બુલઢાણા જિલ્લાના કોથળી નામના નાકડાં ગામમાં રહેતા એક ખેડૂતે તેની દિકરીના શાહી વિવાહ કરાવ્યા છે. આ વિવાહની ખાસિયત એ છે કે આ વિવાહમાં એ જ પરિસરમાં રહેતાં પશુ-પક્ષી અને કિડીઓને પણ આમંત્રીત કરવામાં આવ્યા હતાં. પ્રાણીઓ, પક્ષીઓ અને કિડીઓ માટે પણ જમણવાર રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ લગ્નમાં આસપાસના પાંચ ગામોના દસ હજાર લોકોને લગ્ન અને જમણવાર માટે આમંત્રીત કરવામાં આવ્યા હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર કોથળી ગામમાં રહેતાં પ્રકાશ સરોદે નામના ખેડૂતે તેની એક ની એક દિકરીના લગ્ન કરાવ્યા છે. તો એમાં શું મોટી વાત એવો પ્રશ્ન તમને પણ થતો હશે.
આ લગ્ન માટે ગામ પાસે આવેલ પાંચ એકર ખેતરમાં મંડપ બાંધવામાં આવ્યો હતો. ગામની આસપાસના પાંચ ગામોના દસ હજાર લોકો માટે જમણવાર પણ રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ સરોદેએ ગામના પશુ-પક્ષીઓ માટે પણ જમણવાર રાખ્યું હતું.
સરોદેએ દિકરીના લગ્ન નિમિત્તે ગાયોને 10 ક્વિન્ટલ ચારો, બીજા પ્રાણીઓ માટે 10 ટ્રોલી ભરીને સૂખો ચારો, પરિસરમાં હાજર શ્વાન માટે જમણવાર એટલું જ નહીં પણ એ વિસ્તારમાં કિડીઓ ભૂખી ના રહી જાય માટે બે કોથળા ભરીને ખાંડ પણ નાંખવામાં આવી હતી. આ શાહી વિવાહમાં કોઇ પણ ભૂખ્યું ના રહે તેની ખાસ કાળજી લેવામાં આવી હતી.
પ્રકાશ સરોદેએ પોતાની લાડકી દિકરી પૂજાના વિવાહ ભારતીય સેનામાં કાર્યરત અતુલ દિવાણે સાથે કર્યા છે. આ વિવાહ પ્રસંગ બધા માટે જાણે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. કારણ કે આ વિવાહમાં માત્ર મનુષ્ય નહીં પણ મૂંગા પ્રાણીઓની પણ ખાસ કાળજી રાખવામાં આવી હતી. સૌથી પહેલાં ગાયોની પૂજા કરી તેમને ચારો આપવામાં આવ્યો હતો. પક્ષીઓને ચોખા, શ્વાનને જમણ અને કિડીઓ માટે ખાંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આસપાસના પાંચ ગામ મળીને દસ હજાર લોકોનું જમણવાર કરવામાં આવ્યું હતું.