બાળપણમાં કાનુડાએ એક વાર માતા જશોદાને એક પ્રશ્ર્ન પૂછ્યો હતો કે મૈયા રાધા કેમ ગોરી છે અને હું કેમ શ્યામ છું. ત્યારે માતાએ જવાબ આપ્યો હતો કે બેટા રાધાનો જન્મ ધોળે દિવસે થયો હતો, જ્યારે તારો જન્મ કાળી ડિબાંગ રાત્રિએ થયો હતો. ત્યાર બાદ કાનુડાને દુખ ન થાય એટલા માટે માતા જશોદાએ સાંત્વના આપતા કહ્યું હતું કે જો આ કાળા ગોરાનો ભેદ મિટાવવો હોય તો એક કામ કર. રાધાના ચહેરા પર રંગ લગાડ. તેનો ધોળો વાન ઢંકાઈ જશે. એ જ રીતે તારા ચહેરા પર રંગ લાગશે તો તારો કાળો વાન પણ છુપાઈ જશે.
વસંતઋતુના એ દિવસો હતા. ગરમીની શરૂઆત હતી. પલાશના વૃક્ષો પર કેસૂડાના ફૂલો ખીલી ઉઠ્યા હતા. કનૈયાએ અને રાધાએ કેસૂડાના પાણીને પિચકારીમાં ભરી એકબીજા પર છાંટ્યું. બેઉ જણ પોતપોતાના રંગ ભૂલી અલગ જ રંગમાં રંગાઈ ગયા.
એ જ દિવસથી ઉત્તર ભારતમાં રંગોથી ધૂળેટી રમવાનું શરૂ થયું. રાધાનો ગોરા હોવાનો ગર્વ અને કનૈયાનો શ્યામ હોવાનો ક્ષોભ નાશ પામ્યો. જાણે રંગપર્વ એ રંગોના ભેદનો નાશ કર્યો.
માણસે કોઈ વાતને લઈ ઘમંડ પણ ન કરવો જોઈએ અને કોઈ વાતને લઈ નિરાશા પણ ન અનુભવવી જોઈએ એ વાત પણ ઉપરોક્ત દ્રષ્ટાંતથી સમજવી જોઈએ.
રંગ પર એક કવિની લોકપ્રિય રચના અત્રે યાદ આવે છે.
‘કાળો વરસાદ નથી મારા તે દેશમાં કે નથી પીળો વરસાદ તારા દેશમાં ,
તો ય આપણે તો સહુ અહીં ધૂમી રહ્યા સહુ ચામડીના ખોટા ગણવેશમાં’
વાત તો સાચી છે. ચામડીના રૂપરંગ તો ગણવેશ જેવા જ છે, માણસનું અસલી વ્યક્તિત્વ તો તેના સ્વભાવમાં છુપાયું છે. જે અંતરથી રૂપાળો છે તેને મન બહારના રંગરૂપની કોઈ કિંમત નથી. જેનું દિલ સારું છે તેણે વાનની ચિંતા કરવાની ન હોય.
મનોજ કુમારની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ર્ચિમ’ના ગીતની એક કડી યાદ રાખવા જેવી છે.
‘કાલે ગોરે કા ભેદ નહી હર દિલ સે હમારા નાતા હૈ’
સાચે જ આપણે ધુળેટીના દિવસે રંગોના ભેદ ભૂલીને રંગનો પર્વ મનાવવો જોઈએ. માત્ર રંગભેદ જ શુ કામ? તમામ પ્રકારના જાતિભેદ કે મતભેદોને હોળીમાં હોમી દઈ પ્રેમ અને ક્ષમા ભાવના રંગોથી રમીને આ તહેવારને વધુ રંગીન બનાવવો જોઈએ.
-મુકેશ પંડયા