ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં દશમ અધ્યાયના સારરૂપે વૈચારિક સાધનાને સમજ્યા. હવે ગીતા એકાદશ અધ્યાયનો ઉઘાડ કરે છે.
મહાભારતના યુદ્ધના આરંભ પૂર્વે અર્જુન રણમેદાનમાં સામે પક્ષે પોતાના સગા સંબંધી અને ગુરુજનોને જુએ છે. સગા-સંબંધીઓ પ્રત્યેનો સ્નેહ અર્જુનને યુદ્ધ કરતા રોકે છે. તેનું મન ઉદ્વેગથી અશાંત થઈ જાય છે. પણ અર્જુનના જીવનમાં ભગવાન શ્રીકૃષ્ણનું સ્થાન અતિ વિશિષ્ટ હતું. પોતાના જીવનના નિર્ણયોમાં ભગવાન કૃષ્ણના સામે જ તેની દૃષ્ટિ હતી. મન-મંદિરમાં કૃષ્ણનું અદકેરું સ્થાન હતું. અને આથી જ ભગવાન શ્રીકૃષ્ણ પણ રણમેદાનની મધ્યે ઉપદેશ દ્વારા અર્જુનનો મોહભંગ કરી કર્તવ્ય પ્રત્યે તેને સભાન કરે છે. ભગવાન શ્રીકૃષ્ણનાં બોધ વચનોથી અર્જુનને આ જગતની ભ્રામકતા અને સનાતન સત્ય વચ્ચેનો તફાવત સમજાય છે. ત્યારે અર્જુન બોલી ઊઠે છે-
मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसञ्ज्ञितम्। यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम॥ 11/1॥
ભગવાન! મારા પર કૃપા કરવા આપે અધ્યાત્મ તત્ત્વનો અતિ ગુહ્ય તથા ભ્રમનાશક જે ઉપદેશ આપ્યો તેનાથી મારા સર્વ મોહનો લોપ થયો છે.
આ ગુહ્યજ્ઞાન એટેલે સંનાતન વૈદિક જ્ઞાન. જીવ અને ઈશ્ર્વરથી પર અક્ષર અને તેનાથી પર પુરુષોત્તમનું જ્ઞાન! આ જ્ઞાન અનાદિ મોહને ભંગ કરવા માટે અનિવાર્ય છે. ગુરુ આ સનાતન તત્ત્વોનો ઉપદેશ જ મુમુક્ષુઓને આપીને તેમનો મોહ દૂર કરે છે.
મોહ એટલે કે જે કાયમી નથી તેના પ્રત્યેનું ખેંચાણ. જે યોગ્ય નથી તેના પ્રત્યેનો સ્નેહ. જે હિતકારી નથી તેના પ્રત્યેનો લગાવ. જે સત્ય નથી તેની સાથેનું જોડાણ! અસત્ય અને મિથ્યા વસ્તુ પ્રત્યે આપણને મોહ ઊપજે છે, જે અશાંતિનું એક મુખ્ય કારણ છે. જોકે આ જગતમાં જે આપણને આપણું મનાયું છે તે શરીર, ધન, દૌલત, સગાસબંધી સર્વે અસ્થાયી છે. એટલે જ કૃષ્ણ ભગવાન કહે છે- આ સંપૂર્ણ જગત માયિક, ભ્રામક અને નાશવંત છે.
ભગવાન સ્વામિનારાયણ પણ જગતની નશ્ર્વરતા વિષે વચનામૃત ગ્રંથમાં કહે છે – ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે જે લોક છે ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે.’ એમ જાણીને એક ભગવાનને વિષે જ દૃઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી.
ભગવાન અને ગુરુનાં વચનો આ ભ્રાંતિને ભેદનારા હોઈ પોતાના ભક્તોને ક્યાંય મોહ પામવા દેતા નથી. આ વચનોથી મુમુક્ષુને જગતનું સાચું જ્ઞાન થાય છે. પરિણામે વ્યક્તિને સદાય પરમ શાંતિનો અનુભવ થાય છે. આ જગતનાં દુ:ખો કે વિપરીત પરિસ્થિતિ પણ તેમના હૃદયની શાંતિને ખલેલ પહોંચાડી શકતાં નથી.
હા, એક વાર જયારે આ માયિક જગતનું સ્વરૂપ તત્ત્વે કરીને સમજાઈ જાય પછી ભક્તને તેમાં કોઈ જાતનું બંધન રહેતું નથી. પરિણામે તે સ્થિર બને છે, જગતનાં દુ:ખો અને દ્વન્દ્વોમાં તેની મતિ વિચલિત થતી નથી. તેને તો એક ભગવાનમાં જ નિર્બાધ અને અખંડ પ્રેમ રહે છે.
વર્ષો પહેલાંની વાત છે. ખંભાતના હરિભક્ત સદાશિવભાઈએ લાકડાની એક સુંદર હવેલી બંધાવી. હવેલી તેમના જીવમાં જડાઈ ગઈ હતી. તેમની ઈચ્છા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પધરામણી કરાવ્યા પછી હવેલીમાં રહેવા જવાની હતી. આથી તેઓ વડતાલ ગુણાતીતાનંદ સ્વામી પાસે હવેલીમાં પગલાં કરવા આવવાની પ્રાર્થના કરવા આવ્યા. ત્યારે સ્વામીએ તેમને થોડા દિવસ સત્સંગનો લાભ લઈને પછી જવા કહ્યું. આ દરમ્યાન સ્વામીએ તેમને સાંખ્ય અને જગતના નાશવંતપણાની ખૂબ વાતો કરી. થોડા દિવસ બાદ ખંભાતથી આવેલો પત્ર સ્વામીએ ગાદી નીચેથી કાઢીને તેમને આપ્યો. જેમાં હવેલી બળી ગયાના સમાચાર હતા. આ સમાચાર જાણવા છતાં સદાશિવભાઈને કંઈ પણ દુ:ખ થયું નહીં અને તેમણે સ્વામીને કહ્યું કે જો મને તમારો સત્સંગ ના થયો હોત તો અત્યારે હવેલી સાથે હું પણ આઘાતથી જરૂર બળીને મરી જાત. આમ સાચા ગુરુનાં વચનો આ જગતની વસ્તુમાંથી મોહ ટાળનારા હોય છે.
આમ, ગીતા કથિત અક્ષર અને પુરુષોત્તમના જ્ઞાનને અર્જુન ગૂઢ અને ગુહ્યજ્ઞાન કહીને ભ્રાંતિનિવારણ માટેનું કારણ બતાવે છે. બ્રહ્મસ્વરૂપ ગુરુ આ અધ્યાત્મના ગૂઢ જ્ઞાનને સરળ ભાષામાં પરિવર્તિત કરી સામાન્ય મનુષ્યને સમજાવે છે. તેને જીવનમાં ઉતારવાથી બ્રહ્મરૂપ થવાની પ્રક્રિયા સહજપણે કાર્યાન્વિત થાય છે. હા, ગીતાના આ ગૂઢ જ્ઞાનને આત્મસાત કરીએ તો જગતની ભ્રમજાળ તૂટે તે નિર્વિવાદ છે.