ફેસબુકના માર્ક ઝુકરબર્ગ પણ એલોન મસ્કના માર્ગ પર ચાલતા જોવા મળી રહ્યા છે. એલોન મસ્કે તાજેતરમાં જ ટ્વવીટરને હસ્તગત કર્યા બાદ મોટી સંખ્યામાં કર્મચારીઓની છંટણી કરવાની જાહેરાત કરી હતી. હવે Facebookના માર્ક ઝુકરબર્ગ પણ ટૂંક સમયમાં વિશ્વભરમાં તેના કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી શકે છે. હાલમાં, કંપનીમાં આશરે 87,000 કર્મચારીઓ છે.
આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે Facebookની પેરેન્ટ કંપની Meta Platform Inc. આ અઠવાડિયે મોટાપાયે કર્મચારીઓની છટણી કરી શકે છે.
ફેસબુક મેટા પ્લેટફોર્મના શેરમાં આ વર્ષે આશરે 73 ટકાનો તોતિંગ ઘટાડો થયો છે, કારણ કે યુઝર્સ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શિફ્ટ થઇ રહ્યા છે, જેને કારણે કંપનીની આવક ઘટી ગઇ છે. મેટાને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરફથી પણ સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત કંપનીને એપલ કંપની દ્વારા ગોપનીયતામાં કરવામાં આવેલા ફેરફારોને કારણે અને મેટાવર્સ પર જંગી ખર્ચ તથા રશિયા-યુક્રેન યુદ્ધના વર્તમાન જોખમોને કારણે પણ આર્થિક નુક્સાન ઉઠાવવું પડ્યું છે, જેને કારણે સતત બે નાણાકીય ત્રિમાસિક ગાળામાં કંપનીની આવકમાં ઘટાડો નોંધાયો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા ફેસબુક વિશ્વભરમાં કામ કરતા તેના કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લઇ શકે છે.
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં, ફેસબુકની પેરેન્ટ કંપનીએ નબળું ક્વાર્ટર હોવાનો અહેવાલ આપ્યો હતો, ત્યારે જ ઝુકરબર્ગે છંટણીના સંકેતો આપવાનું શરૂ કરી દીધું હતું. તેમની જાહેરાત પછી શેરબજારમાં હલચલ મચી ગઈ હતી અને મેટાના શેરનો ભાવ ગગડી ગયો હતો. આ વર્ષે જ મેટાના શેર મૂલ્યમાં અડધા ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે.