Homeએકસ્ટ્રા અફેરભાજપને મહેબૂબા સાથે સરકાર વખતે અમરનાથ યાદ નહોતા?

ભાજપને મહેબૂબા સાથે સરકાર વખતે અમરનાથ યાદ નહોતા?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણીઓની માનસિકતા કૂવામાંના દેડકા જેવી છે. એ લોકોને પ્રજાનું ભલું કરવા વેશ કે દેશની સાચી સમસ્યાઓ વિશે વિચારવાના બદલે સાવ નાના કહેવાય એવા મુદ્દાને ચગાવીને પોતાની દુકાન ચલાવવા સિવાય કશામાં રસ હોતો નથી. સાવ ફાલતુ કહેવાય એવા મુદ્દે પણ હોહા કરવા સિવાય તેમને બીજા કશામાં રસ નથી હોતો. જમ્મુ અને કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નાં પ્રમુખ મહેબૂબા મુફ્તીએ શિવલિંગ પર જળાભિષેક કર્યો એ મુદ્દે એવું જ થયું છે.
મહેબૂબા મુફ્તી મંગળવારે એટલે કે ૧૪ માર્ચે જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારમાં આવેલા પૂંછ જિલ્લાના નવગ્રહ મંદિરે ગયાં હતા. મહેબૂબાએ મંદિરની પરિક્રમા કરી અને પછી શિવલિંગ પર પાણી પણ ચઢાવ્યું હતું. આ મંદિર પીડીપીના મોટા નેતા મનાતા યશપાલ શર્માએ બનાવ્યું હતું. આ મંદિરમાં યશપાલ શર્માની પ્રતિમા પણ છે. મહેબૂબા મુફ્તીએ યશપાલ શર્માની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
મહેબૂબા મુફ્તીએ શિવલિંગમાં પૂજા કરી એ બહુ મોટી ઘટના નથી. આ પહેલાં પણ મહેબૂબા ગાંદરબલના ખીર ભવાની મંદિરમાં ગયાં હતાં ને પૂજા કરી હતી. એ વખતે મહેબૂબા જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી હતાં. એ વખતે ભાજપ સાથે સરકારમાં ભાગીદાર હતાં તેથી ભાજપને વાંધો નહોતો પણ અત્યારે ભાજપની સામે છે તેથી ભાજપે દેકારો મચાવી દીધો.
એક તરફ દેવબંદે મહેબૂબા મુફ્તીના કૃત્યને ઈસ્લામ વિરોધી ગણાવી દીધું તો ભાજપે મહેબૂબા મુફ્તીએ મંદિરમા પૂજા કરી તેને ડ્રામા ગણાવી દીધો. દેવબંદના મૌલાના અસદ કાસમીએ મહેબૂબા મંદિરમા ગયાં અને ત્યાં શિવલિંગ પર પાણી ચડાવ્યું તેનો વિરોધ કરીને કહ્યું હતું કે, મહેબૂબાએ જે કર્યું એ ખોટું છે અને ઇસ્લામની વિરુદ્ધ છે.
દેવબંદવાળા આ મુદ્દાને કોમવાદનો રંગ આપી રહ્યા છે તો ભાજપે રાજકીય રંગ આપી દીધો. જમ્મુ-કાશ્મીરના ભાજપના પ્રવક્તા રનબીર સિંહ પઠાનિયાના કહેવા પ્રમાણે, મહેબૂબા મુફતી અમરનાથ ધામ માટે જમીન આપવા સામે આડાં ફાટ્યાં હતાં. ૨૦૦૮માં મહેબૂબા અને તેમની પાર્ટીએ અમરનાથ ધામ માટે જમીન આપવાનો વિરોધ કર્યો હતો. શ્રદ્ધાળુઓ માટે આ જમીન પર નિવાસ માટેના રૂમ બનવાનાં હતાં પણ મહેબૂબાના કારણે એ ના બન્યાં. હવે મહેબૂબા મંદિરમાં જાય છે એ રાજકીય ફાયદા માટેનો ડ્રામા છે પણ તેનાથી કંઈ ફાયદો નથી થવાનો. રાજકીય ડ્રામાઓથી કંઈ થઈ જતું હોત તો જમ્મુ-કાશ્મીર આજે એકદમ સમૃદ્ધ હોત. ભાજપના બીજા નેતાઓએ પણ આ કોરસમાં સૂર પુરાવ્યો છે ને મહેબૂબા કઈ હદે હિંદુ વિરોધી છે એ સાબિત કરવા મચી પડ્યા છે.
ભાજપની એ વાત સાચી છે કે, મહેબૂબા અમરનાથ યાત્રા જતા શ્રદ્ધાળુઓને રસ્તામાં રહેવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની યોજનામાં વિલન બન્યાં હતાં પણ મહત્ત્વનો સવાલ એ છે કે, ભાજપને એ વિશે બોલવાનો અધિકાર છે ખરો? બિલકુલ નથી પણ તેની વાત કરતાં પહેલાં મહેબૂબાએ ૨૦૦૮માં શું કરેલું તેની વાત કરી લઈએ.
એકદમ આક્રમક અને ઉગ્ર મિજાજ ધરાવતાં માટે મહેબૂબા મુફતીની પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નો કાશ્મીર ખીણમાં ભારે પ્રભાવ છે. કાશ્મીર ખીણમાં મુસ્લિમોની બહુમતી છે અને આ પૈકી મોટા ભાગના ભાજપના કટ્ટર વિરોધી છે. મહેબૂબા પોતાની આ મતબૅંક સાચવવા વિશે બહુ સતર્ક છે અને કોઈ પણ ભોગે આ મતબૅંકને સાચવવા મથે છે. આ મતબૅંકને સાચવવા એ કોઈ પણ હદે જઈ શકે છે ને ૨૦૦૮ની ઘટના તેની સાથે સંકળાયેલી છે.
કાશ્મીરમાં ૨૦૦૮માં પીડીપી અને કૉંગ્રેસની સરકાર હતી. કૉંગ્રેસના ગુલામ નબી આઝાદ જમ્મુ તથા કાશ્મીરના મુખ્યમંત્રી હતા અને પીડીપી તેમાં ભાગીદાર હતા. એ વખતે ગુલામ નબી આઝાદે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ રહી શકે એ માટે જમીન ફાળવવાનો નિર્ણય લીધો હતો પણ મહેબૂબા વંકાયાં હતાં.
મુસ્લિમ કટ્ટરવાદીઓએ કાશ્મીર ખીણમાં આ નિર્ણયને કાશ્મીરમાં હિન્દુઓને વસાવવાની હિલચાલમાં ખપાવીને જોરદાર વિરોધ પેદા કરાવ્યો હતો. તેના કારણે પીડીપી પણ ઉગ્ર વિરોધમાં જોડાઈ અને આ મુદ્દે કૉંગ્રેસ સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. કૉંગ્રેસના આઝાદની સરકાર પીડીપીના ટેકાથી ટકી હતી તેથી સરકાર ગબડી પડી. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને વાર હોવા છતાં પોતાની મતબૅંકને સાચવવા માટે મહેબૂબાએ કટ્ટરવાદીઓ જેવું વલણ અપનાવ્યું હતું.
હવે વાત ભાજપે શું કરેલું તેની પણ કરી લઈએ. ભાજપયા અત્યારે જેમને હિંદુવિરોધી ગણાવે છે એ જ મહેબૂબાના ખોળામાં ભાજપિયા બેશરમ થઈને બેસી ગયા હતા. સત્તા મળતી હતી એટલે ભાજપને મહેબૂબા વહાલાં લાગતાં હતાં. ભાજપે ૨૦૧૬માં બધી લાજશરમ નેવે મૂકીને મહેબૂબાની મુખ્યમંત્રી બનાવીને તેમની સાથે ભાગીદારીમાં સરકાર રચી ત્યારે તેમને યાદ નહોતું કે, ૨૦૦૮માં મહેબૂબા અને તેમની પાર્ટીએ અમરનાથ ધામ માટે જમીન આપવાનો વિરોધ કર્યો હતો ? ચાર વરસ સુધી ભાજપ અને મહેબૂબાએ સાથે મળીને જમ્મુ અને કાશ્મીરમાં સરકાર ચલાવી હતી. એ વખતે ભાજપના કોઈ નેતા મહેબૂબા અને તેમની પાર્ટીએ અમરનાથ ધામ માટે જમીન આપવાનો વિરોધ કર્યો હતો એ મુદ્દે હરફ પણ ઉચ્ચારવા તૈયાર નહોતા.
હવે અત્યારે તેમને બધું યાદ આવી ગયું છે એ જોઈને હસવું આવે છે. બેશરમીમાં ભાજપને કોઈ ના પહોંચી શકે તેનો આ પુરાવો છે. એ વખતે ભાજપિયા મહેબૂબાના દરબારમાં કુરનિશો બજાવતા હતા ને તેમની સામે મુજરા કરતા હતા. એ વખતે મહેબૂબા જાં મદિરોમાં ગયેલાં જ પણ ભાજપને ત્યારે પણ બાબા અમરનાથ યાદ નહોતા આવ્યા. હવે મહેબૂબા શિવલિંગ પર પાણી ચડાવે તેમાં તેમને અમરનાથ બાબા યાદ આવી ગયા. ને એ મુદ્દો એટલો જ મોટો હતો તો મહેબૂબા સાથે ચાર વર્ષ સરકાર ચલાવી ત્યારે અમરનાથ ધામ માટે જમીન આપવાનો નિર્ણય કેમ ના લેવડાવ્યો ?
વાસ્તવમાં આ મુદ્દો જ ફાલતું છે. મહેબૂબાએ કહ્યું જ છે કે, આ મંદિર પીડીપીના ટોચના નેતા યશપાલ શર્માએ આ મંદિર બનાવ્યું હતું. તેમનો પુત્ર ઇચ્છતો હતો કે, હું મંદિરમાં અંદર જાઉં. હું અંદર ગઈ તો કોઈએ મને પાણીનો કળશ આપી દીધો હતો. મેં પાણીનો કળશ પાછો આપ્યો હોત તો અપમાન થાત એટલે મેં પાણી ચઢાવ્યું હતું.
હવે હિંદુઓની આસ્થાનું સન્માન કરવું પણ ખોટું કહેવાય?ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -