ભારતમાં 2022 માં ગ્લોબલ વોર્મિંગ અને વિષમ હવામાનની ઘટનાઓની અસરને કારણે 2,227 મૃત્યુ નોંધાયા હતા. 2022નું વર્ષ 1901 પછી દેશમાં રેકોર્ડ પર પાંચમું સૌથી ગરમ વર્ષ હતું, એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું.
‘ભારતીય હવામાન વિભાગ(IMD) દ્વારા શુક્રવારે 2022ના વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી સિવાય વર્ષના 10 મહિનામાં, દેશના “સામાન્યથી ઉપર” માસિક સરેરાશ તાપમાનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે મુજબ 2022નું વર્ષ દેશ માટે રેકોર્ડ પાંચમું સૌથી ગરમ વર્ષ બન્યું હતું. વૈશ્વિક સ્તરે પણ 2022નું વર્ષ એ 1901 બાદ સંભવતઃ પાંચમું કે છઠ્ઠું સૌથી ગરમ વર્ષ હતું. વિશ્વ હવામાન વિભાગ (WMO) એપ્રિલમાં તેના અંતિમ ‘સ્ટેટ ઑફ ધ ગ્લોબલ ક્લાયમેટ’ રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કરશે.
ગયા વર્ષે ભારતમાં વિવિધ વિષમ હવામાન ઘટનાઓમાં, વાવાઝોડા અને વીજળીને કારણે સૌથી વધુ 1,285 લોકોએ જીવ ગુમાવ્યો હતો. (કુલ આવા મૃત્યુના 58%), ત્યારબાદ પૂર અને ભારે વરસાદને કારણે (835), હિમવર્ષાને કારણે (37), ગરમીના મોજાને કારણે (30) અને ધૂળના તોફાનોને કારણે (22) લોકોના મૃત્યુ થયા હતા. આ સમયગાળામાં એકલા બિહારમાં વાવાઝોડા અને વીજળીના કારણે 415, ઓડિશામાં 168, ઝારખંડમાં 122 અને મધ્ય પ્રદેશમાં116, યુપીમાં 81, રાજસ્થાનમાં 78, છત્તીસગઢમાં 71, મહારાષ્ટ્રમાં 64, આસામમાં 58 લોકોના મોત થયા હતા. એકંદરે, બિહાર, આસામ, યુપી અને મહારાષ્ટ્ર અનુક્રમે 418, 257, 201 અને 194 મૃત્યુ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો હતા.
ગયા વર્ષે દેશમાં ચોમાસા પહેલાનો સમયગાળો ઘણો જ ગરમ હતો તેની નોંધ લેતા, IMDએ જણાવ્યું હતું કે, “માર્ચ અને એપ્રિલ, 2022 દરમિયાન 6 દિવસથી વધુ સમય માટે તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસથી – 8 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું, જેના કારણે દેશના કેટલાક ભાગોમાં દશકના અને કેટલાક ભાગોમાં સર્વકાલીન રેકોર્ડ તૂટી ગયા હતા. IMDએ જણાવ્યું હતું કે 29 એપ્રિલ, 2022 સુધીમાં ભારતમાં લગભગ 70% લોકો હિટવેવથી પ્રભાવિત થયા હતા. એપ્રિલના અંતમાં અને મે મહિનામાં, હીટવેવ દરિયાકાંઠાના વિસ્તારો અને ભારતના પૂર્વીય ભાગો પણ પ્રભાવિત થયા હતા.