આપણે જેમ વન્ય પ્રાણીઓના જંગલમાં ઘુસી ગયા છે, તેમ તેમ હવે પ્રાણીઓ આપણા ગામ-શહેરમા ઘુસપેઠ કરી રહ્યા છે. વિકાસના નામે કરવામા આવતી જંગલોની કત્લેઆમનો સીધો ભોગ જંગલ આસપાસ રહેતા લોકો બને છે. આ લોકોની ખેતીવાડી કે કામધંધા અહીં હોવાથી તેઓ અન્યત્ર ક્યાંય જઈ શકતા નથી. આવા જ એક અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ભાટકોટા ગામે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ જિલ્લા વન વિભાગને કરતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાંજરા ગોઠવી શોધખોળ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ભાટકોટા ગામે ગત સાંજ દરમિયાન દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છે. સમી સાંજે દીપડાનો પરિવાર ગામથી 50 ફૂટના અંતરે આવેલા મંદિર પાસેના એક ખેતરમાં પાણી પીવા આવ્યો હતો. ત્યારે ટ્રેક્ટર લઇ નજીકમાંથી પસાર થતા એક ખેડૂતે જોતા ગ્રામજનોને જાણ કરી હતી. જેથી ગ્રામજનો લાકડીઓ લઇ એકત્ર થઇ ગયા હતા. ત્રણ કલાક સુધી આ દીપડાનો પરિવાર મંદિર આસપાસ બેસી રહેતા ગ્રામજનો અને દીપડા વચ્ચે સામસામે જંગ જેવો માહોલ જોવા મળ્યો હતો.
પહેલા દીપડો દૂર હતો, પરંતું હવે દીપડો ગામથી માત્ર ૫૦ ફૂટના અંતર નજીક આવી જતા લોકોમાં ભયનો માહોલ છે. ખેડૂતો તેમજ પશુપાલકો પોતાના ખેતરમાં અને તબેલાઓમાં જતા ડરી રહ્યા છે અને ડેરીમાં દૂધ ભર્યા વગર રહ્યા હતા. બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લામાં અગાઉ પણ દીપડાનો આંતક લોકોએ સહન કર્યો છે.