માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કંપની ટ્વીટરે હાલમાં જ બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શનની જાહેરાત કરી હતી અને ત્યારથી જ ઈલોન મસ્કની મુશ્કેલીઓ કંઈ ઓછી નથી થઈ રહી. ફરી એક બ્લુ ટિકને લઈને ઈલોન મસ્ક અને ટ્વીટર સવાલોમાં ઘેરાઈ ગયું છે. ઓલરેડી બિગ બી એટલે કે મહાનાયક અમિતાભ બચ્ચન તો ટ્વીટરથી ખૂબ જ નારાજ છે અને તેમણે પોતાની નારાજગી ટ્વીટ કરીને વ્યક્ત કરી છે, જે ટ્વીટ ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. પણ આ સિવાય કંપની એ કારણસર ચર્ચામાં આવી છે કે તેણે કેટલાક મૃત સેલેબ્સના પ્રોફાઈલ પર બ્લુ ટિક રિટર્ન આપ્યા છે.
મજાની વાત તો એ છે કે આ માટે કંપની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે આ સેલેબ્સે બ્લુ ટિક માટેના પૈસા ચૂકવ્યા છે. આ સેલેબ્સમાં ઈરફાન ખાન, લતા મંગેશકર, સુશાંત સિંહ રાજપૂત જેવા અનેક કલાકારોનો સમાવેશ થાય છે, જેમના એકાઉન્ટ પર બ્લુ ટિક દેખાઈ રહ્યું છે. હવે આ કઈ રીતે શક્ય છે કે જે વ્યક્તિ આ દુનિયામાં હયાત જ નથી એ લોકો ટ્વિટરનું પેઈડ સબસ્ક્રિપ્શન ખરીદે?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ટ્વીટરે ઘણા સેલિબ્રિટીઝના એકાઉન્ટ પર બ્લુ ટિક માર્ક ફ્રીમાં પરત કર્યા છે, પરંતુ કંપની દ્વારા સતત એવું શો કરવામાં આવી રહ્યું છે કે આ સેલેબ્સે બ્લુ ટિક માટે પૈસા ખર્ચ્યા છે. આવી પરિસ્થિતિમાં ઘણા યુઝર્સ ટ્વીટરના આ બેવડા ધોરણથી ખૂબ નારાજ દેખાઈ રહ્યા છે. જોકે, ઈલોન મસ્કની માઈક્રોબ્લોગિંગ સર્વિસ કંપનીની પોલિસીમાં વારંવાર ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્વીટરે 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા લેગસી વેરિફાઈડ એકાઉન્ટ પર બ્લુ ટિક પરત કરી છે. જોકે, ઈરફાન ખાન સિવાય, સુશાંત સિંહ રાજપૂત, કોબે બ્રાયન્ટ, નોર્મ મેકડોનાલ્ડ, એન્થોની બૉર્ડેન, ચૅડવિક બોસમેન અને માઈકલ જેક્સન પણ એવા દિવંગત સેલિબ્રિટીઓ સામેલ છે, જેમના એકાઉન્ટ પર ફરીથી બ્લુ ટિક દેખાઈ રહી છે.
આ દરેક સેલેબ્સના પ્રોફાઈલ પર દેખાઈ રહ્યું છે કે તેમનું એકાઉન્ટ વેરિફાઈડ છે કારણ કે તેમણે ટ્વિટર બ્લુ સબસ્ક્રાઈબ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે તેઓએ ફોન નંબરની પણ ચકાસણી કરી લીધી છે. હવે એવું કેવી રીતે થઈ શકે કે જે વ્યક્તિ દુનિયામાં નથી તેનો ફોન નંબર પણ વેરિફાઈ થઈ રહ્યો છે.
હવે આ બાબત પર માત્ર ટ્વીટર જ ખુલાસો કરી શકે છે. આ પહેલાં બિગ બી એટલે કે અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર ફરિયાદ કરી હતી કે સબસ્ક્રિપ્શન ચૂકવ્યા પછી પણ તેમનું એકાઉન્ટ વેરિફાઈ થયું નથી. જોકે થોડા સમય પછી તેના ટ્વિટર એકાઉન્ટ પર બ્લુ ટિક પાછું આવ્યું. અમિતાભ બચ્ચને ફરી એક વખત ટ્વિટર પર નિશાન સાધ્યું કે જ્યારે 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટને ફ્રી બ્લુ ટિક મળી રહી છે તો ટ્વિટરે તેમની પાસેથી પૈસા કેમ લીધા? બિગ બીએ જણાવ્યું હતું કે તેમના તો 4.8 કરોડથી વધુ ફોલોઅર્સ છે.
T 4627 – अरे मारे गये गुलफाम , बिरज में मारे गये गुलफाम 🎶
ए ! Twitter मौसी, चाची, बहनी, ताई, बुआ .. झौआ भर के त नाम हैं तुम्हार ! पैसे भरवा लियो हमार, नील कमल ख़ातिर ✔️ अब कहत हो जेकर 1 m follower उनकर नील कमल free म
हमार तो 48.4 m हैं , अब ??
खेल खतम, पैसा हजम ?!😳— Amitabh Bachchan (@SrBachchan) April 23, 2023