ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ
(૩૦)
મોતીલાલ તેજાવતના દૃઢ આશાવાદ અને અહિંસાના આગ્રહ વચ્ચે એકી આંદોલન પરાકાષ્ઠાની નિકટ પહોંચી રહ્યું હતું એની ભાગ્યે જ કોઈને જાણ હતી.
ઇ. સ. ૧૯૨૨ની સાતમી માર્ચે દૃઢવાવમાં ભીલોની સભામાં જ્ઞાનજી નામના સાધુ હતા. તેમણે સામે ઊભેલા મેવાડ ભીલ કોર્પ્સના તરફ જોઈને મોતીલાલને સલાહ આપી કે આ સૈનિકોનો સામનો કરવો જરૂરી છે. કારણ કે તેઓ ‘એકી’ના સભ્ય નથી. બંને મોરચે ઉશ્કેરાટ વધી રહ્યો હતો.
એક વાત એવી છે કે ઓચિંતા સામે લશ્કરને જોઈને એક ભીલ ધીરજ ગુમાવી બેઠો. તેણે આવેશમાં આવીને બ્રિટિશ કેપ્ટન તરફ તીર છોડ્યું અને પોલીસ તો જાણે ઉશ્કેરણીની રાહ જોઈ રહી હોય એમ તેમણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ભીલોમાં દોડધામ મચી ગઈ. આમાં ન જાણે કોને ગોળી વાગી, કેટલાં મરણ પામ્યા અને કેટલાં ઘાયલ થયા એની કોઈને તાત્કાલિક ખબર ન પડી.
આ ઘટનાની બ્રિટિશરોએ કેવી રીતે નોંધ લીધી? મેજર સટ્ટને સરકારી અહેવાલમાં નોંધ્યું કે ‘ભીલોએ બૂમબરાડા પાડીને અમારી સામે તીરકામઠા તાકી દીધા. અમે મેગાફોનથી મોતીલાલ તેજાવત અને ભીલોને ધીરજ રાખવાની અને હુમલો ન કરવાની ચેતવણી આપી હતી, પરંતુ ભીલો ધરાર ન માન્યા અને અમારા તરફ ચાર ગોળી છોડવામાં આવી હતી.
પ્રફુલ્લાનંદ પુરુષોતમભાઈ નવાકરના મહાશોધ નિબંધ ‘સાબરકાંઠા જિલ્લાના આદિવાસીઓમાં વિવિધ ક્ષેત્રે આવેલું પરિવર્તન: એક સંશોધનાત્મક અભ્યાસ’ મુજબ ‘મોતીલાલ તેજાવતના એક ભીલ અનુયાયી ધન્ના ડામોર બૂમો પાડીને બોલવા માંડ્યો કે પોલિટીકલ એજન્ટ ફોજનું નેતૃત્વ કરી રહ્યાં છે એટલે પહેલાં તેમનું કાસળ કાઢી નાખો. ત્યાર બાદ તેઓ મેવાડ ભીલ કોર્પ્સને પોતાની બાજુ લાવી શકશે. ત્યાર બાદ ભીલો ‘મોતીલાલ કી જય’ અને એકલિંગજી કી જય’ બોલતા બોલતા આગળ આવ્યા. જ્યારે તેઓ મેવાડ ભીલ કોર્પ્સની નજીક આવ્યા ત્યારે મેજર સટ્ટને હવામાં ગોળીબાર કરાવ્યો. તેથી ભીલોને લાગ્યું કે ગોળીના ભમરા બની ગયા છે, પરંતુ જ્યારે સટ્ટને તેમના પર ગોળીબારનો આદેશ આપ્યો ત્યારે ભીલો જીવ બચાવીને ભાગવા લાગ્યા. ધાણી ફૂટે તેમ બંદૂકમાંથી ગોળીઓ છૂટવા લાગી હતી. ગોળી વાગવાથી ભીલો આમતેમ ફંગોળાતા હતા. ભીલોના ટોળાએ નાસભાગ મચાવી મૂકી હતી, પરંતુ મેવાડ ભીલ કોર્પ્સના ગોળીબાર સામે બચવું મુશ્કેલ થઈ ગયું હતું. કેટલાંક ભીલો જીવ બચાવવા ડુંગરો તરફ દોડ્યા હતા અને કેટલાક ઝાડીમાં છુપાઈ ગયા હતા, તો કેટલાંક આસપાસનાં ઘરોમાં જઈને ખાટલા નીચે અને અનાજ ભરવાની કોઠીઓમાં સંતાઈ ગયા હતા. આ વિસ્તારના જે સ્થાનિક ભીલો હતા તે ભૂગોળના જાણકાર હોવાથી પ્રમાણમાં બચી ગયા હતા, પરંતુ મોતીલાલ તેજાવતની સાથે દાંતા અને ખેડબ્રહ્મા બાજુથી આવેલા ભીલો વધારે પ્રમાણમાં મરાયા હતા.’
ઉદયપુરની રાજસ્થાન સાહિત્ય અકાદમી દ્વારા ૧૯૮૫માં પ્રકાશિત પ્રેમસિંહ કાંકરિયાના પુસ્તક ‘ભીલ ક્રાંતિ કે પ્રણેતા: મોતીલાલ તેજાવત’ મુજબ સરકારી પ્રતિનિધિઓ અને આદિવાસી પ્રજા વચ્ચે સાત માર્ચ, ૧૯૨૨ના રોજ કરવેરા અને બેગારી જેવા મુદ્દા પર મંત્રણા ચાલતી હતી. સભા એકદમ શાંત હતી. મેવાડની ભીલ કોર્પ્સ રેજિમેન્ટ ત્યાં ઉપસ્થિત હતી. અન્ય રજવાડાના પણ પોલીસના જવાનો ત્યાં હતા. એવી શક્યતા હતી કે સમાધાન મંત્રણા કોઈ નિર્ણય પર પહોંચી જશે, પરંતુ ભીલ કોર રેજિમેન્ટે કોઈ જાતની ઉશ્કેરણી વગર મશીનગનથી આક્રમણ શરૂ કરી દીધું અને શાંત-નિર્દોષ આદિવાસીઓને ગોળીઓથી વીંધી નાખ્યા. અમુક પ્રકાશિત અહેવાલો મુજબ એક સાથે એક જ સમયે ૧૨૦૦ નિ:શસ્ત્ર વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દેવાયા અને તેમની લાશો કૂવામાં ફેંકી દેવાઈ. તેજાવતજીના પગમાં ય ગોળી વાગવાથી ઘાયલ થઈ ગયા હતા. હકીકતમાં આ બીજો જલિયાંવાલા હત્યાકાંડ હતો પણ રજવાડાઓના દુર્ગમ પર્વતીય ક્ષેત્રોમાં થવાથી બહારની દુનિયાને એની પૂરી જાણકારી મળી ન શકી.’
પ્રફુલ્લાનંદ નવાકારના મહાશોધ નિબંધ મુજબ ‘ગોળીબાર ચાલુ હતો તે દરમિયાન મોતીલાલ તેજાવતને પણ પગ ઉપર, પીઠ ઉપર ગોળી વાગી હતી અને તરત જ કેટલાંક ભીલોએ સમયસૂચકતા વાપરીને તેમને ઘાયલ હાલતમાં જ ઊંટ પર બેસાડીને સલામત સ્થળે લઈ ગયા હતા…વર્ષો પછી મોતીલાલે બયાન આપ્યું હતું કે મને ઉપાડીને કેટલાક ભીલો ડુંગર પર ચઢી ગયા અને ત્યાર બાદ અમે પાડાપટામાં સોમજી ગમેતીને ઘરે ગયા અને ત્યાંથી ભામરી ગયા અને પછી પાનરવા થઈને કોદરભાઈ હમીરભાઈ સોલંકીને ત્યાં બુરવાડામાં દસ દિવસ રોકાયા હતા.’
અહેવાલો મુજબ આ હત્યાકાંડમાં ભીલ કોર્પ્સના સિપાહીઓએ લૂંટફાટ પણ મચાવી હતી. મૃતકો અને ખાસ ભીલ સ્ત્રીઓની લાશ પરથી આભૂષણો લઈ લેવાયા હતા. ઘાયલ ભીલોના ઘરેણાં આંચકીને તેમને જીવતા છોડી મુકાયા હતા.
બ્રિટિશરોએ દાવો કર્યો કે દૃઢવાવ હત્યાકાંડમાં માત્ર ૨૨ આદિવાસી માર્યા ગયા હતા, પરંતુ વણનોંધાયેલા છૂટક નિવેદન, અહેવાલ અને દાવા મુજબ ૧૨૦૦થી વધુ નિર્દોષોની કત્લેઆમ કરાઈ હતી.
આ હત્યાકાંડને છુપાવવા અને મોતીલાલ તેજાવતને પકડવા માટે બ્રિટિશરો હજી ઘણું બધું કરવાના હતા. (ક્રમશ:)