નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારે જાહેરાત કરી હતી કે ટેકનીકલ કોર્સ પણ વિદ્યાર્થીઓ માતૃભાષામાં ભણી શકાશે. આ માટે ટેકનીકલ કોર્સના પુસ્તકોનું ગુજરાતી ભાષામાંમાં ભાષાંતર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એન્જિનિયરિંગના વિવિધ કોર્સના પ્રથમ વર્ષના પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ માટે રૂ.20 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ એક પણ વિદ્યાર્થીએ એન્જિનિયરિંગના અભ્યાસ માટે ગુજરાતી માધ્યમની પસંદગી કરી નથી. આમ સરકારની યોજનાનો ફિયાસ્કો થયો છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ એન્જીન્યરીંગના પ્રથમ વર્ષના અભ્યાસક્રમનું ગુજરાતીમાં ભાષાંતર કરવા રૂ.20 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. હાલ બીજા વર્ષના અભ્યાસક્રમના ભાષાંતરની પ્રક્રિયા ચાલુ છે. પરંતુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી(GTU)માં એકપણ વિદ્યાર્થીએ એન્જિનિયરિંગ માટે ગુજરાતી માધ્યમમાં પ્રવેશ લીધો નથી. ત્રણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ એ પૈકી એક પણ વિદ્યાર્થી કોલેજમાં હાજર થયો નથી.
ટેકનિકલ કોર્સ સહીત મેડિકલ કોર્સના પુસ્તકોનું પણ ગુજરાતીમાં ભાષાંતર કરવાની પ્રક્રિયા ચાલુ છે. મળતી માહિતી મુજબ આઈઆઈટી-બોમ્બેના સહયોગથી એન્જિનિયરિંગના પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધી પ્રથમ વર્ષના 20 પુસ્તકોનું ભાષાંતર થઈ ચૂક્યું છે, જ્યારે દ્વિતીય વર્ષના 40 પાઠ્યપુસ્તકોનું ભાષાંતર ચાલી રહ્યું છે.