એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે પણ ચૂંટણીનો માહોલ જોઈએ એવો જામતો નથી. કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ગુજરાતમાં ૧ અને ૫ ડિસેમ્બરે મતદાન છે એ જોતાં પહેલા તબક્કાના મતદાન આડે તો ૧૦ દિવસ પણ રહ્યા નથી છતાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળે એવી કોઈ ધમાધમી દેખાતી નથી. સામાન્ય લોકોમાં ચૂંટણીની ચર્ચા છે ખરી પણ સામાન્ય લોકોમાં ચૂંટણીમાં સક્રિય થવાનો ઉત્સાહ દેખાતો નથી.
ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના ભાજપના દિગ્ગજ નેતા તો ઉતરી જ પડ્યા છે પણ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કૉંગ્રેસના રાહુલ ગાંધી સહિતના નેતા પણ મેદાનમાં છે. બલ્કે કેજરીવાલ તો છેલ્લા ત્રણ મહિનાથી ગુજરાતમાં જ ધામા નાંખીને પડ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ લાંબા સમયથી ગુજરાતમાં ધામા નાંખીને પડ્યા છે. અસદુદ્દીન ઓવૈસી સહિતના બીજા નેતા પણ ગુજરાતમાં અત્યંત સક્રિય હોવા છતાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હોય એવું લાગતું જ નથી.
બીજી એક આશ્ર્ચર્યજનક વાત એ છે કે, વિધાનસભાની ચૂંટણી ગુજરાતની છે પણ ગુજરાતને લગતા મુદ્દા ક્યાંય દેખાતા જ નથી. ભાજપ ગુજરાતમાં છેલ્લાં ૨૭ વર્ષથી સત્તામાં છે એ જોતાં ભાજપનો મુખ્ય ચૂંટણી મુદ્દો જ ગુજરાતમાં કરેલાં વિકાસના કામોનો હોવો જોઈએ પણ તેના બદલે ભાજપના નેતા બીજી બધી વાતો જ કરે છે. નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે આતંકવાદનો કઈ રીતે સફાયો કર્યો ત્યાંથી માંડીને મોદીના શાસનમાં વિશ્ર્વમાં ભારતનો કેવો ડંકો વાગી રહ્યો છે ત્યાં સુધીની વાતો ચાલી
રહી છે.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ સરમાએ તો દિલ્હીમાં થયેલી શ્રદ્ધાની હત્યાનો મુદ્દો પણ ઉઠાવી દીધો પણ ગુજરાતના સ્થાનિક મુદ્દા હાવી નથી. રાહુલ ગાંધી મેધા પાટકર સાથે ભારત જોડો યાત્રામાં ચાલ્યા તેનો મુદ્દો ગાજી રહ્યો છે પણ સૌરાષ્ટ્રમાં બહેન-દીકરીઓએ બેડાં લઈને હજુય પાણી ભરવા જવું પડે છે કે શહેરોમાં આખા શરીરના સાંધા ઢીલા થઈ જાય એવા ખરાબ રોડ છે તેના મુદ્દાની વાત નથી.
ભાજપ તો અંદરખાને એ જ તેના જૂના હિંદુત્વના મુદ્દાને જ ચગાવી રહ્યો છે. કેજરીવાલ હિંદુ વિરોધી છે ને ભાજપ શાસનમાં નહીં હોય તો મુસ્લિમો ગુજરાત પર હાવી થઈ જશે એવા મુદ્દાઓનો સોશિયલ મીડિયા પર મારો ચાલી રહ્યો છે. કેજરીવાલને મુસ્લિમ ટોપી પહેરાવીને કેજરુદ્દીન ગણાવીને હિદું વિરોધી ચિતરવાનો ખેલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આમ તો ભાજપ માટે ગુજરાતમાં વરસોથી ચૂંટણીમાં કોઈ મુદ્દો જ નથી હોતો અને આ વખતે પણ કોઈ મુદ્દો નથી. મોદી ગુજરાતના રાજકારણ પર બે દાયકાથી છવાયેલા છે ને ભાજપ તેમના નામે જ લડે છે ને અત્યારે પણ એ જ કરી રહ્યો છે.
ભાજપ ૨૭ વર્ષથી સત્તામાં હોવા છતાં ગુજરાતમાં પોતે શું કર્યું તેની વાત પર વધારે ભાર મૂકવો પડે એ શરમજનક કહેવાય પણ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વિરોધપક્ષ તરીકે ભાજપની નિષ્ફળતા પર જોર આપવાના બદલે જુદાં જ વાજાં વગાડી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં અપનાવેલા શિક્ષણ અને આરોગ્યના મોડલનો ગુજરાતમાં અમલ કરવાનો નિર્ણય લીધો છે. બલ્કે આખા દેશમાં અરવિંદ કેજરીવાલ તેની જ વાત કરે છે.
ગુજરાતમાં પણ કેજરીવાલ શિક્ષણ અને આરોગ્યની સેવા લોકોને મફતમાં મળશે એવી ગેરંટી આપી રહ્યા છે. બેરોજગારો યુવાનોને ૩૦૦૦ રૂપિયાનું દર મહિને ભથ્થું, દરેક મહિલાને મહિને ૧૦૦૦ રૂપિયા, દર મહિને ૩૦૦ યુનિટ વીજળી ફ્રી વગેરે વચનોની ખેરાત કેજરીવાલે કરી છે. કેજરીવાલે મહિલાઓને દર મહિને ચોક્કસ રકમ અને બેરોજગારી ભથ્થા સહિતની બીજી સંખ્યાબંધ ગેરંટીના કાર્ડ જ લોકોને વહેંચવા માંડ્યાં છે. પંજાબમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો અમલ કરીને કેજરીવાલે ગુજરાતમાં પણ તેનો અમલ કરવાનું એલાન કરી દીધું છે.
રસપ્રદ વાત એ છે કે, કેજરીવાલનાં વચનોની ભાજપ વાત કરે છે પણ તેમને ગજવતો નથી. કેજરીવાલના વચનો વાસ્તવિક રીતે અમલમાં મૂકી શકાય એ શક્ય છે કે નહીં તેની ચર્ચા કરવાના બદલે ભાજપની આઈટી સેલ કેજરીવાલ હિંદુ વિરોધી છે એ સાબિત કરવાની મથામણ કર્યા કરે છે.
કૉંગ્રેસ પણ એ જ રસ્તે છે ને કૉંગ્રેસે પણ મફતમાં શું શું આપવામાં આવશે તેનાં વચનોનો મારો ચલાવ્યો છે. ગુજરાતમાં ૫૦૦ રૂપિયામાં ગૅસનું સિલિન્ડર, ૩૦૦ યુનિટ વીજળી ફ્રી, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો અમલ કૉંગ્રેસનાં મુખ્ય વચનો છે. ભાજપે પણ લોકોને રાહતોના વચનોની લહાણી કરવા માંડી છે. આ વચનો અને ગેરંટીઓના કારણે ગુજરાતમાં મીડિયામાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે પણ હજુ સુધી સામાન્ય લોકોમાં ચૂંટણીનો ઉત્સાહ દેખાતો નથી. રાષ્ટ્રીય નેતાઓના રોડ શો, જાહેરસભાઓ વગેરે થાય છે પણ તેમાં જંગી પ્રમાણમાં લોકોની ભીડ ઉમટતી નથી.
આ ચૂંટણીનાં પરિણામો શું આવશે એ ખબર નથી પણ આ માહોલ નિરાશાજનક કહેવાય. ચૂંટણી એવો પ્રસંગ છે કે જે વખતે લોકો પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સવાલ કરી શકે છે. ક્યાંક ક્યાંક લોકો સવાલ કરે છે પણ એકંદરે લોકો ખામોશ છે. તેના કારણ એવી છાપ પણ પડી રહી છે કે, ગુજરાતમાં ભાજપતરફી માહોલ છે અને લોકોને ભાજપ સરકાર સામે કોઈ તકલીફ કે ફરિયાદ જ નથી.
ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોના પગલે નરેન્દ્ર મોદી હિંદુઓમાં હીરો તરીકે ઉભર્યા પછી ગુજરાતનું રાજકારણ હિંદુત્વલક્ષી અને મોદીલક્ષી થઈ ગયું છે. એ પછીની દરેક ચૂંટણીમાં મોદીના નામે લોકો ભાજપ તરફી મતદાન કરતા રહ્યા છે. મોદી દેશના વડા પ્રધાન બન્યા એ પછી પણ આ જ ક્રમ ચાલુ રહ્યો છે. અત્યારે જે માહોલ છે તેના કારણે ગુજરાતીઓ એ જ રસ્તે જઈ રહ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
આ અનુમાન સાચું પડશે કે નહીં તેની ખબર પડવા આડે બહુ દિવસો રહ્યા નથી. ૮ ડિસેમ્બરે મતગણતરી થવાની છે એ જોતાં ૧૮ દિવસમાં તો શું થશે એ ખબર પડી જ જશે. ઉ