(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યની આવનારી પેઢીને આગામી સમય માટેની ટૅક્નોલૉજીથી સુસજજ કરવા ગુગલ જેવી ખ્યાતનામ કંપનીઓ સાથે મળીને પ્રયાસરત રહેવાની નેમ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી હતી. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે આવનારા ૩ અઠવાડિયામાં રાજ્ય સરકારનો સાયન્સ ટૅક્નોલૉજી વિભાગ અને ગુગલ સાથે મળીને ૧૦ હજાર જેટલા લોકોને સાયન્સ સિટીમાં તાલીમ આપશે.
નેશનલ સાયન્સ-ડે અવસરે અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ-ર૦ર૩નો પ્રારંભ કરાવતા તેમણે વધુમાં જણાવ્યું કે, વિકાસના આગવા વિઝન અને વિશ્ર્વકક્ષાની સુવિધાઓ ગુજરાતમાં નિર્માણ કરવાની વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિ આ સાયન્સ સિટી દ્વારા આપણે જોઇ શકીએ છીએ. બાળકોને નાનપણથી જ વિજ્ઞાન ટૅક્નોલૉજીમાં અભિરૂચિ કેળવવા તેમણે શરૂ કરાવેલી સાયન્સ સિટી આજે વર્લ્ડકલાસ સાયન્સ સિટી બની ગઇ છે.
એટલું જ નહિ, આ આખોય દશક તેમણે ટૅક્નોલૉજીનો દશક ટેકેડ બનાવ્યો છે. ગુજરાતની વર્તમાન સરકાર પણ આ જ પરંપરાને અનુસરીને જિલ્લા મથકોએ સાયન્સ સેન્ટર્સ સ્થાપવાની દિશામાં આગળ વધી રહી છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ગામડાના અને છેવાડાના બાળકોને પણ નજીકના સ્થળે સાયન્સ સિટી જેવી વિજ્ઞાન નગરીની સુવિધા આપી આવનારા દિવસોમાં નોલેજ બેઇઝ્ડ સોસાયટી ઊભી કરવી છે.
આ પ્રસંગે મુખ્ય સચિવ રાજ કુમારે જણાવ્યું કે, જેમના સંશોધનને ઉજવવા આપણે એકઠા થયા છીએ તેવા સી.વી. રમને જ્યારે રમન થિયરીની શોધ કરી હતી તે વખતે ભારત ગુલામી હેઠળ હતું. વર્તમાન સમય જેવી સુવિધાઓના અભાવમાં પણ વિજ્ઞાન પ્રત્યેના સી. વી. રમનના લગાવને કારણે તેઓ શ્રેષ્ઠ યોગદાન આપી શક્યા.
આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલૉજીના સેક્રેટરી વિજય નેહરાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ માં ૧૨ લાખ લોકોએ સાયન્સ સીટીની મુલાકાત લીધી છે. જ્યારે જાન્યુઆરી-૨૦૨૩ના એક જ મહિનામાં ૨ લાખ લોકોએ સાયન્સ સીટીની મુલાકાત લીધી છે.