કતારમાં ૨૦ નવેમ્બરથી ફૂટબોલના સૌથી મોટા સંગ્રામ ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. ૨૯ દિવસ ચાલનારા ફૂટબોલના જંગમાં ૬૪ મેચ રમાશે. આશ્વર્યની વાત એ છે કે ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા ભારત દેશની ટીમ આ વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી શકી નથી. જોકે આ વાતને લઇને કોઇને પણ આશ્ર્ચર્ય થયું નથી. ક્રિકેટરોને ભગવાનની જેમ પૂજતા આપણા દેશમાં ફૂટબોલ રમવું સરળ નથી. ક્રિકેટ અને ક્રિકેટરો પાછળ જેટલા રૂપિયા ખર્ચવામાં આવે છે તેના એક ટકા જેટલા રૂપિયા પણ ફૂટબોલની રમતના વિકાસ માટે વાપરવામાં આવતા હશે કે કેમ તેને લઇને શંકા છે.
ભારતીય ટીમ ફિફા વર્લ્ડ કપ માટે ફરીથી ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. સુનીલ છેત્રીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને ક્વોલિફાઇંગ સ્ટેજના બીજા રાઉન્ડમાંથી જ બહાર થવું પડ્યું હતું.
ભારતમાં આજના યુવાનને દેશના ટોપ ફાઇવ ફૂટબોલરના નામ પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઇ નામ આપી શકે છે. આપણે ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન અને તેલંગણામાં જન્મેલા ફોરવર્ડ ખેલાડી સુનીલ છેત્રી અને સિક્કિમમાં જન્મેલા સ્ટ્રાઇકર ભાઇચુંગ ભુટિયાને ઓળખીએ છીએ. જ્યારે ક્રિકેટરોમાં આજનો યુવાન આઇપીએલની તમામ ૧૦ ટીમોના ખેલાડીઓના નામ મોઢે બોલી જાય છે. જોકે તેમાં આજના યુવાનનો કોઇ વાંક નથી પરંતુ સરકાર અને મીડિયા પણ ફૂટબોલરની રમતની સરખામણીએ ક્રિકેટને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે.
જોકે આપણા માટે આનંદની વાત એ છે કે ભલે ભારતીય ટીમ ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨માં રમી રહી નથી પરંતુ એક ભારતીય ફિફા વર્લ્ડ કપમાં સામેલ થઇને દેશનું નામ રોશન કરી રહ્યો છે. હું વાત કરી રહ્યો છું કેરલમાં જન્મેલા વિનય મોહનની જેને બેલ્જિયમની ફૂટબોલ ટીમે પોતાની સાથે જોડ્યો છે. વિનય મોહનને પોતાની ટીમનો ‘વેલનેસ કોચ’ બનાવી મોટી જવાબદારી સોંપી છે. એટલે કે મેદાન પર ભારતનું પ્રતિનિધિત્વ જોવા નહીં મળે પણ મેદાનની બહાર ભારતીયનો જલવો જોવા મળી શકે છે.
જાણીતી યુરોપિયન ફૂટબોલ ક્લબ ચેલ્સી સાથે કામ કરી ચૂકેલ વિનય બેલ્જિયમ ટીમના વેલનેસ કોચના રૂપમાં ખેલાડીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જેવી બાબતો પર કામ કરશે.
મેનને આ પ્રસંગે કહ્યું હતું કે મને વર્લ્ડ કપમાં બેલ્જિયમની રાષ્ટ્રીય ટીમ સાથે જોડાવાની તક મળી છે તેનો મને ગર્વ છે. હું ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું તેનો મને ગર્વ છે. તેણે કહ્યું હતું કે આ વર્લ્ડ કપમાં કોઈ ભારતીય ટીમ નથી, પરંતુ મને આશા છે કે કતાર જઈ રહેલા તમામ ભારતીયો બેલ્જિયમને સપોર્ટ કરશે.
ટીમના વેલનેસ કોચ તરીકે વિનય માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જવાબદાર રહેશે, જે ખેલાડીઓને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ કરશે. વિનય અગાઉ ચેલ્સી ક્લબ સાથે કામ કરી ચૂક્યો છે અને ૨૦૧૧-૧૨ અને ૨૦૨૦-૨૧ સીઝનમાં યુઇએફએ ચેમ્પિયન્સ લીગ વિજેતા ટીમનો સહયોગી સભ્ય પણ રહ્યો છે.
ફિફા વર્લ્ડ કપમાં ભારતીય ફૂટબોલ ટીમ રમવાની આશા વ્યક્ત કરતા વિનયે કહ્યું કે તેને વિશ્ર્વાસ છે કે ભારતની ટીમ ૨૦૩૦માં વર્લ્ડ કપમાં રમશે અને પછી હું મારી ટીમ સાથે કામ કરવા માંગીશ.
વિનયે કેરળના ઇરન્નાકુલમના ચેરાઇ ગામથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વિનયે પુડુચેરી યુનિવર્સિટીમાંથી ફિઝિકલ એજ્યુકેશનમાં એમફિલ કર્યું છે. ફાઇવ-સ્ટાર રિસોર્ટમાં ઇન્સ્ટ્રક્ટર માટે દુબઈ જતા પહેલા વિનયે પુણેની કૈવલ્યધન સંસ્થામાં યોગ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. ક્લબમાં સામેલ થવા અગાઉ વિનય ચેલ્સીના માલિક રોમન અબ્રામોવિચના અંગત કોચના રૂપમાં સેવા આપી હતી.
વિનયનું માનવું છે કે જો ૧.૧ કરોડની વસ્તી ધરાવતો બેલ્જિયમ દેશ વર્લ્ડ કપમાં સ્થાન મેળવી શકે છે તો ૧૩૦ કરોડની વસ્તી ધરાવતો ભારત આવું કેમ ના કરી શકે. હું માનું છું કે ભારત ૨૦૩૦ સુધીમાં વર્લ્ડ કપ રમી શકે છે અને જો આવું થાય તો હું મારી સેવા રાષ્ટ્રીય ટીમને આપવા માગું છું. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના સેક્રેટરી જનરલે શાજી પ્રભાકરને કહ્યું કે એક ભારતીય માટે બેલ્જિયમની રાષ્ટ્રીય ટીમમાં વેલનેસ કોચ તરીકે પ્રવેશ મેળવવો ભારત માટે ખૂબ ગર્વની ક્ષણ છે.
ભારતીય ટીમ ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ માટે ફરીથી ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. એવું નથી કે ભારત ક્યારેય ફૂટબોલ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું નથી. ટીમ ઈન્ડિયાએ વર્ષ ૧૯૫૦માં બ્રાઝિલમાં આયોજિત વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું હતું છતાં તેમાં ભાગ લઈ શકી ન હતી. સૌથી મોટું કારણ એ હતું કે ભારતીય ખેલાડીઓને તે સમયે ખુલ્લા પગે ફૂટબોલ રમવાની આદત હતી જે તેમના માટે સમસ્યા બની ગઈ હતી. ફીફાના નિયમો અનુસાર, ખેલાડીઓએ વિશ્ર્વ કપમાં જૂતા પહેરીને રમવાનું હતું, પરંતુ ભારતીય ખેલાડીઓને જૂતા પહેરીને ફૂટબોલ રમવાની આદત ન હતી અને તેણે આ ટૂર્નામેન્ટમાં રમવાની ના પાડી હતી.
મેચ વિદેશી મેદાન પર યોજાવાની હોવાથી ભારતીય ફૂટબોલ એસોસિએશન તેમજ સરકારે ખર્ચ ઉઠાવવાનો ઇનકાર કર્યો હતો. જો કે ફિફા ભારતના આ પ્રવાસનો ખર્ચ ઉઠાવવા તૈયાર હતું, પરંતુ તેમ છતાં ભારત આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શક્યું ન હતું.
ચાહકો માટે દુખની વાત એ છે કે ૧૯૫૦ના વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ ફરી ક્યારેય આ મેગા ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ શકી નથી. ફિફા રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમની વર્તમાન રેન્કિંગ ૧૦૬ છે. એટલે કે તે ટોપ-૧૦૦ દેશોમાં પણ સામેલ નથી.
અત્યાર સુધી કયા વર્ષે દેશે જીત્યો ફિફા વર્લ્ડકપ
ફિફા વર્લ્ડકપનું આયોજન સૌપ્રથમ ૧૯૩૦માં કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તે દર ચાર વર્ષે એકવાર યોજાય છે.
અત્યાર સુધી યોજાયેલા ૧૯ વર્લ્ડકપમાં આઠ અલગ-અલગ રાષ્ટ્રીય ટીમો ચેમ્પિયન
બની છે.
બ્રાઝિલ સૌથી વધુ પાંચ વખત જીત્યું છે. આ પછી ઇટાલી અને જર્મની ચાર-ચાર ટાઇટલ, આર્જેન્ટિના અને ઉરુગ્વે બે-બે અને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને સ્પેન એક-એક ટાઇટલ જીત્યા છે. બીજા વિશ્વયુદ્ધને કારણે ૧૯૪૨ અને ૧૯૪૬માં વર્લ્ડકપ યોજાયો નહોતો.
અત્યાર સુધી ફિફા વર્લ્ડકપમાં
ચેમ્પિયન બનેલી ટીમોની યાદી
૧૯૩૦ ઉરુગ્વે
૧૯૩૪ ઇટાલી
૧૯૩૮ ઇટાલી
૧૯૫૦ ઉરુગ્વે
૧૯૫૪ પશ્વિમ જર્મની
૧૯૫૮ બ્રાઝિલ
૧૯૬૨ બ્રાઝિલ
૧૯૬૬ ઇગ્લેન્ડ
૧૯૭૦ બ્રાઝિલ
૧૯૭૪ પશ્ર્ચિમ જર્મની
૧૯૭૮ આર્જેન્ટિના
૧૯૮૨ ઇટાલી
૧૯૮૬ આર્જેન્ટિના
૧૯૯૦ પશ્ર્ચિમ જર્મની
૧૯૯૪ બ્રાઝિલ
૧૯૯૮ ફ્રાન્સ
૨૦૦૨ બ્રાઝિલ
૨૦૦૬ ઇટાલી
૨૦૧૦ સ્પેન
૨૦૧૪ જર્મની
૨૦૧૮ ફ્રાન્સ
ગોલ્ડન બૂટ શું હોય છે અને તે કોને આપવામાં આવે છે?
ફિફા વર્લ્ડકપમાં આપવામાં આવતો ગોલ્ડન બૂટ’ એવોર્ડ “પ્લેયર ઓફ ધ સિરીઝ” જેવો છે જે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સારુ પ્રદર્શન કરનાર ખેલાડીને આપવામાં આવે છે.
સત્તાવાર રીતે ૧૯૮૨ માં ગોલ્ડન બૂટ એવોર્ડ આપવાની શરૂઆત થઇ હતી. ત્યારથી દર વર્ષે વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને આપવામાં આવે છે.
એ અલગ વાત છે કે ૨૦૦૬ સુધી આ એવોર્ડને ગોલ્ડન શૂ’ તરીકે ઓળખવામાં આવતો હતો.
ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનારને ગોલ્ડન બૂટ આપવામાં આવે છે, જ્યારે બીજા ક્રમે આવનાર ખેલાડીને સિલ્વર અને ત્રીજા ક્રમે આવનાર ખેલાડીને બ્રોન્ઝ બૂટ આપવામાં આવે છે.
ફિફા વર્લ્ડકપના ઇતિહાસમાં ૨૭ ખેલાડીઓને આ એવોર્ડ મળ્યો છે
૧૯૩૦ : ગુઇલેર્મો સ્ટૈબાઇલ (આર્જેન્ટિના)- ૮ ગોલ
૧૯૩૪ : ઓલ્ડરિચ નેજેડલી (ચેકોસ્લોવાકિયા)-૫ ગોલ
૧૯૩૮ : લિઓનિડાસ (બ્રાઝિલ) – ૭ ગોલ
૧૯૫૦ : એડેમિર (બ્રાઝીલ)- ૮ ગોલ
૧૯૫૪ : સાન્ડોર કોકસિસ (હંગેરી) ૧૧ ગોલ
૧૯૫૮ : જસ્ટ ફોન્ટેન (ફ્રાન્સ)- ૧૩ ગોલ
૧૯૬૨ : ફ્લોરિયન અલ્બર્ટ (હંગરી)- ,વેલેન્ટિન ઇવાનોવ (રશિયા), ગૈરિચા અને વાવા (બ્રાઝિલ),ડ્રૈસન જેરકોવિચ (ક્રોએશિયા),લિયોનેલ સાંચેજ (ચિલી)- ૪-ગોલ.
૧૯૬૬ : ઇસેબિયો (પોર્ટુગલ)-૯ ગોલ
૧૯૭૦ : ગેરાડ મૂલર (જર્મની)-૧૦ ગોલ
૧૯૭૪ : ગ્રજેગોર્જ લાટો (પોલેન્ડ)- ૭ ગોલ
૧૯૭૮ : મારિઓ કેમ્પસ (આર્જેન્ટિના)- ૬ ગોલ
૧૯૮૨ : પાઉલો રોસી (ઇટાલી)- ૬ ગોલ
૧૯૮૬ : ગ્યારી લિનેકર (ઇગ્લેન્ડ) ૬-ગોલ
૧૯૯૦ : સાલ્ભાટોર સિલાચી (ઇટાલી) ૬ ગોલ
૧૯૯૪ : ઓલેગ સાલેન્કો(રશિયા), હિસ્ટો સ્ટોઇચકોવ (બુલ્ગેરિયા)
૬-ગોલ
૧૯૯૮ : ડાવોર સુકર (ક્રોએશિયા)-૬ ગોલ
૨૦૦૨ : રોનાલ્ડો નારાજિયો (બ્રાઝિલ) ૮ ગોલ
૨૦૦૬ : મિરોસ્લાવ ક્લોઝે (જર્મની)-૫ ગોલ
૨૦૧૦ : થોમસ મુલર (જર્મની) છ ગોલ
૨૦૧૪ : જેમ્સ રોડ્રિગ્સ (કોલંમ્બિયા) ૬ ગોલ
૨૦૧૮ : હૈરી કેન (ઇગ્લેન્ડ)- ૬ ગોલ