ગુજરાતના શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે જેનું કારણ ગુજરાતમાં વધતી જતી વાહનોની સંખ્યા છે. તાજેતરમાં બહાર પડેલા આંકડા મુજબ કે ગુજરાતમાં દરેક બીજી વ્યક્તિ પાસે એક વાહન છે. એટલે કે રાજ્યમાં વાહનની સંખ્યા રાજ્યમાં વસતા લોકોની વસ્તીની લગભગ અડધી છે. ગત 31 માર્ચ સુધી ગુજરાતમાં કુલ 3.07 કરોડ વાહનો નોંધાયા છે જયારે 2011ની વસ્તીગણતરી મુજબ જરાતમાં 6.04 કરોડ નાગરિકો વસે છે.
સામાજિક આર્થિક સમીક્ષા મુજબ, 2011-12માં રાજ્યની વસ્તી 6.09 કરોડ હતી, જે 86 લાખના વધારા સાથે 2021-22માં વધીને 6.95 કરોડ થવાનો અંદાજ છે. મળતી માહિતી મુજબ છેલ્લા 10 વર્ષોમાં ગુજરાતમાં વાહનોની સંખ્યામાં 122%નો વધારો થયો છે, ત્યારે રાજ્યની વસ્તીમાં 14%નો વધારો થયો છે.
ઝડપી પરિવહનની જરૂરિયાત અને નાગરિકોની ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો થવાથી છેલ્લા દાયકામાં ગુજરાતના રસ્તાઓ પર 1.69 કરોડ વાહનો ઉમેરાયા છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે 1.2 લાખ જન્મ નોંધાયા છે જેની સામે લગભગ 2.47 લાખ વાહનો રસ્તાઓ પર ઉમેરાયા છે.
નિષ્ણાતો મત મુજબ વાહનોની વધતી જતી સંખ્યા માટે નબળા પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક અને ગ્રામીણ વિસ્તારોમાં બસોની ઓછી ઉપલબ્ધતા જવાબદાર છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લગભગ 7,000 ગામડાઓમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો દિવસમાં માત્ર એક કે બે વાર ચાલે છે, જેથી લોકોને તેમના ખાનગી વાહનોનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. આ ઉપરાંત, શહેરોમાં બસની રાહ જોવાનો સમય 10-15 મિનિટનો છે જે છ કિમીની મુસાફરીમાં લાગેલા સમયની બરાબર છે. અમદાવાદમાં બીઆરટીએસ અને મેટ્રો સાથે યોગ્ય કનેક્ટિવિટીના અભાવને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટથી દુર રહે છે.
પરિવહન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં જાહેર પરિવહન લોકોની જરૂરિયાતો અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું નથી. તેમને જણાવ્યું કે “જો સેટેલાઇટ વિસ્તારમાં રહેતો કોઈ વ્યક્તિ મેટ્રો ટ્રેન પકડવા માંગે છે, તો તેના માટે મુશ્કેલી પડશે કારણ કે ત્યાં કોઈ કનેક્ટિવિટી જ નથી. તેથી, તે પર્સનલ વાહન પસંદ કરશે. આ ઉપરાંત, ગુજરાતીઓ તેમના બાળકો માટે 10 કે ધોરણ 12માં પાસ થતાં જ ટુ-વ્હીલર ખરીદવાનું પસંદ કરે છે.”