Homeમેટિનીભૂલ અને ભગવાન માનો તો જ દેખાય! મારી ભૂલે આજે મને ભગવાનને...

ભૂલ અને ભગવાન માનો તો જ દેખાય! મારી ભૂલે આજે મને ભગવાનને યાદ કરાવી દીધા

અરવિંદ વેકરિયા

આજની તારીખે પણ કહું છું કે “દેવયાની ઠક્કર વિષે મને આજે લેશમાત્ર રંજ નથી પણ આ નાટક માટે મને ભારોભાર કાસ્ટ કરવાનો વસવસો તો છે. ઘનશ્યામભાઈનાં કહેવાથી મેં નાટકના મુખ્ય પાત્ર માટે એમની વરણી કરી, તેઓ સામેથી મને તો કહેવા આવ્યાં જ નહોતાં કે દાદુ, મને કાસ્ટ કરો . ઠીક છે, કાસ્ટ કરવાની મારી ભૂલ મારે સ્વીકારવી જ પડે, ભૂલ અને ભગવાન માનો તો જ દેખાય. ! મારી ભૂલે આજે મને ભગવાનને યાદ કરાવી દીધા. મનમેળ હોય ત્યાં મમરા પણ સારા લાગે, પણ મનદુ:ખ ઊભું થયા પછી કાજુ-બદામ પણ ખોરા લાગે. મેં એમની મમ્મીને ચોખ્ખું કહી દીધું કે “મમ્મી, તમને ત્રણ વાગે ફોન કરીશ. જો ત્યાં સુધીમાં એમનો કોઈ મેસેજ ન આવ્યો હોય તો એમને કહી દેજો કે હું રીપ્લેશમેન્ટ શોધી લઈશ. ખબર નહિ કે આવું કહેવાની હિંમત મારામાં કેવી રીતે આવી ગઈ ! હું બહુ લાગણીશીલ છું. એમણે સાત દિવસ ભલે, એમને ગમતી અને મને અણગમતી, મહેનત તો કરેલી જ ને ! આજે પણ કહું છું કે મારું લક્ષ માત્ર નાટક હતું. એમણે પોતાના કમિટમેન્ટ માટે મને પહેલેથી કહ્યું હોત તો આ સાત દિવસમાં નાટક રજુ કરવાનો યજ્ઞ મેં માંડ્યો જ ન હોત. અથવા બીજા કોઈ કલાકાર સાથે મેં શરૂ કર્યો હોત. મને સાથી કલાકારોની મહેનત અને નિર્માતા સાથે ઘનશ્યામભાઈએ મૂકેલો વિશ્ર્વાસ જ દેખાઈ રહ્યા હતા.પાણી અમૂલ્ય છે, પણ મારા વિશ્ર્વાસ ઉપર ફરી વળે એ મને મંજૂર નહોતું.
એમના ઘરેથી બહાર નીકળી પહેલો ફોન મેં નયનબેનને કર્યો…
હું: હેલ્લો! નયનબેન….
નયનબેન: હા, બોલો અરવિંદભાઈ…સ્ક્રીપ્ટ પૂરી થવામાં જ છે..
હું: જુઓ, હું એમના મમ્મીને મળી આવ્યો છું. કહીને આવ્યો છું કે બપોરે ત્રણ સુધીમાં જો એમનો મેસેજ ન આવ્યો તો હું રીપ્લેશમેન્ટ એમનું કરી નાખીશ.
નયનબેન: ભગવાન કરે, એમનો મેસેજ અથવા પોતે જ આવી જાય. એવું થાય તો મારું અને તમારું ટેન્સન ઓછું થઇ જાય. અને અમારા સંબંધોનો પુલ સલામત રહે..હું માત્ર આપણા સંબંધ અને નાટકના હિત માટે આ કરવા તૈયાર થઇ છું બાકી…..
હું: જાણું છું નયનબેન, પણ હવે તો વિચારેલું વધાવી લેવું અને પછી ન થાય તો સહજતાથી સ્વીકારી લેવું એવું મેં નક્કી કર્યું છે, અને વાત રહી આપણા એથીક્સની તો હું ક્યાંય ખોટો નથી, એક ફોન ભલે મને નહિ, એની મમ્મીને કરીને પણ ન કહી શકે?
નયનબેન: ત્યાં શું પરિસ્થિતિ હોય એ આપણને અહીં કેવી રીતે ખબર પડે?
હું: માનું છું તમારી વાત! કામની જરૂર એમને હશે જ ! પણ એક ફોન કર્રીને મેસેજ આપવા કોઈ ફિલ્મ-નિર્માતા એમને રોકે એ વાત માનવા હું તૈયાર નથી.
નયનબેન: તમે પણ તમારી રીતે સાચા છો. ખેર ! તમે ચારેક વાગે ફોન કરી જણાવજો. જો કે મારું મન કહે છે કે મેસેજને બદલે એ ખુદ હાજર થઇ જશે.
હું: તો તમારા મોઢામાં ઘી-સાકર… પણ મારે મારા આ દુ:ખનું અને નાટકના હિતનું નિવારણ તો લાવવું જ પડશે ને! આ મારા અનુભવની વાર્તા છે જે ઙઊગ થી નહિ પણ ઙઅઈંગથી લખાઈ લાગે છે. એનીવે, હું જે અપ-ડેટ હશે એ બરાબર ચાર વાગે ફોન કરી જણાવીશ.
નયનબેન: ઠીક છે, જે હોય એ મને જણાવજો…
હું: પરિવર્તન અનિવાર્ય હોય છે. હું ફોન કરું છું…
આટલું કહી મેં ફોન મુક્યો. મગજમાં કેટકેટલી ગડમથલ ચાલતી રહી.
હું જાણતો હતો કે જયારે પણ અહમ અને વહેમની સ્પર્ધા થાય છે ત્યારે હાર ફક્ત સંબંધોની જ થતી હોય છે. પણ અહીં મારા અહમ કરતા નાટકની સર્વોપરિતા મુખ્ય હતી.
સમય પસાર થતા સમય નથી લાગતો. ઘડિયાળનાં કાંટા સેકંડ, મિનિટ અને કલાક પસાર કરતા જ રહે છે. લગભગ પોણા-ત્રણ થયા. ચટપટી એ વાતની હતી કે એમનો કોઈ મેસેજ આવે તો હું તરત નયનબેનને ફોન કરી પરિસ્થિતિ વાકેફ કરી શકું. એમને કાંદિવલીથી આવવાનું હતું. ડાયલોગ્સ મગજમાં રોપવા માટે પણ એ દ્વિધામાં હશે. સંબંધ અને નાટક બચાવવા એમણે મને ‘હા’ પાડી પણ એમની વાત પરથી એવું લાગ્યું કે એમનો માયલો પણ મુંઝાતો હતો.
મારી કાંડા ઘડિયાળે ત્રણનો સમય બતાવ્યો. છતાં મેં લગભગ ૩.૨૦ વાગે ફોન કર્યો…
હું: એલાઉ…( ફોન તરત ઊંચકાયો)
મમ્મી: કોણ?
હું: હું અરવિંદ વેકરીયા..
મમ્મી: ભાઈ, દેવયાનીનો કોઈ ફોન નથી આવ્યો. મને પણ હવે ચિંતા થાય છે…
હું: તમારી હાલત હું સમજી શકું છું. આમ વારેઘડીએ ફોન કરી તમને હેરાન કરું છું એ બાબત હું શરમ પણ અનુભવું છું. પણ મારી હાલત….
મમ્મી: જુઓ ભાઈ ! તમે સવારે આવેલા..હવે હું સામેથી તમને કહું છું કે તમારે જે નિર્ણય લેવો હોય એ લઇ લો. કદાચ ફોન આવશે તો હું એ જણાવી દઈશ.જેમ તમને શરમ એમ મને પણ એકનો એક જવાબ દેતા શરમ આવે છે.
આટલું બોલી એમણે ફોન ‘કટ’ કરી નાખ્યો. મેં તરત નયનબેનને ફોન કરી સાંજે પાંચ વાગે રિહર્સલમાં આવવાનું જણાવી દીધું.
બધા કલાકારોને પાંચ વાગ્યાનો સમય આપી જ દીધો હતો. હું શાંતિ નિવાસ પહોંચી ગયો. ધીમે-ધીમે બધા કલાકારો ભેગા થયા. માત્ર નયનબેન હજુ આવ્યાં નહોતાં. સ્વાભાવિક છે મેં એમને જણાવ્યા પછી કાંદિવલીથી નીકળ્યા હશે, એટલે થોડું મોડું થાય એ સહજ હતું.
લગભગ ૫.૪૫ વાગે નયનબેન આવ્યાં. મેં બધાને આખી બિના કહી સંભળાવી. નયનબેન વિષે મેં ઘનશ્યામભાઈને પહેલેથી જણાવતો રહેતો હતો. બધાએ સ્વીકારી લીધું કે હું ખોટો નહોતો.જો કે આ નિર્ણય લેવા માટે મારે મન પર પથ્થર જ મૂકવો પડેલો. દરેક કલાકાર સંવેદનશીલ હોય છે. પછી હું હોઉં કે દેવયાનીબેન. દુ:ખ એ વાતનું હતું કે એમણે બોલેલું પાળ્યું નહિ. …પથ અને શપથ ખોટા ન લેવા, એક આયુષ્ય ઘટાડે, બીજું આબરૂ!
અમે નયનબેન સાથે રિહર્સલ શરૂ કરી દીધા. પહેલા બે-સીન્સ ત્રણ વાર કર્યા. અનુભવી નયનબેનને ૯૦% તો મોઢે થઇ ગયું.
હવે ગુરુ-શુક્ર-શનિ, આ ત્રણ દિવસમાં મને ખાતરી હતી કે નયનબેન બરાબર તૈયાર થઇ જશે.
બીજે દિવસે, અને શુક્રવાર સુધીમાં અનુભવી નયનબેને ત્રણે-અંક મુવમેન્ટ સાથે યાદ કરી લીધા. શનિવારે રન-થ્રુ કરી એમને મ્યુઝિક સાથે કરાવવા બધા સાંજે પાંચ વાગે મળ્યા. પહેલું રન-થ્રુ આઠ વાગે પૂરું થયું. ત્યાં શાંતિ નિવાસ હોલનો વોચમેન ઉપર આવ્યો. મને કહે, અરવિંદભાઈ, કોઈ તરી તુમ્હાલા ખાલી બોલવતે. મેં પૂછ્યું કે ‘કોણ છે? તો મને કહે, તે માલા માહિત નાહી. દોન માણૂસ ગાડી મળી બસલે આહે’.
હું વિચારમાં પડ્યો કે કોણ હશે?
ખોલી જિંદગીની કિતાબ તો થોડી ધૂળ નીકળી,
એમાં કઈ પણ નથી લખાણ, છતાં ઘણી ભૂલ નીકળી.
———-
૪૦ વર્ષ હાઈ કોર્ટમાં વકીલાત કરતા મશહૂર વકીલને એક માણસે પ્રશ્ર્ન કર્યો…
ઘર-જમાઈ રહેલા માણસની બૈરી બીજા સાથે ભાગી જાય પછી જમાઈ સસરાના ઘરમાં રહી શકે?
પેલાએ વકીલાત જ છોડી દીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -