રાજોરીઃ જમ્મુ કાશ્મીરના રાજોરીમાં સુરક્ષાદળના જવાનો અને આતંકવાદીઓની વચ્ચેની અથડામણ ચાલુ છે, જેમાં પાંચ જવાન શહીદ થયા છે, જ્યારે ચાર અધિકારી ઘાયલ થયા છે. હાલના તબક્કે સર્ચ ઓપરેશન ચાલુ છે, જ્યારે ઈન્ટરનેટની સેવા સ્થગિત કરવામાં આવી છે, એમ વહીવટી પ્રશાસને જણાવ્યું હતું.

શુક્રવારે સવારના સાડાસાત વાગ્યાના સુમારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજૌરીના ખેસારી પહાડી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળના જવાનોની વચ્ચેની આમનેસામને ગોળીબારમાં ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે. અહીંના સેક્ટરમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં સવારે ત્રણ જવાને જીવ ગુમાવ્યો હતો, ત્યારબાદ બે જવાન શહીદ થયા છે. હાલમાં ઓપરેશન ચાલુ છે, એમ આર્મીએ જણાવ્યું હતું.

એક અહેવાલ મુજબ આર્મીની ટીમ દ્વારા રાજૌરી સેક્ટરમાં કંડી વનવિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે આ બનાવ બન્યો હતો. મંગળવારે જમ્મુના ભાટા ધુરિયનના તોતા ગલી વિસ્તારમાં આર્મીની એક ટ્રકને નિશાન બનાવવામાં આવ્યા પછી આર્મી દ્વારા ત્યારથી આતંકવાદીઓની વિરોધમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અહીંના વન વિસ્તારમાં વનસ્પતિ અને પર્વતીય વિસ્તારમાં આવેલી એક ગુફામાં આતંકવાદીઓ હોવાની માહિતી મળ્યા પછી ગુરુવારે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આર્મીની ટીમ દ્વારા સવારના સાત વાગ્યાથી આતંકવાદીઓની વચ્ચે અથડામણ ચાલુ હતુ. એ વખતે આમને સામને ગોળીબાર કરવામાં આવ્યા પછી બચવા માટે આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો હતો, એમ આર્મના અધિકારીએ જણાવ્યું હતું.