Homeલાડકી‘ઈપ્ટા’ અને ‘ગર્મ હવા’: શબાના અને બાબા

‘ઈપ્ટા’ અને ‘ગર્મ હવા’: શબાના અને બાબા

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

નામ: શૌકત કૈફી
સ્થળ: મુંબઈ
સમય: ઓક્ટોબર, ૨૦૧૮
ઉંમર: ૯૩ વર્ષ
(ભાગ:૫)
બે-ચાર દિવસ તો અમારા લગ્નનો આનંદ હું લેતી રહી, એ જ દિવસોમાં ભારત આઝાદ થયું હતું. ગોવાલિયા ટેન્ક સુધી એક જુલૂસ નીકળ્યું. હું પણ કૈફીનો હાથ પકડીને એ જુલૂસમાં ચાલી આવી. પરંતુ એક દિવસ પી.સી. જોશી મને મળવા આવ્યા. ઈન્ડિયન પીપલ્સ થિયેટર (જે કમ્યુનિસ્ટ પાર્ટીનું ઓર્ગેનાઈઝેશન હતું) એમાં પી.સી. જોશી અગત્યની ભૂમિકા ભજવતા હતા. એમણે કહ્યું, ‘આખો દિવસ તું શું કરે?’
‘કંઈ નહીં’ મેં શરમાઈને કહ્યું.
‘કમ્યુનિસ્ટની પત્ની ક્યારેય નવરી ન બેસી શકે. તારે તારા પતિ સાથે પાર્ટીનું કામ કરવું જોઈએ, પૈસા કમાવા જોઈએ અને જ્યારે બાળકો જન્મે ત્યારે એમને સારા ભારતીય નાગરિક બનાવવા જોઈએ તો જ તું કમ્યુનિસ્ટની પત્ની સાચી’ આ વાતની મારા પર બહુ અસર થઈ ગઈ. પી.સી. જોશીએ મને એ પણ કહ્યું કે, મહિને ૩૦ રૂપિયા મારા ખાવા-પીવા અને રહેવાના કૈફીએ ચૂકવવા પડે છે કારણ કે, કમ્યુનમાં કોઈ મફત રહી શકે નહીં. બીજું કંઈ નહીં તો મારે મારી જવાબદારી ઉપાડવી જોઈએ. હું આખો દિવસ વિચારતી રહી… પ્રેમ ધવન ફિલ્મોમાં ગીતો લખતા. મેં એમને કહ્યું, ‘મને કોરસમાં કામ અપાવો.’ એમણે બીજે દિવસે મને એસ.ડી. બર્મનને મળવા લઈ જવાનું વચન આપ્યું. હું રિહર્સલ કરીને ગઈ. એસ.ડી. દાએ મને પસંદ કરી લીધી. એ દિવસે ત્યાં એક બહુ જ ખૂબસૂરત છોકરાને મળી. મને પછીથી ખબર પડી કે એ ગાયક મુકેશ હતા. અઠવાડિયું મહેનત કર્યા પછી મને ૩૦ રૂપિયા મળ્યા. મેં કૈફીના હાથમાં એ પૈસા મૂક્યા ત્યારે મારી આંખોમાં જે આનંદ હતો એ જોઈને કૈફી રડી પડ્યા.
પછી તો મને ડબિંગનું કામ મળવા લાગ્યું. જેમાં ક્યારેક ૨૦૦ તો ક્યારેક ૫૦૦ રૂપિયા પણ મળી જતા. ‘ઈપ્ટા’ (ઈન્ડિયન પીપલ્સ થિયેટર) એ દિવસોમાં ખૂબ કામ કરતું. બલરાજ સહાની, ભિષ્મ સહાની, ખ્વાજા અહેમદ અબ્બાસ, પૃથ્વીરાજ કપૂર, મોહન સહેગલ, દીના પાઠક વગેરે તરક્કીપસંદ (પ્રોગ્રેસિવ) નાટકો કરતાં. ખ્વાજા અહેમદ અબ્બાસના પત્ની મુજ્જા બીવી એક દિવસ મને પૂછવા લાગ્યા, ‘તું એક્ટિંગ કરીશ? આ ડ્રામા ભિષ્મ સહાની ડાયરેક્ટ કરે છે.’ હું ખુશીથી પાગલ થઈ ગઈ. મેં જ્યારે કૈફીને કહ્યું ત્યારે એમણે મને પૂછ્યું, ‘કર પાઓગી?’ મેં પૂછ્યું, ‘આપકો ભરોસા હૈ?’ એમણે વહાલથી હા પાડી…
ડ્રામાના રિહર્સલ શરૂ થયા. જોહરા સાયગલ, પૃથ્વીરાજ કપૂર જેવા લોકોને મળવાનું થયું. નાટક ખૂબ સારૂં રહ્યું અને પછી તો ભિષ્મ સહાનીએ મને બીજા નાટકમાં મુખ્ય રોલ ઓફર કર્યો… ૧૯૪૮માં મારા પહેલાં બાળકનો જન્મ થવાનો હતો ત્યારે કૈફી મને પોતાના ઘરે લખનઉ લઈ ગયા. હું બુરખો નહોતી પહેરતી. કૈફીના વાલિદ આઝમગઢના એક નાનકડા ગામ મિઝ્વાંના જમીનદાર હતા. એમના અમ્મીએ મને પહેલે જ દિવસે કહ્યું, ‘દુલ્હન અમારે ત્યાં બેપર્દગી (બુરખો નહીં પહેરવાની પરંપરા)ને બેશરમી સમજવામાં આવે છે’ હું કંઈ બોલી નહીં. એમણે પણ બહુ આગ્રહ રાખ્યો નહીં, પણ એ મને બહાર આવવા દેતા નહીં. અબ્બા ઘરમાં ખોંખારો ખાઈને દાખલ થતા… મારો દીકરો ૨૬ એપ્રિલ, ૧૯૪૮ના દિવસે જન્મ્યો. બધા પૂછવા લાગ્યા, દીકરો આવ્યો કે દીકરી? મારી સાસુએ મોઢું બગાડીને કહ્યું, ’દીકરી…’ મેં નવાઈથી પૂછ્યું, ‘પણ મને તો દીકરો થયો છે’ સાસુએ મોઢા પર આંગળી રાખીને કહ્યું, ‘ચૂપ, નજર લાગી જાય…’ એ પછી ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ના દિવસે શબાના જન્મી. મોટી મોટી આંખો, નાનકડું ગુલાબી શરીર. ઈસ્મત આપા અને એમના પતિ શાહિદ લતીફ એ દિવસોમાં અમારી બહુ મદદ કરતા. એમણે ૧૫ દિવસ મને પોતાના ઘરે રાખી અને શબાનાને પોતાની દીકરીની જેમ સાચવી… શબાનાની પહેલાં જન્મેલો દીકરો એક વર્ષનો થઈને ગુજરી ગયો… શબાનાના જન્મ પછી બે વર્ષે બાબા જન્મ્યો.
એ પછીના દિવસો બહુ જ સંઘર્ષ અને જિંદગીને નવેસરથી ગોઠવવાના દિવસો હતા. કૈફીએ ફિલ્મો લખવાનું શરૂ કર્યું હતું. મારા નાટકો પણ સારા ચાલવા લાગ્યા. શબાના અને બાબા મોટા થવા લાગ્યા. શબાનાનો રસ થિયેટર તરફ વધારે હતો, જ્યારે બાબા ચૂપ રહેતો. બહુ તોફાની કે બીજાઓ સાથે બહુ મિક્સ ન થતો. એ પછી પૃથ્વી થિયેટરની સ્થાપના થઈ. ૧૯૫૧માં પાપાજી (પૃથ્વીરાજ કપૂરે) મને એમની સાથે જોડાવાનું કહ્યું. નાટક પૂરું થાય ત્યારે પૃથ્વીરાજજી દરવાજા ઉપર એક જોળી લઈને ગરદન નીચે કરીને ઊભા રહેતા. બહાર નીકળતા લોકો જોળીમાં જેટલા પૈસા નાખે એ મેનેજરને આપીને એ અંદર ચાલી જતા. આ પૈસા થિયેટરના વર્કર ફંડમાં જમા થતા. એ વખતે મારો પગાર સો રૂપિયા હતો અને પૃથ્વી થિયેટરની મહિનાઓ સુધી ચાલતી ટૂરમાં હું છોકરાંઓને સાથે લઈને જતી… એ પછી ઈપ્ટામાં સંજીવ કુમાર, એ.કે. હંગલ, વિશ્ર્વામિત્રા આદિલ જેવા લોકો આવવા લાગ્યા. પૃથ્વી થિયેટરના નાટકો ચાલી રહ્યા હતા. મારો પગાર ૨૫૦ રૂપિયા થઈ ગયો હતો. એવામાં એક દિવસ અભિનેતા સજ્જન મારે ઘરે આવ્યા. એમણે મને કહ્યું, ’મેં એક નવું થિયેટર ગ્રૂપ શરૂ કર્યું છે જેનું નામ ત્રિવેણી રંગમંચ છે. એનું એક નાટક ‘પગલી’માં હું તને પાત્ર આપવા માગું છું.’ હું સજ્જનના નાટકોમાં કામ કરવા લાગી. એના નાટકના રિહર્સલ કરતી હતી ત્યારે શબાના દસ વર્ષની હતી. શબાનાએ મને રિહર્સલ કરતી જોઈ અને એ દોડીને કૈફીના રૂમમાં ગઈ. રડતાં રડતાં કહેવા લાગી, ‘અબ્બા અમ્મી પાગલ હો ગઈ હૈ’ કૈફીએ કલમ બંધ કરી અને શબાનાને સમજાવી, ‘તને ખરેખર લાગ્યું ને? એ જ તારી માના અભિનયનો કમાલ હતો’.
૧૯૭૦-‘૭૧માં ફિલ્મો બનવા લાગી. ઈપ્ટાના લોકોએ પણ પોતાની ફિલ્મો બનાવી. જેમાં ‘ગર્મ હવા’ને ખૂબ એવૉર્ડ્સ મળ્યા. આજ સુધી લોકો માને છે કે, ભારતના ભાગલા ઉપર આવી ફિલ્મ હજી સુધી નથી બની.
એ દિવસોમાં અમે રેડ ફ્લેગ (હરકિશનદાસ હૉસ્પિટલનો ભાગ) નું ઘર છોડી દીધું. અમે જાનકી કુટિરમાં રહેવા આવ્યા. ૨૫ રૂપિયા ભાડું અને દરિયાની સાવ નજીક. મેં એ ઘરને ખૂબ સુંદર બનાવ્યું. બહાર એક વરંડો કરાવ્યો. ત્રણ ફૂટ ઊંચી દીવાલ કરાવી અને એ દીવાલ ઉપર પ્લાસ્ટર કરવા માટે પૈસા નહોતા એટલે હું, શબાના અને બાબા જુહુ બીચ પર જઈને ખૂબ બધા છીપલા અને નાના પથ્થરો લઈ આવ્યા. સિમેન્ટ લગાવીને એના ઉપર અમે છીપલા જડી દીધા. એ દીવાલ એટલી ખૂબસૂરત લાગવા માંડી કે શબાનાએ આજ સુધી એના પર પ્લાસ્ટર નથી કરાવ્યું.
શબાના અને મારા પહેલાં દીકરાની વચ્ચે બે વર્ષનો ફરક હતો જે એક વર્ષનો થઈને ગુજરી ગયો. શબાના પછી બાબાનો જન્મ થયો. એણે મારા દીકરાની ખોટ પૂરી. શબાનાને એના અબ્બા બહુ વહાલા અને મારું ધ્યાન થોડું બાબા તરફ વધારે હતું. એક દિવસ બંને છોકરાંઓ સ્કૂલે જતાં પહેલાં નાસ્તો કરતાં હતા ત્યારે શબાનાની પ્લેટમાં ટોસ્ટ હતો. મેં કંઈ વિચાર્યા વગર જ શબાનાને કહ્યું, ’તારો ટોસ્ટ બાબાને આપી દે. તારી બસ આવવાને હજી વાર છે.’ શબાના કંઈ ન બોલી. ઊભી થઈને બાથરૂમમાં જતી રહી અને ખૂબ રડવા લાગી. ત્યાં સુધીમાં માણસ નવી બ્રેડ લઈને આવી ગયો, અને મેં શબાનાને ટોસ્ટ બનાવી આપ્યો, પણ એ છોકરીએ સ્કૂલની લેબમાં જઈને મોરથુથુ ખાઈ લીધું… જોકે, એ જૂનું હતું એટલે એનું ઝેર રહ્યું નહોતું. એ દિવસે મેં શબાનાને બે કલાક સમજાવી! એકવાર એણે મારી સાથે ખરાબ રીતે વાત કરી અને મેં એને થપ્પડ મારી તો સ્કૂલેથી આવતા ગાડીમાંથી ઉતરીને એ ગ્રાન્ટ રોડ સ્ટેશનના પાટા પર ચાલવા લાગી. સ્કૂલ બસના ડ્રાઈવરે એને પકડીને ઘસડી અને બસમાં બેસાડી!
એની સામે બાબા ખૂબ ડાહ્યો અને શાંત. એની ડિમાન્ડ્સ પણ ઓછી. મેટ્રિક પાસ કરીને એણે ત્રણ મહિના નોકરી કરી. સો રૂપિયા લાવીને મારા હાથમાં આપ્યા. બી.એ. કર્યા પછી એણે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું. એની પાછળ પાછળ બાબા પણ ઈન્સ્ટિટ્યૂટમાં ગયો, પણ એણે ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફીનો કોર્સ કર્યો… બાબાને જાનવરો માટે અતિશય પ્રેમ છે. એક કામિયાબ કેમેરામેન છે, પણ એનો જાનવરો માટેનો પ્રેમ હજી પણ એટલો જ છે.
૧૯૭૩ના એન્ડમાં જ્યારે હું ‘ગર્મ હવા’નું શૂટ કરીને પાછી આવી ત્યારે આદિલે મને કહ્યું કે, કૈફીની તબિયત સારી નથી.
૯ ફેબ્રુઆરી, ૧૯૭૩ના દિવસે કૈફી મ્યુઝિક ડિરેક્ટર રોશનને ત્યાં એક પાર્ટીમાં ગયા. પાછા આવ્યા ત્યારે ચાર જણાં એમને ઊંચકીને લાવ્યા. એમને પલંગ પર સૂવડાવ્યા. ચેતન આનંદને ફોન કર્યો, એ આવ્યા અને ડો. મધોકને સાથે લઈને આવ્યા. ડો. મધોકે ચેક કર્યું તો બ્લડ પ્રેશર ૧.૬૦ હતું. એમણે હસીને કહ્યું, ‘કંઈ નહીં, થોડું વધારે પી લીધું છે, કાલે ઠીક થઈ જશે’. ઘરમાં હું અને બાબા બે જ જણાં હતા…
બીજે દિવસે સવાર પડે એ પહેલાં કૈફીનું ડાબું અંગ અકડાવા લાગ્યું. હાથ-પગ લાકડા જેવા થઈ ગયા અને એમણે થોડી બેહોશીમાં કહ્યું, ‘હું હાથ હલાવી નથી શકતો.’ મને તરત સમજાઈ ગયું કે આ લકવાની અસર છે…
એ પછી કૈફી ક્યારેય ઊભા ન થઈ શક્યા.(સમાપ્ત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -