એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
બિહારના મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવના ભ્રષ્ટાચારનો ચોપડો પાછો ખૂલ્યો છે ને સીબીઆઈએ રેલવે પ્રધાન તરીકે લાલુ પ્રસાદે કરેલાં કૌભાંડોની ફરી તપાસ કરવાનું એલાન કર્યું છે. લાલુપ્રસાદ યાદવ ડો. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારમાં ૨૦૦૪થી ૨૦૦૯ સુધી રેલવે પ્રધાન હતા. એ દરમિયાન લાલુપ્રસાદ યાદવે રેલ્વેના પ્રોજેક્ટ્સ આપવા માટે બેફામ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપોના પગલે સીબીઆઈએ ૨૦૧૮મા તપાસ શરૂ કરી હતી.
લાલુ પ્રસાદ યાદવ ઉપરાંત તેમનો દીકરો તેજસ્વી યાદવ અને બે દીકરીઓ ચંદા યાદવ તથા રાગિણી યાદવ પણ શંકાના દાયરામાં હતાં. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી લાલુપ્રસાદ અને તેમના પરિવારની બરાબરની બુંદ બેઠી છે. સીબીઆઈએ ૨૦૧૮માં તપાસ શરૂ કરી ત્યારે લાગતું હતું કે લાલુ અને તેમનો પરિવાર વધુ એક કેસમાં ફિટ થઈ જશે પણ આશ્ર્ચર્યજનક રીતે સીબીઆઈએ ત્રણ વર્ષ પછી કેસ બંધ કરી દીધેલો.
સીબીઆઈએ ૨૦૨૧ના મે મહિનામાં જાહેર કર્યું કે આ આક્ષેપો અંગે તપાસ કરતાં કોઈ કેસ બનતો નથી તેથી તપાસ બંધ કરી દેવામાં આવે છે. સીબીઆઈએ આડકતરી રીતે લાલુપ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, ચંદા યાદવ તથા રાગિણી યાદવને ક્લીન ચીટ આપી દીધેલી. ભાજપના રાજકીય વિરોધીઓને સીબીઆઈ આટલી સરળતાથી જવા દે એ ઘટના આશ્ર્ચર્યજનક હતી. સીબીઆઈના નિર્ણયને કારણે દાળમાં કંઈક કાળું હોવાનું ને મહાઘંટ લાલુ યાદવે ભાજપ સાથે અંદરખાને કોઈ સોદાબાજી કરી લીધી હોવાની વાતો પણ વહેતી થઈ હતી.
થોડા દિવસ આ વાતો ચાલી ને પછી બધાં તેને ભૂલી ગયેલાં. હવે દોઢ વર્ષ પછી સીબીઆઈ સફાળી જાગી છે. સીબીઆઈએ લાલુપ્રસાદ સામેના ભ્રષ્ટાચારનો કેસ ફરી ખોલવાનું એલાન કરીને નવું આશ્ર્ચર્ય સર્જ્યું છે. બિહારમાં નીતિશ કુમારે થોડા મહિના પહેલાં ભાજપથી ફારગતિ લઈને લાલુપ્રસાદની આરજેડી સાથે જોડાણ કરીને સરકાર બનાવી છે. તેના કારણે લાલુને ભીંસમાં લેવા મોદી સરકારના ઈશારે આ કેસ ફરી ખોલાયો છે એવી વાતો ફરી વહેતી થઈ છે.
લાલુ સામે જે કેસ ખૂલ્યો છે તેમાં ટોચની રિયલ એસ્ટેટ કંપની ડીએલએફ પણ સામેલ છે. લાલુ સામે આક્ષેપ થયેલો કે મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશનના પ્રોજેક્ટ તથા નવી દિલ્હી રેલવે સ્ટેશનના નવિનીકરણના પ્રોજેક્ટમાં ડીએલએફ ગ્રુપને રસ હતો તેથી સાઉથ દિલ્હીની સોનાની લગડી જેવી મોંઘીદાટ જમીન લાલુપ્રસાદ યાદવના પરિવારને સાવ પાણીને ભાવે આપી દેવાયેલી. લગભગ ૩૦ કરોડ રૂપિયાની કિંમતની ડીએલએફ ગ્રુપની આ જમીન ડીએલએફ ગ્રુપની જ શેલ કંપનીએ પાંચ કરોડ રૂપિયામાં ખરીદી હતી. એ પછી આ આખી કંપની તેજસ્વી યાદવ તથા લાલુના અન્ય સગાંને માત્ર ચાર લાખ રૂપિયામાં વેચી દેવાયેલી. કંપનીના શેર તેજસ્વી તથા લાલુની દીકરીઓનાં નામે થયાં તેમાં સાઉથ દિલ્હીનો કરોડોનો બંગલો પણ લાલુના પરિવારને નામે થઈ ગયેલો.
સીબીઆઈ અત્યારે માત્ર આ કેસની જ તપાસ કરવાની છે કે રેલવે પ્રધાન તરીકે લાલુનાં બીજાં કૌભાંડોની પણ તપાસ કરશે એ સ્પષ્ટ નથી પણ લાલુએ રેલવે પ્રધાન તરીકે બહુ લીલાઓ કરી હતી. લાલુએ કરેલા બીજાં કૌભાંડ ભૂતકાળમાં બહાર આવેલાં જ ને તેની તપાસ પણ ચાલુ જ છે. લાલુના સમયમાં રેલવે મંત્રાલયની જગન્નાથ પુરી અને રાંચીમાં આવેલી બે હોટેલો આઈઆરસીટીસીને સોંપાયેલી. તેના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પટણાની સુજાતા હોટેલ્સ નામની કંપનીને અપાયેલો. આ કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડરમાં ઘાલમેલ કરાયેલી.
લાલુએ કોન્ટ્રાક્ટ આપ્યો તેના બદલામાં કંપનીએ પટણામાં સોનાની લગડી જેવી ત્રણ એકર જમીન ડીલાઈટ માર્કેટિંગ નામની કંપનીને માત્ર રૂપિયા ૩૨ લાખમાં આપેલી. આ કંપનીના માલિક લાલુ યાદવના ખાસ ગણાતા પ્રેમચંદ ગુપ્તા હતા. પ્રેમચંદ ગુપ્તાનાં ધર્મપત્ની સરલા ગુપ્તા પણ કંપનીમાં ડિરેક્ટર હતાં. પ્રેમચંદ ગુપ્તા મનમોહન સિંહની સરકાર વખતે રાજ્ય કક્ષાના કંપની અફેર્સના પ્રધાન હતા તેથી તેમણે લાલુને બધો ખેલ ગોઠવી આપેલો.
ગુપ્તાની કંપનીએ સસ્તા ભાવે લીધેલી જમીન ૨૦૧૦થી ૨૦૧૪ની વચ્ચે લારા પ્રોજેક્ટ્સને આપી દીધી હતી. તેના બદલામાં લારા પ્રોજેક્ટ્સે ગુપ્તાની કંપનીને ૫૪ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. લારા પ્રોજેક્ટ્સ કંપની લાલુપ્રસાદ યાદવ ને તેમના ખાનદાનની માલિકીની છે. તેજસ્વી યાદવ તેમાં ડિરેક્ટર છે. તેજસ્વીની કંપનીને જમીન ટ્રાન્સફર કરાઈ ત્યારે આ જમીનની કિંમત ૩૨ કરોડ રૂપિયા મુકાયેલી. અત્યારે આ જમીનની કિંમત ૧૫૦ કરોડ રૂપિયાથી વધારે હશે. તેની સામે લાલુના પરિવારની કંપનીએ માત્ર ૫૪ લાખ રૂપિયાની રકમ ચૂકવેલી.
આ રકમ પણ કાગળ પર બતાવાયેલી, બાકી તો લાલુએ પાઈ પણ ચૂકવ્યા વિના કરોડોની જમીન પોતાના નામે કરી નાંખેલી. લાલુ પ્રસાદનાં પત્ની રાબડી દેવી, દીકરી મિસા, દીકરા તેજસ્વી, મિસાનો પતિદેવ શૈલેષ કુમાર એ બધાંને આ કૌભાડમાં ફાયદો થયેલો.
આ કૌભાંડ પછી આવકવેરા વિભાગે લાલુની દીકરી મિસા અને દીકરા તેજસ્વીની ૫૦ કરોડ રૂપિયાની સંપત્તિને ૧૨ પ્લોટ ટાંચમાં લીધા હતા. લાલુની દીકરી મિસા ને દીકરા તેજસ્વી સિવાય મિસાના પતિદેવ શૈલેષ કુમાર, લાલુનાં ધર્મપત્ની રાબડી દેવી, લાલુ પ્રસાદની બે સુપુત્રીઓ ચંદા અને રાગિણીના નામે આ પ્લોટ છે. આ બધા પ્લોટની કિંમત કાગળ પર પચાસેક કરોડ બતાવાયેલી. પણ તેની બજાર કિંમત એક હજાર કરોડ રૂપિયાથી વધારે છે.
લાલુપ્રસાદ યાદવ અને તેમનો પરિવાર મહાભ્રષ્ટાચારી છે તેથી તેમની સામે તપાસ થાય કે પગલાં લેવાય તેનો કોઈ અફસોસ કરવા જેવો નથી. પણ આ જાહેરાતે સીબીઆઈ રાજકીય હિસાબ સરભર કરવા માટેના હાથા તરીકે વર્તે છે એ ફરી સાબિત થયું છે. દોઢ વર્ષ પહેલાં જે કેસ બંધ કરાયેલો એ કેસ ફરી ખોલવા માટે શું કારણ છે એ સીબીઆઈએ સ્પષ્ટ કર્યું નથી.
દોઢ વર્ષ પહેલાં કેસ બંધ કર્યો ત્યારે સીબીઆઈ પાસે લાલુ કે તેમના પરિવાર સામે પુરાવા નહોતા. સીબીઆઈએ કહેલું કે કોઈ કેસ બનતો નથી તેથી તપાસ બંધ કરી દેવામાં આવે છે. આપણે ત્યાં મોટા ભાગના કેસો વરસોના વરસો સુધી તપાસના ચક્કરમાં અટવાયેલા હોય છે. આ કેસ પણ સીબીઆઈ તપાસના નામે લંબાવી શકી હોત પણ તેના બદલે કેસ બંધ કરી દેવાની ઉતાવળ તેને કેમ આવી ગયેલી એ સમજાયું નહોતું, પણ હવે કેસ ફરી ખોલવાની ચળ કેમ ઊપડી એ સમજાય છે. ઉ