શિવસેનાના નેતાનો ગંભીર આરોપ: ભાજપ જ શિંદેને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક દિવસ શિવસેનાના શિંદે જૂથના ૪૦ વિધાનસભ્યોમાંથી ૨૦ વિધાનસભ્યને તોડીને ફડણવીસ ટૂંક સમયમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની જશે એવું થાય તો કોઈને નવાઈ લાગવી જોઈએ નહીં, એવો દાવો શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાએ સોલાપુરમાં કરીને રાજ્યના રાજકારણમાં સનસનાટી ફેલાવી દીધી છે.
રાજ્યમાં સત્તાંતર થયા બાદ એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા અને ત્યારથી ભાજપના અનેક નેતાઓએ વારંવાર એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને પ્રધાન ચંદ્રકાંત પાટીલ દ્વારા પણ આવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ બધાનો સંકેત આપતાં શિવસેનાના પ્રવક્તા સુષમા અંધારેએ સોલાપુરમાં ઉપરોક્ત દાવો કરવામાં આવ્યો હતો.
નાગપુરમાં રૂ. ૮૩ કરોડના ભૂખંડના પ્રકરણમાં ભાજપ દ્વારા જ મુખ્ય પ્રધાન શિંદેને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલે જો એકનાથ શિંદેના જૂથના ૪૦ વિધાનસભ્યમાંથી ૨૦ વિધાનસભ્યને તોડીને ફડણવીસ પોતાની ટીમમાં સામેલ કરી નાખે અને રાજ્યના મુખ્ય પ્રધાન બની જાય તો નવાઈ લાગવી જોઈએ નહીં, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ‘દેવેન્દ્રજી ઉસ બલા કા નામ હૈ જે આગામી દિવસોમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ પર પણ દાવો કરીને તેમને પડકાર ફેંકી શકે છે.’
નાગપુરમાં ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો માટે આવાસ યોજના ઘડવામાં આવી હતી અને તેના ભાગરૂપે પાંચ એકર જમીન એકનાથ શિંદેએ નગરવિકાસ ખાતાના પ્રધાન તરીકે ફાળવી હતી. આ જમીન બિલ્ડરોને આપવામાં આવી હતી અને તેના પર ઝૂંપડાવાસીઓને વસાવવાના હતા, પરંતુ આ જમીન ખાનગી પાર્ટીઓને વેચી મારવાનો તેમના પર આરોપ છે.