સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
બાંધકામની પરંપરાગત સામગ્રીનો નવીનતમ ઉપયોગ
ઔદ્યોગિક ક્રાંતિથી સમાજનાં અન્ય ક્ષેત્રોની સાથે સાથે સ્થાપત્યમાં પણ નવી હવાનો સંચાર કરી ગઈ. બંને વિશ્ર્વના અંતની સાથે પણ સ્થાપત્યમાં નવી સંભાવનાઓ ખુલી હતી. વિશ્ર્વયુદ્ધ માટે હવાઈ જહાજ બનાવવા જે ધાતુ વપરાતી તે ધાતુની ખપત વિશ્ર્વયુદ્ધ સમાપ્ત થતાં સાવ જ ઘટી ગઈ અને તેને બાંધકામના ક્ષેત્રમાં લવાઈ. આ એલ્યુમિનિયમ આજે સ્થાપત્યમાં અગત્યની સામગ્રી ગણાય છે. તેની ખાસિયતોનો સ્થપતિ તથા ઈજનેરોએ અસરકારક ઉપયોગ કરેલો છે.
સ્થાપત્યમાં ઉઘડતી નવી સંભાવનાઓ પાછળ ઘણાં પરિબળો ભાગ ભજવી જાય છે. આ પરિબળો ક્યાંક બાંધકામની સામગ્રી અને તેના ઉપયોગની તકનિકના પ્રયોગો પર આધારિત હોય છે તો ક્યાંક વ્યક્તિગત તથા સામાજિક મૂલ્યોમાં આવેલો બદલાવ કારણભૂત બને છે. નવી સંભાવનાઓ ક્યારેક આર્થિક સમીકરણ આધારિત હોય તો ક્યારેક પર્યાવરણના પ્રશ્ર્નો અગત્યના બની રહે. બાંધકામના લાગુ પડતા કાયદા તથા ચોક્કસ વિચારધારાનું પ્રભુત્વ પણ નવી સંભાવનાઓ ખોલી આપે છે, કારણો ઘણાં છે અને તે દરેક પાછળ કારણો છે; છતાં પણ ચોક્કસ પ્રકારનો અભિગમ નવી સંભાવનાઓને સારી માત્રામાં નિયંત્રિત કરે છે.
માનવ હવે વૈશ્ર્વિક બનતો જાય છે. એક સમય હતો જ્યારે તે મુખ્યત્વે પોતાના ‘સ્થાન’ સાથે ઘનિષ્ટતાથી જોડાયેલો રહેતો, હવે તે વિશ્ર્વમાનવ બનતો જાય છે. તેની પાસેનાં સાધનો-ઉપકરણો પણ વૈશ્ર્વિક હોય છે તેની વિચારસરણી, પસંદગી તથા અગ્રતાક્રમ પણ વૈશ્ર્વિક પ્રવાહોને આધારિત હોય છે. તેના અસ્તિત્વની આ વૈશ્ર્વિકતા તેને સંલગ્ન સ્થાપત્યમાં નવી સંભાવનાને પ્રોત્સાહન આપે છે, જેમાં વૈશ્ર્વિક શૈલી પ્રતિબિંબિત થાય. સમય એવો આવશે કે મકાન જોઈને ખબર નહીં પડે કે તે સુરતમાં સિલોંગમાં કે ચિકાગોમાં બનાવાયું છે.
બાંધકામની સામગ્રી તથા તેને લગતી તકનિક પણ લગભગ વૈશ્ર્વિક બની ચૂકી છે. આની સાથે સ્થાપત્યના સંરચનાકિય માળખા માટે પણ વૈશ્ર્વિક અભિગમ રખાય છે. આનો ફાયદો એ છે કે એક જગ્યાએ થયેલા પ્રયોગોનો ફાયદો બધાં જ ને મળી શકે. આ બધી બાબતો સ્થાપત્યની વૈશ્ર્વિક થવાની સંભાવના વધારી દે છે. સમય આવશે કે સ્થાપત્ય પોતાની સ્થાનિક ઓળખ ખોઈ બેસશે. જેમ જીન્સ અને ટીશર્ટ પહેરનાર યુવાન કયા સ્થાનનો છે તે પ્રશ્ર્ન અસાંદર્ભિક બની રહે તેમ સ્થાપત્યની રચના માટે કહેવાશે – જો આ પ્રવાહ આમ જ વહેતો રહ્યો તો.
વિકસિત સમાજની દેખાદેખી એ અત્યારના સમયનું સત્ય છે. અમેરિકાના લોકો જે પ્રકારે ‘મોડર્ન આર્ટ’ બનાવે તે પ્રમાણે દુનિયા અન્ય દેશોના કલાકારો બનાવવા માંડે. આ દેખાદેખીથી પણ વિશ્ર્વમાં ચોક્કસ શૈલીનાં મકાનો જ બને તેવી સંભાવના વધી ગઈ છે. એક સમાજ કે વ્યક્તિ-સમૂહ નક્કી કરશે કે સમગ્ર વિશ્ર્વમાં કેવા પ્રકારનાં મકાનો બનશે. સ્થાપત્યના વ્યવસાયનું વૈશ્ર્વિકકરણ આ બાબતને આગળ વધારવાનું કામ કરશે. હવે લંડન અને ન્યૂયોર્કના સ્થપતિઓ અમદાવાદમાં મકાનો બનાવશે અને અમદાવાદના સ્થપતિ વિશ્ર્વનાં અન્ય શહેરોમાં પણ વ્યવસાયિક સેવા આપશે. આ પરિસ્થિતિમાં સ્થાપત્ય સ્વાભાવિક રીતે એકાકાર થાય તેવી સંભાવનાઓ વધી જાય.
આ પ્રક્રિયામાં કોમ્પ્યુટર પણ પોતાનો પ્રતિબદ્ધ ફાળો આપે છે. આ ઉપકરણથી મળતા ઉકેલ એક સરખા જ રહેવાના પછી ભલેને તે વિવિધ દેશો માટે પ્રયોજાવાના હોય. કાલે ઊઠીને કોમ્પ્યુટરના સોફટવેર સ્થાનિક સાંસ્કૃતિ બાબતોની ‘ચોપ’ ઉમેરવામાં આવે તો પણ તેના પરિણામમાં એક પ્રકારની વૈશ્ર્વિક સામ્યતા તો રહેવાની જ.
એક સમય હતો જ્યારે ‘દાદા બનાવે અને દીકરાના દીકરા વાપરે’નો ખ્યાલ સ્થાપત્યમાં હતો. આજનું સ્થાપત્ય એમ જણાય છે કે માત્ર અત્યારની જરૂરિયાત સંતોષવા જ સર્જાય છે. આ વ્યાજબી પણ છે કારણ કે જે ઝડપે પરિસ્થિતિ બદલાતી જાય છે – માનવ વસતિની સંખ્યા સહિત તે પ્રમાણે જરૂરિયાતોમાં પણ નાટકીય બદલાવ આવે જ. આ બધી સંંભવિત ભવિષ્યની જરૂરિયાતો કરતાં જે સ્પષ્ટ છે – જે સમક્ષ છે – તે પ્રકારની રચના કરવાની સંભાવના જ વધુ ને વધુ સ્વીકાર્ય બને. માણસ આજનું જ વિચારે છે સાથે સાથે તે ન્યૂનતમ ઝંઝટમાં પડવા માગે છે. આનાથી તેને સંલગ્ન સ્થાપત્ય પણ ‘લઘુતમ’ પ્રકારનું બનતું જાય તે પણ સંભાવના છે. આજે એટલી જ ભૂમિ પર એટલાં જ કુદરતી સાધનો સાથે ૮૦૦ કરોડની વસતિનો સમાવેશ કરવો એ નાની વાત નથી. આ સત્ય જ સ્થાપત્યની નવી જ સંભાવનાઓ ખોલી દેશે.
ભાડાના ઘરમાં રહેવાનો અભિગમ મઝાનો પણ છે અને જરૂરી પણ. માનવી કમાણી માટે ગમે ત્યાં સ્થળાંતર કરી શકે અને તે પ્રકારનું સ્થળાંતર કરતો રહી શકે. આ પ્રકારની સ્થાપત્યકીય જરૂરિયાત ઘણી રીતે આગવી બની
રહે અને સંભાવનાના નવા દ્વાર ખોલી દે. ભવિષ્યમાં આવાસ જ નહીં, પણ સંસ્થાઓ પણ
ભાડાકીય માળખામાં ગોઠવાતી જશે.
માનવી પોતાની વ્યક્તિગતતા તથા સામાજિકતા વચ્ચે ચોક્કસ પ્રકારની દીવાલ રચવાની ફિરકમાં છે. તે વધુ ને વધુ વ્યક્તિગત બનતો જાય છે અને તેની સામાજિકતા પણ મહદ્અંશે ઔપચારિક બની રહે છે. શાળા હવે ઔપચારિકતાથી શિક્ષણ આપે છે અને મહેમાનની આગતાસ્વાગતા પણ ઔપચારિક માત્ર બની રહે છે. આ ઔપચારિકતાને સ્થાપત્યમાં પ્રતિબિંબિત કરવાની શરૂઆત તો થઈ જ ગઈ છે; સંભાવના એ છે કે આ પ્રકારના પ્રયાસોમાં સઘનતા આવતી જશે.
પર્યાવરણને લગતી બાબતો સ્થાપત્યની સંભાવનાના નવા જ દ્વાર ખોલે છે. તેવી જ રીતે ચપટી સમયમાં મકાન બની જાય. ઝડપીમાં ઝડપી તે ઉપયોગમાં લેવાવા લાગે, તેવો અભિગમ પણ અન્ય પ્રકારની સંભાવના વિકસાવે છે. સમાન લાગુ પડતા કાયદા અને તેનું એક સમાન અર્થઘટન પણ સંભાવનાઓને અસર કરી જાય છે.
વ્યક્તિની માનસિકતા તથા સંપન્નતામાં રહેલ સમાનતા તથા વૈવિધ્ય સ્થાપત્યની સંભાવનાના મુખ્ય પ્રેરક છે.