આરબીઆઇના વ્યાજદરના નિર્ણય, ચૂંટણી પરિણામ સહિતનાં પરિબળો બજારની આગામી ચાલ નિર્ધારિત કરશે
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા
મુંબઇ: એકતરફી તેજીની ચાલ પછી આ સપ્તાહે ખાસ કરીને રઝિર્વ બેન્કની વ્યાજદરની જાહેરાત આગઉ સુધી શરૂઆતમાં કોન્સોલિડેશન આગળ વધે એવી સંભાવના ખરી, પરંતુ નિફ્ટી તેની ઉર્ધ્વગતિ ટૂંક સમયામાં જ ફરી શરૂ કરે એવી પૂરતી શક્યતા હોવાનું નિષ્ણાતો માને છે. એકંદરે આ સપ્તાહે આરબીઆઇના વ્યાજદરના નિર્ણય, વિધાનસભાની ચૂંટણીના પરિણામ સહિતના પરિબળો બજારની આગામી ચાલ નિર્ધારિત કરશે.
ઇક્વિટી બજારના રોકાણકારો માટે સમીક્ષા હેઠળનું પાછલું સપ્તાહ સારું રહ્યુુંં હતું કારણ કે બેન્ચમાર્ક બંને ઇન્ડેક્સે બીજી ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં એક ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો, જે સકારાત્મક વૈશ્ર્વિક સંકેત અને સાનુકૂળ આર્થિક ડેટાને આભારી છે, જોકે સતત આઠ સત્રની આગેકૂચ પછી શુક્રવારે આખલાએ પોરો ખાધો હતો.
સેન્સેક્સ ૫૭૫ પોઈન્ટ વધીને ૬૨,૮૬૮ પર અને નિફ્ટી-૫૦ બેન્ચમાર્ક ૧૮૩ પોઈન્ટ વધીને ૧૮,૬૯૬ પર પહોંચ્યો હતો, જ્યારે વ્યાપક બજારોએ નોંધપાત્ર વેગ મેળવ્યો હતો અને અગ્રણી બેન્ચમાર્ક કરતાં ઘણું સારૂં પ્રદર્શન કર્યું હતું, જેમાં નિફ્ટી મિડકેપ-૧૦૦ અને સ્મોલકેપમાં અનુક્રમે ૧૦૨ ટકાથી વધુ અને ૧૦૦ ટકાનો વધારો થયો હતો.
ટેક્નોલોજી, મેટલ, એફએમસીજી, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી અગ્રણી ગેઇનર્સ સાથે તમામ સેક્ટરમાં સારો સુધારો જોવા મળ્યો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ સપ્તાહમાં તાજેતરના એકતરફી દોડને જોતાં, શરૂઆતમાં કેટલાક વધુ એકત્રીકરણની શક્યતા ખાસ કરીને આરબીઆઇની નાણાકીય નીતિ સમિતિની બેઠકની અગાઉ છે પરંતુ એકંદરે મજબૂત વેગ અને સાનુકૂળ સંકેતો હોવાથી નિફ્ટી ફરી એકવાર ૧૯,૦૦૦ તરફ આગળ વધે એવી ધારણા છે.
ટેક્નિકલ ધોરણે વાત કરીએ તો એક અગ્રણી ચાર્ટીસ્ટે કહ્યું હતું કે, સતત આઠ સત્રની આગેકૂચ બાદ પ્રોફિટ બુકિંગને કારણે નિફ્ટીએ શુક્રવારે બેરીશ કેન્જલની રચના કરી હતી. જોકે, સતત સાતમા સપ્તાહે નિફ્ટીએ હાયર હાઇ ફોર્મેશન પણ બતાવ્યું છે જે એવો સંકેત આપે છે કે આ બેન્ચમાર્કમાં હજુ જોમ છે અને આવનારા સપ્તાહો માટે તેનો ૧૯,૦૦૦નો લક્ષ્યાંક પણ અકબંધ છે.
આ સપ્તાહે ભારતીય રિઝર્વ બેન્કના વ્યાજદરમાં વધારા અંગેનો નિર્ણય ઉપરાંત વૈશ્ર્વિક બજારોની ચાલ, વિદેશી રોકાણનો પ્રવાહ, રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ સહિતના પરિબળો શેરબજારની ચાલ નિર્ધારિત કરે તેવી શક્યતા છે.
બજાર નિષ્ણાતોના મતે હાલમાં શેરબજાર પર ગ્લોબલ ફેક્ટર વધુ અસર કરી રહ્યા હતા પણ આ સપ્તાહે આરબીઆઈની બેઠક અને વિધાનસભાની ચૂંટણીના પરિણામને કારણે બજારનું ફોકસ ડોમેસ્ટિક બાબતો પર ફોકસ થવાની શક્યતા છે. સાતમી ડિસેમ્બરે આરબીઆઈ વ્યાજદર વધારાનો નિર્ણય કરશે જ્યારે આઠમી ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો જાહેર થશે.
વૈશ્ર્વિક મોરચે યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં તીવ્ર ઘટાડો જોવાયો છે અને બજાર સતત તેની પરિસ્થિતિ પર વોચ રાખે તેવી શક્યતા છે. મેક્રો ડેટાની વાત કરીએ તો આ સોમવારે સર્વિસ સેક્ટરના પરચેઝિગ મેનેજર ઈન્ડેક્સ (પીએમઆઇ) જાહેર થશે.
આ સપ્તાહે શેરબજારની ચાલ પર અસર કરે તેવા અન્ય પરિબળોમાં બ્રેન્ટ ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ અને ડોલર સામે રૂપિયાની ચાલનો સમાવેશ થાય છે. શેરબજારમાં હાલના હાઈ વેલ્યૂએશન, ફેડ પોલિસી બેઠક અને ચીનમાં કોવિડ સામેના કડક નિયંત્રણો જેવા પગલાંને ધ્યાનમાં લેતા આ સપ્તાહે બજાર ખુબજ સેન્સિટિવ રહે તેવી ધારણા છે. એકંદરે આગામી તારીખ ૭ ડિસેમ્બરની આરબીઆઈની બેઠક પરથી બજારની ભાવિ ચાલ તેમજ વ્યાજદર વધારાની તીવ્રતા અંગેનો અણસાર મળે તેવી શક્યતા છે. ઉ