નવી દિલ્હીઃ દેશમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે સાથે દિલ્હી એમએસડીની ચૂંટણી પૂરી થયા પછી સોમવારે એક્ઝિટ પોલની જાહેરાત કરવામાં આવી હતી. મોટા ભાગની ચેનલમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશને બહુમત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જેથી બંને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાનીમાં ફરી સરકારનું ગઠન થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની 93 બેઠકનું બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સોમવારે પૂરું થયું હતું. અગાઉ પહેલી ડિસેમ્બરના રાજ્યની 89 બેઠકનું મતદાન થયું હતું.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી બહુમત મેળવવા 92 બેઠક જોઈશે, જેમાં સોમવારે વિવિધ ન્યૂઝચેનલના એક્ઝિટ પોલમાં સરેરાશ ભાજપને 130થી વધુ બેઠક પર બહુમતી મળશે, જ્યારે કોંગ્રેસને 40થી વધુ બેઠક પર બહુમત મળશે. જોકે, AAP ખાતું ખોલશે, જેમાં સાતથી વધુ બેઠક મળી શકે છે. આ ઉપરાંત, અપક્ષોને ચારેક બેઠક મળી શકે છે.
હિમાચલ પ્રદેશની વિધાનસભાની બેઠકમાં એક્ઝિટ પોલના રિઝલ્ટમાં ભાજપને સરેરાશ 35થી વધુ બેઠક મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 30 બેઠક પર આવી શકે છે. આપ ખાતું ખોલી શકે નહીં, પરંતુ અપક્ષ ત્રણેક બેઠક પર જીતી શકે છે.
હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં 12મી નવેમ્બરના મતદાન થયું હતું. બંને રાજ્યની મતગણતરી ગુરુવારના આઠમી ડિસેમ્બરના યોજાશે. ચોથી ડિસેમ્બરના દિલ્હી નગર નિગમ (એમએસડી)નું મતદાન થયું હતું, જ્યારે તેનું રિઝલ્ટ સાતમી ડિસેમ્બરના આવશે. દિલ્હી પાલિકામાં પણ સૌથી વધુ બહુમત AAPને મળશે.