આજે સાતમી ફેબ્રુઆરી અને આજથી જ વેલેન્ટાઈન વીકની શરુઆત થાય તે 14મી ફેબ્રુઆરી સુધી આ વીક પ્રેમીપંખીડાઓ મનભરીને માણે છે. દરરોજ અલગ અલગ પ્રકારના ડે ઊજવીને પ્રેમીપંખીડાઓ પોતાની લાગણીનો ઈઝહાર કરે છે. આ વેલેન્ટાઈન વીકની શરુઆત થાય છે રોઝ ડેથી… આ રોઝ ડે નિમિત્તે આજે અમે અહીં તમારા માટે લઈ આવ્યા છીએ એક એવા ગુલાબની વાત કે જેના વિશે કદાચ તમે અત્યાર સુધી સાંભળ્યું પણ નહીં હોય. આ ગુલાબની ખાસિયત એ છે કે તે 15 વર્ષે એક વખત ખિલે છે અને તેનું નામ છે જુલિયેટ રોઝ.
બજારમાં આ જુલિયેટ રોઝની કિંમત છે 15.8 મિલિયન ડોલર એટલે કે આશરે રૂપિયા 128 કરોડ. આ એક દુર્લભ પ્રજાતિનું ગુલાબ છે. 15 વર્ષે એક વખત જ આ ગુલાબ ખીલે છે અને આ જ કારણસર તેની કિંમત કરોડોમાં છે. એટલું જ નહીં દુનિયાના સૌથી મોંઘા ફૂલ તરીકે આ ગુલાબની ગણતરી થાય છે. આ ફૂલ ખરીદતા પહેલાં અંબાણી કે અદાણીની પત્ની પણ સો વખત વિચાર કરશે. આ જુલિયેટ ગુલાબ દેખાવમાં ખૂબ જ સુંદર છે.
2006માં પહેલી વખત જ્યારે આ ગુલાબ ખીલ્યું હતું ત્યારે તેની કિંમત અંદાજે રૂપિયા 90 કરોડ જેટલી હતી. સફેદ, ગુલાબી અને પીળા રંગની છાંટવાળા આ ગુલાબની પાંખડીની રચના વિશિષ્ટ પ્રકારની છે, જેને કારણે આ ફૂલ એકદમ ભર્યું ભર્યું લાગે છે. ગુલાબની સુવાસ દૂર દૂર સુધી અનુભવાય છે.
ઓનલાઈન પબ્લિશ કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર જુલિયેટ ગુલાબની કિંમત 15.8 મિલિયન ડોલર છે, જેને ઈન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવે તો તેની કિંમત 128 કરોડ રૂપિયા જેટલી થાય છે. ડેવિડ ઓસ્ટિને આ ગુલાબની કિંમત આટલી વધુ હોવા પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે ગુલાબનું આ છોડ વધારે માવજત માગી લે છે અને ગુલાબ ખિલે એ માટે એક્સ્ટ્રા એફર્ટ્સ લગાવવા પડે છે.