Homeઆમચી મુંબઈ'ઉદ્ધવ સરકારને પછાડવી એ વિશ્વાસઘાતનો બદલો હતો', શિંદેના નેતૃત્વમાં 2024ની ચૂંટણી પણ...

‘ઉદ્ધવ સરકારને પછાડવી એ વિશ્વાસઘાતનો બદલો હતો’, શિંદેના નેતૃત્વમાં 2024ની ચૂંટણી પણ લડીશું: ફડણવીસ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે 2024ની વિધાનસભા ચૂંટણી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં લડવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારનું પતન એ “વિશ્વાસઘાત” નો “બદલો” હતો.
આ વર્ષે જૂનમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ હતી. શિવસેનામાં બળવા પછી ઉદ્ધવ ઠાકરેનું મુખ્યમંત્રી પદ જતું રહ્યું હતું, અને એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ બન્યા હતા. જોકે, તે સમયે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદ મળશે. પરંતુ, ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ પર નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જ્યારે એકનાથ શિંદેના નામની મુખ્ય પ્રધાન તરીકે જાહેરાત કરવામાં આવી ત્યારે તે તેમના માટે આઘાતજનક સમાચાર નહોતા, કારણ કે આ તેમનો પ્રસ્તાવ હતો.
ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં 2024ની ચૂંટણી પણ એકનાથ શિંદેના નેતૃત્વમાં જ લડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે મહા વિકાસ આઘાડી સરકારને પછાડવી એ વિશ્વાસઘાત નહીં, પરંતુ વિશ્વાસઘાતનો બદલો છે. વર્ષ 2024માં પણ તેઓ જંગી બહુમતીથી ચૂંટણી જીતશે. ફડણવીસે કહ્યું કે ભાજપ આગામી નગરપાલિકાની ચૂંટણીઓ તેમજ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ શિંદેની આગેવાની હેઠળની બાલાસાહેબચી શિવસેના સાથે મળીને લડશે.
એકનાથ શિંદેએ જૂનમાં ઉદ્ધવ સરકાર સામે બળવો કર્યો હતો. શિંદે 40થી વધુ ધારાસભ્યો સાથે ગુવાહાટી પહોંચ્યા હતા. આ દરમિયાન શિંદેએ માંગ કરી હતી કે શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથેના સંબંધો ખતમ કરવા જોઈએ. શિંદેએ કહ્યું હતું કે ગઠબંધનના શાસનમાં શિવસેનાના નેતાઓએ ઘણું સહન કર્યું છે. જોકે, ઉદ્ધવ ઠાકરે જૂથે શિંદે જૂથના ધારાસભ્યોને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ રાજી નહોતા થયા, પરિણામે મહા વિકાસ આઘાડી સરકાર પડી ગઇ હતી.
ઉદ્ધવ સરકારના પતન બાદ ભાજપ અને ઉદ્ધવ સમર્થકો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. ઉદ્ધવ જૂથના સમર્થકો ભાજપ પર ઉદ્ધવ સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવી રહ્યા છે, જ્યારે બીજેપી તેનો ઇનકાર કરી રહી છે.
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું હતું કે, મહા વિકાસ આઘાડીના ઘટક દળો ખોટા સંદેશાઓ પ્રસારિત કરીને એકનાથ શિંદે- દેવેન્દ્ર ફડણવીસ સરકારની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે બંધ થવું જોઇએ. જો તેઓ અમને બદનામ કરવાનું અભિયાન ચાલુ રાખશે તો ભાજપ સડક પર ઉતરી તેમને જડબાતોડ જવાબ આપશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -