શિવકુમાર નાયબ મુખ્ય પ્રધાન: ૨૦મી મેએ શપથગ્રહણ
નવી દિલ્હી: કર્ણાટકમાં સસ્પેન્સનનો અંત લાવતા કૉંગ્રેસે ગુરુવારે સિદ્ધારામૈયાને કર્ણાટકના આગામી મુખ્ય પ્રધાન તરીકે અને પીસીસી પ્રમુખ ડી. કે. શિવકુમારને ટૂંક સમયમાં રચાનાર કેબિનેટમાં તેમના એકમાત્ર નાયબ મુખ્ય પ્રધાન તરીકેની જાહેરાત કરી હતી. આ બન્ને નેતાઓ જેઓ ટોચના પદ માટેની સ્પર્ધામાં હતા તેઓ ૨૦ મેના રોજ અન્ય પ્રધાનો સાથે શપથ લેશે અને તમામ સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરવામાં આવશે.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ૧૩ મેના રોજ પક્ષનો વિજય થયો ત્યારથી ભારે ચર્ચા બાદ લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત કરતાં જનરલ સેક્રેટરી (સંગઠન) કે. સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે ટોચના નેતૃત્વ સહિત તમામ નેતાઓએ કર્ણાટકના વિજયને વાસ્તવિક બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી. અમે કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે સિદ્ધારા મૈયાનું નામ નક્કી કર્યું છે. ડી. કે. શિવકુમાર એકમાત્ર નાયબ મુખ્ય પ્રધાન હશે. શિવકુમાર સંસદીય ચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી પક્ષના કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ ચાલુ રહેશે.
તેમણે જણાવ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહ ૨૦ મેના રોજ બપોરે ૧૨.૩૦ વાગ્યે યોજાશે. આ જ પત્રકાર પરીષદમાં પક્ષના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા પાંચ વચનોને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને કેબિનેટની પ્રથમ બેઠકમાં તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. સિદ્ધારા મૈયા અને શિવકુમાર વચ્ચે બહુચર્ચિત સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા વિશે પૂછવામાં આવતા વેણુગોપાલે જણાવ્યું હતું કે કર્ણાટકના લોકો સાથે સત્તાની વહેંચણી કરવાની એકમાત્ર ફોર્મ્યુલા છે. અમારો લોકતાંત્રિક પક્ષ છે અમે સર્વસંમતિમાં માનીએ છીએ, સરમુખત્યારશાહીમાં નહીં, એમ તેમણે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી જોરદાર ચર્ચાઓ પર જણાવ્યું હતું.
‘અદ્ભૂત’ વિજય માટે રાજ્યના લોકો અને કર્ણાટકના પક્ષના નેતાઓને શ્રેય આપતા તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણી સ્પષ્ટપણે ગરીબ અને અમીર વચ્ચેની લડાઈ હતી અને ગરીબ અને મધ્યમ વર્ગ કૉંગ્રેસ પક્ષની સાથે રહ્યો છે. તેમણે ચૂંટણીમાં જીત માટે ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને શ્રેય આપ્યો હતો અને પ્રચાર અને પક્ષને માર્ગદર્શન આપવા બદલ તેમનો આભાર માન્યો હતો.
વેણુગોપાલે જણાવ્યું હતું કે કૉંગ્રેસની જીતની શરૂઆત ભારત જોડો યાત્રાના સમયથી કરવામાં આવી હતી અને રાહુલ ગાંધીના ઉત્સાહી અભિયાન અને માર્ગદર્શન માટે આભાર માન્યો હતો. સિદ્ધારમૈયા વરિષ્ઠ રાજકારણી અને સક્ષમ પ્રશાસક છે જેમણે આ ચૂંટણીમાં ઘણું યોગદાન આપ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે શિવકુમારે રાજ્યમાં ચૂંટણી ઝુંબેશને ગતિ આપી હતી. બંને કૉંગ્રેસ પક્ષની મોટી સંપત્તિ છે અને બંને મુખ્ય પ્રધાન બનવાની તેમની ઇચ્છાને ન્યાયી ઠેરવતા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને નેતાઓ મુખ્ય પ્રધાન બનવા માટે સક્ષમ છે અને કોંગ્રેસ “પારદર્શક, પ્રામાણિક અને સ્થિર સરકાર” પ્રદાન કરશે જે રોલ મોડેલ તરીકે કામ કરશે. (પીટીઆઇ)