ટ્રેનોની સર્વિસ વધાર્યા પછી પણ ટ્રેનો મોડી પડવાનું ચલણ વધ્યું, પ્રવાસીઓને હાલાકી વધી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રવાસીઓની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવેમાં પંદર ડબાની સર્વિસીસ વધારવામાં આવ્યા પછી પણ લોકલ ટ્રેનોની રફતારમાં તો ગ્રહણ લાગ્યું છે, જેમાં મંગળવારે લોકલ ટ્રેનો દિવસભર અડધો કલાક મોડી પડતા પ્રવાસીઓને ટ્રેનોમાં મુસાફરી કરવામાં હાલાકી પડી હતી, એમ પ્રવાસીઓએ જણાવ્યું હતું. મંગળવારે બાંદ્રા ખાતે હેરિટેજ બિલ્ડિંગના મેઈન્ટેનન્સ માટે મેજર બ્લોક લેવામાં આવ્યો હતો, જેથી બાંદ્રા ડાઉન લાઈન અને લુપ લાઈનમાં બ્લોકને મંજૂરી આપી હતી. આ ઉપરાંત, ટર્મિનસ ખાતે પીટલાઈનમાં કામકાજ ચાલુ છે, તેથી ટ્રેનસેવાને અસર થઈ રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. લોકલ ટ્રેનો રોજ દસેક મિનિટ મોડી પડવાનું રોજનું થઈ ગયું છે, પરંતુ મંગળવારે તો હદ થઈ ગઈ હતી. મેં કાંદિવલીથી ૨.૨૫ વાગ્યાની ચર્ચગેટ ફાસ્ટ લોકલ ટ્રેન પકડી હતી, પરંતુ આ ટ્રેન ખાર સ્ટેશને પંદર મિનિટ રોકી દેવામાં આવી હતી, ત્યાર બાદ માટુંગામાં પણ પંદર મિનિટ રોકી દેવામાં આવી હતી. રોજે રોજ લોકલ ટ્રેનો મોડી દોડે છે, પરંતુ પ્રશાસન આંખ આડા કાન કરે છે, તેથી પ્રવાસીઓને રોજ હાલાકી વધી રહી છે, એમ કાંદિવલીના રહેવાસીએ જણાવ્યું હતું. સોમવારથી પશ્ર્ચિમ રેલવેમાં ૨૬ વધુ પંદર ડબાની સર્વિસીસ વધારવામાં આવી છે, જેથી પ્રવાસીઓને વધુ ભીડવાળી ટ્રેનમાં મુસાફરી કરવામાંથી મુક્તિ મળે. પશ્ર્ચિમ રેલવેમાં પંદર ડબાની કુલ સર્વિસીસની સંખ્યા ૧૩૨ થઈ છે, જ્યારે હાલમાં કુલ ૧,૩૮૩ ટ્રેનની સર્વિસીસ છે. અલગ અલગ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત વિવિધ કામકાજ ચાલુ હોવાને કારણે લોકલ ટ્રેનસેવા પર અસર થાય છે, જેમાં વિવિધ અકસ્માતના કારણ પણ જવાબદાર છે, એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.