અમિત શાહની હાજરીમાં બન્ને રાજ્યના મુખ્ય પ્રધાનો વચ્ચે કરાર
નવી દિલ્હી: આસામ-અરુણાચલ પ્રદેશ વચ્ચે દાયકાઓથી ચાલતા સીમાવિવાદનો ગુરુવારે અંત આવ્યો હતો અને બંને રાજ્યની સરકારે ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં આ અંગેના કરાર પર સહી કરી હતી.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્મા અને અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પ્રેમા ખંડુએ આ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર સહી કરી હતી.
અમિત શાહે આ કરારને ઐતિહાસિક લેખાવ્યા હતા અને કહ્યું હતું કે આ કરારને કારણે બંને રાજ્ય વચ્ચેના સીમાવિવાદનો અંત આવ્યો છે.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વાએ આ કરારને મોટી અને સફળ ક્ષણ લેખાવી હતી.
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પ્રેમા ખંડુએ પણ આ કરારને ઐતિહાસિક લેખાવ્યા હતા.
અરુણાચલ પ્રદેશ સાથે દાયકાઓના સીમાવિવાદનો ઉકેલ લાવવા રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી ૧૨ પ્રાદેશિક સમિતિઓએ કરેલી ભલામણને આસામ કેબિનેટે ૧૯ એપ્રિલે મંજૂરી આપી હતી.
મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વાના અધ્યક્ષપદ હેઠળ યોજવામાં આવેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રધાનમંડળના નિર્ણયની જાહેરાત કરતા આસામના પ્રધાન અશોક સિંઘલે કહ્યું હતું કે આ સાથે જ લાંબા સમયથી બંને રાજ્ય વચ્ચે ચાલી રહેલા સીમાવિવાદનો અંત આવ્યો છે.
રાજ્યમાં આઠ મેગા પ્રોજેક્ટ માટે રૂ. ૮,૨૦૧.૨૯ કરોડના રોકાણને પણ રાજ્ય પ્રધાનમંડળે મંજૂરી આપી દીધી છે અને નવમી મેએ એ અંગેના કરાર પર સહી કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
૧૯૭૫ની કટોકટીના ૩૦૧ લોકતંત્ર સેનાનીને માસિક રૂ. ૧૫,૦૦૦ પેન્શન આપવાના પ્રસ્તાવને પણ રાજ્ય પ્રધાનમંડળે મંજૂરી આપી દીધી છે, એમ તેમણે કહ્યું હતું.
આ ઉપરાંત રાજ્ય પ્રધાનમંડળે ઓઈલ ઈન્ડિયા લિ. (ઓઆઈએલ) અને આસામ ગૅસ કંપની (૫૧ ટકા હિસ્સો)ને સંયુક્ત રીતે ગૅસ સેવા પૂરી પાડવાની પણ મંજૂરી આપી દીધી છે, એમ તેમણે કહ્યું
હતું. (એજન્સી)