અરવિંદ વેકરિયા
સુરેશ કાકા મારે માટે પિતાતુલ્ય અને રાહબર
..ભાઈદાસનો છેલ્લો શો કર્યો ત્યારે મન તો દુ:ખી જ હતું. એક લગાવ થઇ ગયેલો, પ્રેમ અને લાગણી થઇ ગયેલી આખા નાટકના પ્રોસેસ દરમ્યાન. છેલ્લા શો પછી ભાઈદાસ થીયેટરના મેનેજર સુરેશ વ્યાસ (મારે માટે મારા ‘સુરેશ કાકા’)ને પણ હું અને રાજેન્દ્ર શુકલ મળ્યા. એક વખત એમણે જ અમને થીયેટર નહોતું મળતું ત્યારે ભાઈદાસ થીયેટરની એક ‘તારીખ’ આપેલી. એ દિવસે બેંક હોલીડે હતો, બકરી ઈદનો. એ દિવસે માર્કેટ ચાલુ હતી. નાટકનું ઓડિયેન્સ ખાસ તો આ વેપારી વર્ગ. કદાચ એ જ કારણ, અમારું ‘હાઉસ’ સાવ નબળું આવ્યું. (પાછળથી અમને ચૂકવેલા ભાડામાંથી અમુક રકમ રિફંડ પેટે મળી હતી, ત્યારે ભાઈદાસનાં ટ્રસ્ટી અમુક ટકા જો કલેકશન ન આવે તો અમુક ટકા રિફંડ પેટે આપતી. કલા પ્રત્યે આ એમનો એક સારો અભિગમ હતો કે નિર્માતા વધુ લોસ’ ન ભોગવે.) સુરેશ કાકાએ તે દિવસે અમને હિંમત આપી અને એટલું જ નહિ રાત્રિનું ડીનર કરાવવા હોટેલમાં લઇ ગયા અને ભવિષ્યમાં એક સારી ‘તારીખ’ આપવાની બાહેંધરી પણ આપી. મને ‘કોઠાની કબુતરી’ વખતે ઢાકણીમાં પોતે. ખુદ સ્ટેજ પર વીંગની બહાર ઉભા રહી, મારો અવાજ બેસી ગયેલો એટલે ‘રમ’ નામની ‘દવા’ પીવડાવેલી એ યાદ આવી ગયું. આવા નિષ્ઠાવાન મેનેજરો હવે ક્યાં? મારે માટે તો તેઓ પિતાતૂલ્ય હતા, આજે એમનો સુપુત્ર એમના જ નકશે-કદમ ઉપર મલાડમાં આવેલ અસ્પી થીયેટરને સરસ મેનેજર તરીકે સંભાળી રહ્યો છે, ભૌતેષ વ્યાસ.. છેલ્લા શો પછી મળ્યા અને નાટક બંધ કરવાના નિર્ણયની અમે વાત કરી. એમણે સરસ કહ્યું કે “જો દીકરા, તારું નાટક ચાલવું જ હોત તો ૭-૮ શો પછીની નાટકની માઉથપબ્લીસીટી સારી થઇ હોત તો જરૂર ઉંચકાય ગયું હોત. હવે વધુ ખેંચવાથી ફાટવા સિવાય કોઈ પરિણામ નથી આવવાનું, એટલે તમારો નિર્ણય એકદમ સાચો અને સમયસરનો છે. પ્રેક્ષકોએ તમારું નાટક નથી સ્વીકાર્યું એ વાત આપણે સ્વીકારી લેવી એમાં જ ડહાપણ છે.ફરી સારી સ્ક્રીપ્ટ શોધો અને નવો ઘોડો પલાણો. હું તો ખબર નહિ કેમ, સાવ રડવા જેવો થઇ ગયેલો. મેં ભારે અવાજે કહ્યું. ‘કાકા, નાટક માટેનો પ્રેમ અને લાગણી એટલા બધા થઇ ગયા કે…’ હું આગળ બોલી ન શક્યો. મને કહે, ‘તું વાંચવાનો શોખીન છે. હું તને નિમિત્ત ઓઝાની એક વાત કહું. એમણે ક્યાંક સરસ લખ્યું છે કે, પ્રેમની હોય કે નફરતની, કોઈ લાગણી અંતિમ નથી હોતી. આપણી તરફ લોકોનો લગાવ કે અભાવ બદલાતો રહે છે. ઠીક છે. ! એ બદલાતા સંબંધોની અવરજવર વચ્ચે મોજમાં રહેવું. ફરી નાટક બનાવ..અત્યારે વિમુખ બનેલા પ્રેક્ષકોને ફરી તારું નાટક જોતા કરવા એ જ લક્ષ સાથે, નવી ગીલ્લી નવો દાવ શરુ કરી દેવાનો.’
બસ, આ હિંમતભર્યા વાક્યો હતા, પણ એ ત્યારે સ્વીકારવું થોડું અઘરું તો હતું જ.! ખેર, ભાઈદાસથી રાત્રે ઘરે પાછો ફર્યો..ત્યાં જ લેન્ડલાઈન પર ફોન આવ્યો…
‘હેલ્લો, અરવિંદ વેકરીયા છે?’
‘જી, હું જ બોલું છું..’
‘હું ભાવના ભટ્ટ બોલું છું.’ હું, પપ્પા અને મમ્મી હમણાં ભાઈદાસમા તમારું છાનું છમકલું નાટક જોઇને આવ્યા.
જી… મેં વધુ જાણવા પ્રયત્ન કર્યો.
‘હું ભાવના ભટ્ટ. ચંદ્રવદન ભટ્ટની ડોટર. તમે કાલે શાન્તાકુઝ અમારા ઘરે આવી શકો?’
‘જી.. હું હજુ દ્વિધામા હતો.’
‘એક કામ કરો. ઘરે નહિ, સાંજે ૬ વાગે બિરલા ક્રીડા કેન્દ્રમાં આવી પપ્પાને મળી જાવ.
ઓ.કે. .હું આવી જઈશ. મેં ફોન મૂક્યો.
ચંદ્રવદન ભટ્ટ એટલે ગુજરાતી રંગભૂમિનાં ભીષ્મ પિતામહ.. હું એમના વિચારે ચડ્યો. ભાવના ભટ્ટનું હિન્દી ચલચિત્રમેં ‘બન ફૂલ’ મેં જોયેલું. મનોમન પોરસાયો પણ ખરો કે એક હિન્દી ફિલ્મની હિરોઈને મને ફોન કરી મારી સાથે વાત કરી. મન વિચારને હિંચકે ઝૂલવા લાગ્યું કે શું કામ હશે? કોઈ નાટક કરતા હશે? કે પછી કોઈ ફિલ્મ હશે?…કોને ખબર! જો નવું કોઈ નાટક કરતાં હોય તો પછી એક કલાકાર તરીકે જોડાઈને હાલ પૂરતો દિગ્દર્શક તરીકે વિરામ લઇ લેવો? અવળચંડુ મન કેટકેટલાં વિચારો કરતું રહ્યું. આમ પણ કાચના સંબંધની ટૂર આવતા મારા રોલમાં સંજય ગોરડીયા ગોઠવાય ગયો હતો. ‘છાનું છમકલું’ નાટકમાં એક ગુંડાનો નાનકડો રોલ કરતો હતો. હવે જ્યાં સુધી બીજો નિર્માતા મળે નહિ ત્યાં સુધી દિગ્દર્શનની કમાન હાથમાં લેવી શક્ય નહોતી, થયું કે દેખાડીને જીવવાની શું મજા? ચાલો કલાકાર તરીકે જીવી દેખાડીએ. આમ પણ જિંદગી ક્યા સહેલી છે? એને તો સહેલી બનાંવવી પડે છે. ક્યારેક આપણા અંદાજથી, તો કયારેક આપણા નજરઅંદાજથી, પરંતુ અત્યારે વધુ વિચારવા કરતાં આવતીકાલે જયારે રૂબરૂ મળીશું ત્યારે બધી ખબર પડશે.જે પણ હશે અંતે નિર્ણય તો મારે જ લેવાનો હશે ને ! નિષ્ઠા સાથે નિર્ણય અમલમાં મૂકીશ એવું નક્કી કરી લીધું. જયારે કોઈ કામમાં તમારો ભાવ નિર્દોષ હોય ત્યારે ઈશ્ર્વર પણ તમારી સાથે રહે છે. ધીમે ધીમે મારી આંખ ભારે થવા લાગી અને આવતા ખોટા-સાચા વિચારો પણ અટક્યા અને હું નિંદ્રામા સરી પડ્યો. ઈમાનદારીથી કમાવાવાળાનાં શોખ ભલે પૂરા ન થાય પણ એમની ઊંઘ જરૂર પૂરી થાય છે. સુતા પછી સીધા સવારના સાત વાગી ગયા.
રાત્રે ઘરે આવી મારે પત્ની ભારતી સાથે વિગતે વાત નહોતી થઇ શકી. એ બધી વાત મેં એને કરી. એને પણ દુ:ખ થાય એ સ્વાભાવિક હતું. મને કહે, ભૂલી જાવ બધું. એક વાત યાદ રાખો કે જીવનમાં રીહર્સલ નથી હોતા ડાઈરેકટ પરફોર્મન્સ જ હોય છે…કરતા રહેવાનો. એના બોધ સાંભળ્યા પછી મેં ચંદ્રવદન ભટ્ટને મળવા માટે આવેલા ભાવના ભટ્ટના ફોનની વાત કરી. ભારતીને પણ લાગ્યું કે કોઈ નવા નાટક બાબત જ વાત કરવાની હશે. પછી એણે મને મીઠો ઠપકો પણ આપ્યો, તમને શા કામ માટે મળવા બોલાવ્યા છે એનું કારણ તો પૂછી લેવું જોઈતું હતું. મેં કહ્યું, એક તો છેલ્લા કરેલા શો નું દુ:ખ હતું અને બીજું રાતનો ઘણો સમય વીતી ગયો હતો. એટલે મેં માત્ર મને પુછાયેલા પ્રશ્નોના જવાબ આપવાનું ઉચિત લાગ્યું. એમણે તો પહેલા એમના ઘરે શાન્તાકુઝ આવવા કહેલું પણ પછી મને થોડો અસમંજસમા જોઈ બિરલા ક્રીડા કેન્દ્ર પર મળવા બોલાવ્યો અને મેં હા પાડી.
ભારતી કહે, “કદાચ નવા નાટક માટે જ હશે. જુઓને, એક નાટક બંધ થયું કે તરત રાતોરાત ફોન પણ આવી ગયો. સમય બહેરો છે, કોઈનું સંભાળતો નથી પણ આંધળો નથી, બધું જુવે છે.તમારી પરિસ્થિતિ પણ એણે જોઈ લીધી ને?
હું એની ફિલોસોફી મલકાટ સાથે સાંભળતો રહ્યો…..
પીપળાના પાનથી શરૂ થતી જીંદગી,
તુલસીના પાન પર અટકે !
આ બંને વચ્ચે જિંદગી કેટકેટલું ભટકે !.
————–
અડધી રાતે ગલીમાંથી જોરશોરથી અવાજો આવવા શરૂ થયા. પતિની આંખ ખૂલી ગઈ. બહાર જઈ લોકોને પૂછ્યું તો બધાએ કહ્યું સાવધાન રહેજો. “પાણીમાં ઝેર આવી ગયું છે. એ સાંભળી પતિ ફટાફટ ઘરમાં પાછો આવ્યો. પત્નીએ પૂછ્યું “આટલો બધો શેનો અવાજ હતો? શું વાત છે? પતિએ કહ્યું, કઈ નહિ. ફાલતુ લોકો બૂમાબૂમ કરતા હતા. તું પાણી પી ને શાંતિથી સૂઈ જા.