ દરમિયાન એક પોલીસકર્મીએ નબ કિશોર દાસ પર ઘણી ગોળીઓ ચલાવી હતી. કેટલીક ગોળીઓ આરોગ્ય મંત્રીની છાતીમાં વાગી હતી. હુમલામાં ઘાયલ નબ કિશોર દાસને કારમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રીની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે.
સૂત્રોએ માહિતી આપી હતી કે આરોગ્ય પ્રધાન પર આ જીવલેણ હુમલો પોલીસના એએસઆઈ દ્વારા કરવામાં આવ્યો હતો, જેણે આરોગ્ય પ્રધાનને પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી હતી. હાલ આરોપી પોલીસકર્મીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આરોગ્ય પ્રધાન પર હુમલા પાછળનું કારણ શું છે.
આ ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે નાબ દાસ જાહેર ફરિયાદ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મુખ્ય અતિથિ હતા. જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે ભીડ એકઠી થઈ હતી. અચાનક એક ગોળીનો અવાજ સંભળાયો. તેણે નજીકથી ગોળીબાર કરીને એક પોલીસકર્મીને ભાગતો જોયો હતો.