Homeએકસ્ટ્રા અફેરગુજરાતમાં ભાજપ જીતે તો નવાઈ ના લાગે

ગુજરાતમાં ભાજપ જીતે તો નવાઈ ના લાગે

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પણ પતી ગયું અને આશ્ર્ચર્યજનક રીતે બીજા તબક્કામાં પણ ગુજરાતમાં મતદાનની ટકાવારી સાવ ઓછી રહી છે. ગુજરાતના પહેલા તબક્કામાં ગુજરાતની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો પર મતદાન હતું. આ ૮૯ બેઠકો માટે ૬૩.૧૬ ટકા મતદાન થતાં રાજકારણીઓને ધ્રાસકો પડ્યો હતો. એ વખતે એવું લાગતું હતું કે, રાજકારણીઓ બીજા તબક્કામાં પૂરી તાકાત લગાવીને વધારે મતદાન કરાવવા મચી પડશે પણ એ ધારણા ખોટી પડી છે.
ચૂંટણીપંચે જ આપેલા આંકડા પ્રમાણે સાંજે ૫ વાગ્યા સુધીમાં રાજ્યની ૯૩ બેઠકો પર સરેરાશ ૬૨ ટકા મતદાન નોંધાયું છે. સામાન્ય રીતે અંતિમ આંકડા આવે ત્યારે બે ટકા જેવું મતદાન વધતું હોય છે એ જોતાં વધુમાં વધુ ૬૫ ટકાની આસપાસ મતદાન થશે. છેલ્લી ચૂંટણીમાં બીજા તબક્કામાં ૭૧ ટકા મતદાન થયું હતું એ જોતાં આ વખતે પણ ૬ ટકા મતદાન ઓછું રહ્યું છે. પહેલા તબક્કામાં પણ છ ટકા જેટલું ઓછું મતદાન થયેલું એ જોતાં બંને તબક્કામાં મળીને સરેરાશ છ ટકા જેટલું મતદાન ઘટ્યું છે એમ કહી શકાય.
ગુજરાતમાં મતદાનનો ઈતિહાસ સાવ ખરાબ નથી અને સામાન્ય રીતે ૬૫ ટકાથી વધારે મતદાન થાય છે પણ આ વખતે મતદારોએ ઉત્સાહ બતાવ્યો નથી. તેનું કારણ મતદારોની નિરસતા છે કે નિરાશા છે એ સવાલ મોટો છે. જો કે નિરસતા અને નિરાશા બંને કારણમાં ફાયદો ભાજપને વધારે થવાની શક્યતા છે કેમ કે ગુજરાતમાં ભાજપ અત્યંત મજબૂત છે. મતદારોમાં નિરસતા એ કારણે હોઈ શકે કે, ભાજપ સરળતાથી ગુજરાતમાં જીતે જ છે તો પછી મતદાન કરવા જાઓ કે ના જાઓ કોઈ ફરક પડવાનો નથી. નિરાશા એ કારણે હોઈ શકે કે, ભાજપે બહુ વખાણવા જેવું કામ કર્યું નથી પણ ભાજપનો વિકલ્પ બને એવો કોઈ પક્ષ નથી તેથી મતદાન કરવાનો કોઈ અર્થ નથી.
બીજા તબક્કાનું મતદાન પત્યા પછી બહાર પડાયેલા એક્ઝિટ પોલમાં ભાજપનો જયજયકાર થશે એવી આગાહી થઈ છે. આ એક્ઝિટ પોલમાં ભાજપને ૧૪૦ જેટલી બેઠકો મળશે એવી આગાહી કરાઈ છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી વધુમાં વધુ ૧૦ બેઠકો મેળવશે જ્યારે કૉંગ્રેસ ત્રીસેક બેઠકો લઈ જશે એવી આગાહી કરવામાં આવી છે. આ એક્ઝિટ પોલ ગુજરાતની ચૂંટણી અંગે આ પહેલાં થયેલા ઓપિનિયન પોલની કાર્બન કોપી જેવા છે. ઓપિનિયન પોલમાં પણ ભાજપને ૧૩૫થી ૧૪૨ બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો તેથી એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં ઝાઝો ફરક નથી.
સ્વાભાવિક રીતે જ આ એક્ઝિટ પોલના કારણે ભાજપમાં ઉત્સાહનો માહોલ છે. ૨૦૧૭ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે ભાજપ વિરોધી વાતાવરણ હતું છતાં ભાજપને બહુમતી મળી હતી. ભાજપની બેઠકોમાં ૨૦૧૨ની સરખામણીમાં ઘટાડો થયો હતો. ૨૦૧૭માં ભાજપને માત્ર ૯૯ બેઠકો મળી હતી પણ સત્તા જાળવવામાં ભાજપ સફળ રહ્યો હતો. આ વખતે તો તેના કરતાં અનેક ગણી વધારે બેઠકો મળવાનો અંદાજ છે તેથી ભાજપમાં ઉત્સાહ જાગે જ.
એક્ઝિટ પોલનાં તારણો આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ માટે નિરાશાજનક છે તેમાં શંકા નથી. બંનેની હાલત બગડશે એવું એક્ઝિટ પોલનું સ્પષ્ટ તારણ છે પણ તેમના માટે એક આશા પણ છે કે, એક્ઝિટ પોલનાં તારણો અંતિમ પરિણામો નથી અને આ તારણો ધરાર ખોટાં પડી શકે છે. એક્ઝિટ પોલનાં તારણો વારંવાર ખોટાં પડ્યાં છે અને ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીમાં એક્ઝિટ પોલની આગાહી એકદમ સાચી સાબિત થઈ નહોતી.
ગુજરાત વિધાનસભાની ૨૦૧૭માં થયેલી ચૂંટણીમાં એક્ઝિટ પોલમાં ભાજપનો જયજયકાર થવાનો દાવો કરાયો હતો. આ પૈકી ટાઈમ્સ નાઉએ ભાજપને ૧૧૫ અને કૉંગ્રેસને ૬૪ બેઠકો મળવાની આગાહી કરાઈ હતી જ્યારે એપીબી ન્યૂઝે ભાજપને ૧૧૭ અને કૉંગ્રેસને ૬૪ બેઠકો મળશે તેવું તારણ કાઢ્યું હતું. ઈન્ડિયા ટુડેએ ભાજપને ૯૯થી ૧૧૩ અને કૉંગ્રેસને ૬૮થી ૮૨ બેઠકો મળશે એવો દાવો કર્યો હતો.
છેલ્લે મતગણતરી થઈ ત્યારે ભાજપ ૧૦૦ બેઠકોનો આંકડો પણ પાર નહોતો કરી શક્યો અને ૯૯ બેઠકો પર સમેટાઈ ગયો હતો. કૉંગ્રેસ ૭૭ બેઠકો લઈ ગયો હતો જ્યારે અન્ય પક્ષને ૬ બેઠકો પર જીત મળી હતી. ઈન્ડિયા ટુડેનો એક્ઝિટ પોલ લગભગ સાચો પડ્યો હતો પણ બાકીના પોલ સાચા નહોતા પડ્યા.
આ પહેલાં ૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ પણ ખોટા પડ્યા હતા. એ વખતે ન્યૂઝ ૨૪ના એક્ઝિટ પોલમાં ભાજપ તેના ઈતિહાસની સૌથી વધારે ૧૪૦ બેઠકો પર જીતી જશે અને કૉંગ્રેસને માત્ર ૪૦ બેઠકો મળશે એવી આગાહી થઈ હતી. એબીપી ન્યૂઝે ભાજપને ૧૨૬ અને કૉંગ્રેસને ૫૦ બેઠકો મળશે એવો દાવો કરાયો હતો જ્યારે એક્ઝિટ પોલમાં સી વોટરે ભાજપ ૧૧૯થી ૧૨૯ બેઠકો અને કૉંગ્રેસ ૪૯થી ૫૯ બેઠકો જીતશે તેવો દાવો કર્યો હતો. પરિણામ આવ્યું ત્યારે ભાજપને ૧૧૫ અને કૉંગ્રેસને ૬૧ બેઠકો પર જીત મળી હતી.
આ એક્ઝિટ પોલ સાવ સાચા નહોતા પડ્યા ને એ જ કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટીની આશા છે. સામે આ એક્ઝિટ પોલ એકદમ ખોટા પણ નહોતા પડ્યા એ જોતાં આ આશા સાવ પાતળી છે એ પણ સ્વીકારવું પડે. આ વખતના પોલમાં બધું ઉપરતળે થઈ જાય તો જ કૉંગ્રેસ કે આમ આદમી પાર્ટી માટે જીતની શક્યતા છે. બાકી એક્ઝિટ પોલનો ઈતિહાસ પણ ભાજપની તરફેણમાં છે.
ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશની પણ ચૂંટણી યોજાયેલી ને તેમાં કેટલાક એક્ઝિટ પોલ કૉંગ્રેસની તો કેટલાક ભાજપની જીતની આગાહી કરે છે. હિમાચલમાં પણ ભાજપની સરકાર છે પણ એ સત્તા નહીં જાળવી શકે એવી આગાહી કેચલાક પોલ કરે છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પણ મતદાન થયું છે ને તેમાં બધા એક્ઝિટ પોલ એક જ આગાહી કરે છે કે, ભાજપની કારમી હાર થશે ને આમ આદમી પાર્ટી સત્તા મેળવશે.
જો કે જે થશે એ બે દાડા પછી ખબર પડવાની જ છે એ જોતાં વધારે અટકળો કરવાના બદલે પરિણામોની રાહ જોઈએ.ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -