Homeએકસ્ટ્રા અફેરદિલ્હીની ચૂંટણી ભાજપ-આપ માટે કેમ વટનો સવાલ ?

દિલ્હીની ચૂંટણી ભાજપ-આપ માટે કેમ વટનો સવાલ ?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ગુજરાતમાં સોમવારે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે પણ એ પહેલાં રવિવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતદાન થઈ ગયું. ગુજરાતની ચૂંટણી પર આખા દેશની નજર છે એ રીતે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પર પણ આખા દેશની નજર છે કેમ કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર છે. ગુજરાતમાં પહેલા તબક્કામાં સાવ ઓછું મતદાન થયું તેની સરખામણીમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ૨૫૦ વોર્ડ માટે સારું એવું મતદાન થયું છે તેના કારણે કોને ફાયદો થશે તેની અટકળો ચાલી રહી છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન આમ તો એક લોકલ બોડી છે પણ તેની ચૂંટણીને કોઈ રાજ્યની ચૂંટણીને જેટલું જ મહત્ત્વ મળી રહ્યું છે. તેનું કારણ એ કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બંને પક્ષની પ્રતિષ્ઠા દાવ પર છે. કૉંગ્રેસ ભાજપને ટક્કર આપી શકે એમ નથી એ વાત ધીરે ધીરે સાબિત થઈ રહી છે ત્યારે ભાજપ વિરોધી મતદારો આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે. તેના કારણે આમ આદમી પાર્ટી ભાજપનો વિકલ્પ બનીને ઉભરી રહી હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. આ કારણે ભાજપ અને આપ વચ્ચેની રાજકીય દુશ્મનાવટ તીવ્ર બની છે. ગુજરાતમાં પણ બંને વચ્ચે ટક્કર છે ત્યારે દિલ્હી તો બંનેની રાજકીય દુશ્મનાવટનું મુખ્ય રણ છે તેથી બંને પૂરી તાકાત લગાવી રહ્યાં છે.
જો કે આ બંનેમાં ભાજપની પ્રતિષ્ઠા વધારે દાવ પર છે એ કબૂલવું પડે કેમ કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વરસોથી ભાજપનું વર્ચસ્વ છે. દિલ્હીમાં હજુ હમણાં સુધી દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એ ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન હતી. આ ત્રણેયમાં ભાજપને સ્પષ્ટ બહુમતી હતી ને તેમના મેયર સહિતના હોદ્દેદારો પાસે વહીવટ હતો. મોદી સરકારે દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિલીનીકરણ કરીને એક મ્યુનિસિપલ કોર્પોરેશન કરી નાંખી પછી તેની પહેલી વાર ચૂંટણી થાય છે. ભાજપ માટે વિલીનીકરણ પહેલાંની સ્થિતિ જાળવીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી સત્તા જાળવવાનો પડકાર છે. ભાજપે અત્યાર લગી શહેરી વિસ્તારમાં દબદબો જાળવીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પર વર્ચસ્વ જાળવ્યું પણ હવે હારી જાય તો ઈજજતનો સાવ ભાજીપાલો થઈ જાય તેથી ભાજપે જીતવું જરૂરી છે.
બીજી તરફ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી માટે પણ આ આબરૂનો સવાલ છે. કેજરીવાલ દિલ્હી વિધાનસભાની સળંગ ત્રણ ચૂંટણીમાં જીત્યા છે પણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું વર્ચસ્વ તોડી નહોતા શક્યા. આ વખતે કેજરીવાલે પૂરી તાકાત લગાવીને ગેરંટી કાર્ડ્સની લહાણ કરીને ઝંપલાવ્યું છે.
કેજરીવાલે સૌથી મોટી ગેરંટી દિલ્હીમાં કચરાના પહાડને દૂર કરવાની આપી છે. કેજરીવાલે ગેરંટી આપી છે કે, દિલ્હીમાં કચરાનો નવો પહાડ બનવા દેવાશે નહીં. કચરાના નિવારણ માટે લંડન અને પેરિસથી એક્સપર્ટ બોલાવીને યુરોપિયન સ્ટાઈલમાં કચરાનું નિવારણ કરશે. રોડ અને શેરીઓને શાનદાર બનાવી દેવાશે, સાફ સફાઈ રાખશે. કેજરીવાલે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ગેરંટી આપીને કહ્યું છે કે, નકશા પાસ કરાવવાની પ્રક્રિયા સરળ બનાવશે અને લાંચ સદંતર બંધ થશે.
આ સિવાય પાર્કિંગની સમસ્યાથી મુક્તિ, રખડતાં ઢોર અને કૂતરાથી મુક્તિ, સ્કૂલ અને હૉસ્પિટલોનું નિર્માણ, તમામ એમસીડી પાર્કને સુંદર બનાવવા, કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવા, સૌને સમયસર પગાર આપવો, વેપારીઓની સમસ્યાનું નિવારણ, લારીઓવાળા માટે વેંડિંગ ઝોન વગેરે ગેરંટી પણ આપી છે. કેજરીવાલની આ ગેરંટીઓની દિલ્હીના શહેર મતદારો પર કેટલી અસર થાય છે તેની આ કસોટી છે.
કેજરીવાલ માટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવી એટલે પણ જરૂરી છે કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તામાં આવી જશે તો તેમની સરકાર જેટલી જ મોટી લોકલ બોડી તેમની સામે આવી જશે. ભાજપે કેજરીવાલને હરાવવા બહુ પ્રયત્ન કર્યા પણ ફાવ્યા નહીં તેથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કરવાનો દાવ ખેલ્યો છે.
કૉંગ્રેસનાં શીલા દીક્ષિતે ભાજપને કાબૂમાં રાખવા માટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ ભાગમાં વહેંચી દીધેલી. બાકી ૨૦૧૨માં દિલ્હીમાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં દિલ્હીમાં માત્ર એક જ મ્યુનિસિપલ કોર્પોરેશન હતી. દિલ્હીની શીલા દીક્ષિત સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશન પર સંપૂર્ણ કબજો કરવા બહુ પ્રયાસ કરેલા પણ ફાવ્યાં નહોતાં તેથી ૨૦૦૯માં કેન્દ્ર સરકારને ડીએમસી એક્ટની ૨૩ કલમો કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી લઈને દિલ્હી સરકારને સોંપવાનો ઠરાવ મોકલ્યો હતો.
કેન્દ્ર સરકારે બધી ૨૩ નહીં પણ ૧૭ કલમો હેઠળ નિર્ણય લેવાનો અધિકાર રાજ્ય સરકારને આપી દીધો હતો. આ પૈકી ૧૨ વિભાગોના અધિકાર રાજ્ય સરકારને સંપૂર્ણ રીતે આપવામાં આવ્યા હતા. જ્યારે પાંચ વિભાગોમા નિર્ણય લેવાનો નહીં પણ કેન્દ્ર સરકારને ભલામણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.આ અધિકારોનો ઉપયોગ કરીને ૨૦૧૨માં નગરપાલિકા ચૂંટણી પહેલાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ ભાગમાં વહેંચી દેવાઈ હતી. એ વખતે કૉંગ્રેસ દ્વારા દાવો કરાયેલો કે, દિલ્હીને ત્રણ ભાગમાં વહોંચવાની મહાનગરપાલિકાની કામગીરીમાં સુધારો થશે અને પ્રજાના પ્રતિનિધિ અસરકારક રીતે પ્રજાની સેવા કરી શકશે.
જો કે મહાનગરપાલિકાનું વિભાજન થયા બાદ કામગીરીમાં સુધારો થયો નથી. બલ્કે તંત્ર સાવ ખાડે ગયું છે. હવે કોર્પોરેશન નાણાંકીય બાબતો માટે રાજ્ય સરકાર પર નિર્ભર હોવાથી ત્રણેય મહાનગરપાલિકાઓ કર્મચારીઓને પગાર પણ સમયસર ચૂકવી શકતી નથી. કૉંગ્રેસે જે ઉદ્દેશ સાથે વિભાજન કરેલું એ પણ ફળ્યો નથી.
હવે ભાજપે પણ એ જ દાવ ખેલીને એક કોર્પોરેશન કરી દીધી છે. ભાજપના નેતા ઈચ્છે છે કે, દિલ્હી સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશનને સંપૂર્ણપણે મુક્ત કરે. દિલ્હી સરકારને ડીએમસી એક્ટની કેટલીક કલમો હેઠળ કોર્પોરેશન સામે કાર્યવાહી કરવાનો અધિકાર છે. તેનો ઉપયોગ કરીને ત્રણેય મહાનગરપાલિકાઓને હેરાન કરતી હોવાનો ભાજપનો દાવો હતો. જો કે મૂળ કારણ કેજરીવાલનો રાજકીય પ્રભાવ છે. કેજરીવાલની જેમ દિલ્હીના મોટા વિસ્તાર પર અંકુશ હોય તો લોકોને આકર્ષીને વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી શકાય એવી ભાજપની ગણતરી છે. આ ગણતરીને ખોટી પાડવા માટે કેજરીવાલે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જીતવું જરૂરી છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -