એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ભારતીય કુસ્તી ફેડરેશનના (ઠઋઈં) ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ તથા બીજા કોચ સામે કુસ્તીબાજ છોકરીઓએ ફરી મોરચો માંડ્યો છે. ઓલિમ્પિક્સમાં કુસ્તીમાં મેડલ જીતનારી સાક્ષી મલિક અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી વિનેશ ફોગાટ સહિતની છોકરીઓએ આ વરસના જાન્યુઆરીમાં સિંહ સામે જાતિય શોષણ કરવાના આક્ષેપ કરીને ધરણાં શરૂ કરેલાં. એ વખતે નરેન્દ્ર મોદી સરકારે આપણી કુસ્તીબાજ દીકરીઓને ન્યાય અપાવવાની ખાતરી આપીને શાંત પાડી હતી. મોદી સરકારે તપાસ સમિતિ પણ રચેલી ને એ બધું કરીને મામલો શાંત પાડી દીધેલો.
જો કે સમિતિએ કુલડીમાં ગોળ ભાંગીને સિંહ સામેના આક્ષેપોમાં અષ્ટમપષ્ટમ કરી દીધું ને કોઈ પગલાં ના લેતાં સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિતની છોકરીઓ ફરી મેદાનમાં આવી છે. બજરંગ પુનિયા સહિતના ઘણા બધા કુસ્તીબાજો તેમના સમર્થનમાં મેદાનમાં આવ્યા છે અને દિલ્હીના જંતર-મંતર પર ફરી ધરણાં શરૂ કરી દીધાં છે. કુસ્તીબાજોએ પત્રકાર પરિષદ કરીને લડતનું એલાન કર્યું.
ઓલિમ્પિકમાં મેડલ જીતનારી સાક્ષી મલિકે કહ્યું કે, બ્રિજભૂષણ સામે બે દિવસ પહેલાં સાત મહિલા કુસ્તીબાજોએ જાતિય શોષણની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. પોલીસ સ્ટેશનમાં જે સાત યુવતીઓએ ફરિયાદ નોંધાવી તેમાંથી એક તો સગીર છોકરી છે, તેની જાતિય સતામણી માટે પોક્સો જેવો ગંભીર ગુનો લાગુ પડે છતાં કશું થયું નથી. સરકારે અમે પહેલા ધરણા કર્યાં ત્યારે ન્યાયની ખાતરી આપેલી પણ અઢી મહિના વીતી ગયા છતાં સરકારે બનાવેલી કમિટી તરફથી કોઈ નિર્ણય લેવાયો નથી તેથી અમારી પાસે ફરી લડવા સિવાય વિકલ્પ નથી.
સાક્ષીએ તો ત્યાં સુધી કહ્યું કે, બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતિય સતામણીનો કેસ હોવા છતાં આ કેસમાં કાર્યવાહી થઈ નથી તેથી લોકો અમને જુઠ્ઠા સમજવા માંડ્યા છે. લોકો માને છે કે, અમે ખોટું બોલી રહ્યાં હતાં અને ખોટા આક્ષેપો કર્યા હતા. અમે અમારી કારકિર્દી, ભવિષ્ય અને પરિવાર દાવ પર લગાવી દીધો છે, અમે જે લોકો સામે લડી રહ્યા છીએ તે ખૂબ જ તાકાતવર છે તેથી કોઈ કશું કરતું નથી. અમે રજૂઆત માટે ત્રણ મહિનાથી દરેક સત્તાધીશ પાસે સમય માગી રહ્યા છીએ પણ કોઈ મળતું જ નથી. ખેલ મંત્રાલય તરફથી કોઈ કાર્યવાહી પણ થઈ રહી નથી તેથી અમારી પાસે ફરી લડત શરૂ કરવા સિવાય વિકલ્પ નથી. આ પત્રકાર પરિષદમાં કોમનવેલ્થ ગોલ્ડ મેડાલિસ્ટ વિનેશ ફોગાટ પણ હાજર હતી ને વિનેશ તો પોતાની વાત કહેતાં કહેતાં જાહેરમાં રડી પડી.
બ્રિજભૂષણ શરણ સિંહ સામેના આક્ષેપો ગંભીર અને અત્યંત આઘાતજનક છે પણ તેના કરતાં વધારે આઘાતજનક આ મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ચૂપકીદી છે. બ્રિજભૂષણ શરણ સામે રસ્તે ચાલતી છોકરીઓએ આક્ષેપ નથી કર્યો પણ પોતાનું બધું દાવ પર લગાવીને આ દેશને ગૌરવ અપાવનારી દીકરીઓએ આવા આક્ષેપો કર્યા છે. ઓલિમ્પિક્સમાં કુસ્તીમાં મેડલ જીતનારી સાક્ષી મલિક કે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી વિનેશ ફોગાટ સહિતની યુવતીઓ આ દેશનું ગૌરવ છે. આ દેશના ગૌરવ સમાન સાત-સાત દીકરીઓ ફરિયાદ કરે ને છતાં મોદી સરકાર કશું ના કરે તેનાથી શરમજનક બીજું કંઈ ના કહેવાય. આ મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં ભારતને ગૌરવ અપાવનારા અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતનારા તમામ કુસ્તીબાજો ધરણાં પર બેઠા છે.
આ સાત દીકરીઓ અને દેશના ગૌરવરૂપ કુસ્તીબાજો સામે સામે બ્રિજભૂષણ શરણ શું છે એ પણ વિચારવાની જરૂર છે. બ્રિજભૂષણ ગુંડાગીરી કરતા કરતા નેતા બની ગયેલો માણસ છે. ઉત્તર પ્રદેશની કેસરગંજ લોકસભા બેઠકના સાંસદ બ્રિજભૂષણ સામે દાઉદ ઈબ્રાહિમ ગેંગના શાર્પ શૂટર્સને આશ્રય આપવા બદલ કેસ થયો હતો. આ કેસમાં સીબીઆઈએ તેમની ધરપકડ પણ કરી હતી. આ દેશમાં ન્યાયના નામે તમાશો થાય છે તેથી બ્રિજભૂષણ છૂટી ગયો પણ જે માણસ સામે દાઉદ ઈબ્રાહિમ જેવા દેશદ્રોહી સાથે સાઠગાંઠનો આરોપ મુકાયો હોય તેની પ્રતિષ્ઠા શું હોય એ કહેવાની જરૂર નથી. મોદી સરકાર આવા છાપેલા કાટલાને બચાવવા માટે દેશની મહાન દીકરીઓની વાત સાંભળવા પણ તૈયાર નથી. એક ગુંડાગીરી કરી કરીને નેતા બનેલો માણસ આ દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનારી દીકરીઓ કરતાં ભાજપ માટે વધારે મહત્ત્વનો છે એ જોઈને માથું શરમથી ઝૂકી જાય છે. બેટી બચાવોની વાતો કરનારાઓ બેટીઓ સામેથી રક્ષણ માગે છે ત્યારે તેમને બચાવવા તૈયાર નથી એ જોઈને આઘાત લાગે છે.
કમનસીબી એ છે કે, સાવ સામાન્ય વાતમાં કૂદાકૂદ કરી મૂકતી ભાજપની મહિલા નેતાઓ પણ ચૂપ છે. એકાદ છોકરીએ જાતિ સતામણીનો આક્ષેપ મૂક્યો હોય તો બ્રિજભૂષણને શંકાન લાભ આપી શકાય પણ સાત-સાત છોકરીઓએ આક્ષેપ કર્યો છે ને પોલીસને ફરિયાદ કરી છે છતાં કશું થતું નથી. તેની સામે ભાજપની મહિલા નેતાઓ હરફ પણ ઉચ્ચારતી નથી. મહિલાઓના સ્વમાન અને ગૌરવને પણ સતામણી કરનારો કયા પક્ષનો છે તેની સાથે લેવાદેવા છે તેની ખબર ભાજપના શાસનમાં જ પડી. સ્મૃતિ ઈરાની ને નિર્મલા સીતારામન જેવી ભાજપની કેન્દ્ર સરકારમાં મંત્રી એવી મહિલાઓનું વર્તન જોયા પછી અહેસાસ થાય કે, આ સ્ત્રીઓને પોતાના ફાયદા સિવાય કશામાં રસ નથી. કુસ્તીબાજ છોકરીઓના સમર્થનમાં બે શબ્દો ઉચ્ચારવાની પણ તેમની તૈયારી નથી. આ દેશના સામાન્ય લોકો પણ ચૂપ છે. ગૌમાંસની વાત આવે કે ધર્મસ્થાનની વાત આવે ત્યારે જેમનું હિંદુત્વ ઉછાળા મારવા માંડે છે એવા લોકો આ મુદ્દે ચૂપ છે. ભગવાન કૃષ્ણ ને રામન વાત કરનારા અત્યાચારનો ભોગ બવેલી કુસ્તીબાજ છોકરીઓના સમર્થનમાં બોલવા પણ તૈયાર નથી. આ કયા પ્રકારનો ધર્મ છે, કયા પ્રકારનું હિંદુત્વ છે તેની તેમને જ ખબર પણ ભગવાન રામ કે કૃષ્ણવાળું હિંદુત્વ નથી જ. આ બાયલાગીરી છે ને તેના કારણે એક વાત સાબિત થાય જ છે કે, નબળાને મારવો ને સબળા સામે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી જવું એવી આ દેશનાં લોકોની માનસિકતા બદલાવાની નથી.