ટ્વીટરના સીઇઓ એલોન મસ્ક સીઇઓ પદેથી રાજીનામું આપશે તેવો નિર્ણય તેમણે કર્યો છે. ટ્વીટર માટે નવા સીઇઓની નિમણૂંક કરવામાં આવી છે. જોકે તેમના નામ અંગે હજી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પણ ટ્વીટરના નવા સીઇઓ એક મહિલા હશે તેવો સંકેત એલોન મસ્કે ટ્વીટ કરીને આપ્યો હતો.
એલોન મસ્કે વહેલી સવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માઇક્રો – બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર આગામી છ અઠવાડિયામાં તેના નવા સીઇઓ મેળવશે. તેમણે લખ્યું કે ટ્વીટર માટે નવા સીઇઓની નિમણૂંક થઇ છે એવી જાહેરાત કરતા મને આનંદ થઇ રહ્યો છે. ટ્વીટરનું સીઇઓ પદ છોડ્યા બાદ પણ મસ્ક ટ્વીટરથી અલગ નહીં થાય. તેમણે ટ્વીટ કર્યું કે રાજીનામું આપ્યા બાદ તેઓ ચીફ ટેક્નીકલ ઓફિસર (CTO) તરીકે ટ્વીટર સાથે જાડાયેલા રહેશે. તેઓ ટ્વીટર સાથે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કામ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એલોન મસ્કે ઓક્ટોબર મહિનામાં ટ્વીટર ખરીદ્યું હતું. ત્યાર થી તેઓ તેના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફકજ બજાવી રહ્યાં છે. ટ્વીટર માટે કોઇ કાયમી સીઇઓ નથી. તેમનું કહેવું છે કે નવા સીઇઓ આવ્યા બાદ તેમની ભૂમિકા બદલાશે. તેમને હવે કોઇ પણ કંપનીમાં સીઇઓ થવું નથી. એમ મસ્કે જણાવ્યું હતું.
એલોન મસ્કએ થોડા દિવસ પહેલાં જ આના સંકેત આપ્યા હતાં. તેમણે ટ્વીટર પરનો પોતાનો સમય ઓછો કરશે અને કાલાંતરે ટ્વીટરનું કામ વ્યવસ્થીત રીતે ચલાવવા માટે કોઇને શોધવું પડશે એમ પણ જણાવ્યું હતું. અલોન મસ્કે ટ્વીટર ખરીદ્યા બાદ અનેક કર્મચારીઓને ઘરભેગા કર્યા છે. ઉપરાંત ખોટમાં જઇ રહેલી ટ્વીટર વ્યવસ્થીત શરુ રાખવા તથા આર્થિક નફો મેળવવા માટે અનેક મહત્વના નિર્ણયો લીધા હતાં.