ભારતની વીરાંગનાઓ-ટીના દોશી
ત્રીજા ધોરણમાં ભણતી એ બાળાએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે માત્ર અગિયાર વર્ષની ઉંમરે શાળાએ જવાનું છોડી દીધું, અંગ્રેજરાજને પડકારીને, બ્રિટિશવિરોધી પ્રવૃત્તિઓ કરીને આઝાદી કાજે ઝઝૂમી અને કારાવાસ પણ વેઠ્યો….
પાર્વતી ગિરિ… ઓરિસ્સાની સ્વતંત્રતા સેનાની. એના માનમાં ભારત સરકારે ૨૦૧૬માં મેગા લિફ્ટ સિંચાઈ યોજનાનું નામકરણ એના નામે કર્યું અને ૧૯૯૮માં ઓરિસ્સાના રાજ્યપાલે સંબલપુર વિશ્ર્વવિદ્યાલય માંથી પાર્વતી ગિરિને મરણોત્તર ડૉકટરેટની પદવી પ્રદાન કરી.
આ પાર્વતી ગિરિ મૂળ પશ્ર્ચિમ ઓરિસ્સાની. સંબલપુર કે બારગઢ જિલ્લાના બીજેપુર તાલુકાના નાનકડા ગામ સામલાઈપાદરમાં ૧૯ જાન્યુઆરી ૧૯૨૬ના એનો જન્મ થયો. ચાર બાળકોમાં પાર્વતી સૌથી મોટી. માતા શ્રીમતી ગિરિ. પિતા ધનંજય ગિરિ ગામના મુખિયા હતા. કાકા રામચંદ્ર ગિરિ કૉંગ્રેસના જાણીતા નેતા હતા અને આઝાદીના લડવૈયા હતા.
સ્વતંત્રતાનો પવન દેશભરમાં ફૂંકાયેલો. આઝાદીના લડવૈયાઓ સ્વરાજની લડતનો પ્રચાર કરતા. સામલાઈપાદર પણ એમાંથી બાકાત નહોતું. રામ પુરી, ભાગીરથી પટનાયક અને તેમનાં પત્ની જમ્બોવતી પટનાયક જેવા સ્વાતંત્ર્ય સૈનિકો સામલાઈપાદર ગામમાં આવ્યાં અને સ્વતંત્રતાનું મહત્ત્વ સમજાવ્યું.
આ સ્વતંત્રતા સેનાનીઓમાંથી લક્ષ્મીનારાયણ મિશ્રા, ફકીર બેહેરા, દુર્ગાપ્રસાદ ગુરુ, ભાગીરથી પટનાયક અને તેમનાં પત્ની જમ્બોવતી પટનાયક પાર્વતીના કાકા રામચંદ્ર ગિરિના સાથીઓ હતા. રામચંદ્ર ગિરિના ઘરમાં આઝાદી અંગે કેટલીયે બેઠકો થતી.. એક બેઠકમાં આ સ્વાતંત્ર્ય સૈનિકોએ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્વતંત્રતા મેળવવાના ઉદ્દેશ્ય અને એ મેળવવા માટેની વિગતવાર યોજના અંગે સમજાવ્યું.
રામચંદ્ર ગિરિ સાથે પાર્વતી પણ આ બેઠકમાં ઉપસ્થિત હતી. આઝાદીના લડવૈયાઓની છટાદાર વાણી તથા દેશને સ્વતંત્ર કરાવવા માટેની પ્રતિબદ્ધતાથી પાર્વતી અત્યંત પ્રભાવિત થઇ. પાર્વતી ત્યારે હજુ તો શાળાએ જતી બાળા હતી, પણ નાનો પણ રાઈનો દાણો હતી. ત્રીજા ધોરણમાં સામલાઈપાદરની પ્રાથમિક શાળામાં ભણતી. ઉંમર માત્ર અગિયાર વર્ષની. શાળામાં જ એક શિક્ષક પાસેથી મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય ચળવળ વિશે સાંભળેલું. પછી ગાંધીજીના સૈનિકોને સાંભળ્યા. એ લડવૈયાઓની અનુયાયી બની ગઈ.
વર્ષ ૧૯૩૭…. સામલાઈપાદરમાં રાષ્ટ્રીય આંદોલનના પ્રચારપ્રસાર માટે એક સભાનું આયોજન થયું. પાર્વતી એ સભામાં હાજર હતી.. એનો ઉત્સાહ જોઇને સ્થાનિક નેતાઓએ પાર્વતીના પિતા ધનંજય ગિરિ પાસેથી દેશના અને કૉંગ્રેસના કામ માટે દીકરી માંગી લીધી. ધનંજય ગિરિએ હિમાલય પર્વત બનીને પાર્વતીનું ક્ધયાદાન કરી દીધું. પાર્વતીને કૉંગ્રેસનાં સંસ્થાકીય કામોની દેખરેખ કરવાનું સોંપાયું. ૧૮ નવેમ્બર ૧૯૩૭ના દિવસથી ખાદી પહેરવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રીય આંદોલનનો જ ભાગ બની ગઈ.
બરાબર એક વર્ષ પછી… વર્ષ ૧૯૩૮… સામલાઈપાદરમાં કૉંગ્રેસની મહાપરિષદ મળી. માલતી ચૌધરી અને પ્રાણકૃષ્ણ પઢિયારી જેવા જાણીતાં સ્વતંત્રતા સેનાનીઓ પરિષદમાં સહભાગી થયેલા. બન્નેએ પ્રેરણાદાયી પ્રવચનો આપ્યાં. પાર્વતી પર પ્રવચનોએ અમીટ છાપ અંકિત કરી. એ માલતીદેવી પાસે ગઈ. આઝાદીની ચળવળમાં ભાગ લેવા પોતે એમની સાથે જવા માગે છે એવું જણાવ્યું. માલતીદેવી નવાઈથી નાનકી બાળાને જોઈ રહ્યાં. દેશપ્રેમનું જીવતુંજાગતું બાળસ્વરૂપ જોઈ લ્યો!
માલતીદેવી પાર્વતીને ના ન કહી શક્યાં. પણ પોતે એને સાથે લઇ જઈ શકે એમ નહોતાં. એથી હેતાળ સ્વરે કહ્યું: દીકરી,. તારે બારી આશ્રમ જવું જોઈએ. ત્યાં રમાદેવી ચૌધરીને જઈને મળ. એ જરૂર તારી મદદ કરશે. પાર્વતી ખુશ થઈને ઘેર ગઈ. બારી આશ્રમમાં જવાની વાત કરી. પણ માતાપિતા ન માન્યાં. કાળજાના ટુકડા જેવી લાડકવાયીને ઘર છોડીને આશ્રમમાં રહેવાની અનુમતિ આપે એ શક્ય નહોતું. ઘણી રકઝકને અંતે બાળહઠની જીત થઇ.
પાર્વતી ગિરિને બારી આશ્રમ પહોંચાડવાની જવાબદારી ભાગીરથી અને જમ્બોવતી પટનાયકને માલતીદેવીએ સોંપેલી. બન્નેની સાથે પાર્વતી નીકળી પડી. એ દિવસ હતો ૧૪ જાન્યુઆરી ૧૯૩૮… ઉતરાણના દિવસે અંગ્રેજોનો પતંગ કાપવાના સંકલ્પ સાથે દેશદાઝના વાઘા સજીને પાર્વતી આશ્રમ જવા નીકળી પડી. આશ્રમમાં રમાદેવી અને ગોપબંધુ ચૌધરીને પાર્વતી મળી. એમના સંપર્કમાં આવીને પાર્વતી સત્યાગ્રહી બની. આશ્રમમાં સત્યાગ્રહી તરીકેની સઘળી તાલીમ અપાઈ. આશ્રમનાં કાર્યો અને વિચારધારાથી પાર્વતીને પ્રોત્સાહન મળ્યું.
આશ્રમમાં ‘સંગ્રામી શિબિર’ અને ‘અહિંસા તીર્થ’માં શિક્ષણ, ઉચ્ચ આદર્શ, નીતિમત્તા અને નિષ્ઠા પર ખૂબ ભાર મુકાતો. પાર્વતી સઘળું આત્મસાત કરતી. ખૂબ વાંચતી. ચરખો કાંતતી. અહિંસા અને આત્મનિર્ભરતાના ગાંધીવાદી સિદ્ધાંત શીખી. પાર્વતી સત્યાગ્રહ માટે તૈયાર થઇ ગઈ. પરિણામ એ આવ્યું કે સખીગોપાલમાં કૉંગ્રેસનું અધિવેશન યોજાયું ત્યારે સ્વયંસેવકોની ટુકડીનું સફળ નેતૃત્વ પાર્વતીએ કર્યું.
બે વર્ષ આશ્રમમાં ગાળ્યા પછી પાર્વતી પોતાને ગામ પાછી ફરી. બારગઢ, સંબલપુર, પદ્મપુર અને પનીમારામાં કૉંગ્રેસનાં સંસ્થાકીય કાર્યો કરવા લાગી. ગાંધીજીના સ્વરાજના સંદેશને ગામેગામ પહોંચાડ્યો. બ્રિટિશ રાજની વિરુદ્ધ લોકોને સંગઠિત કર્યા. સંબલપુર નગર નજીકનાં ગામોમાં રહેતા લોકોને કાંતણ અને વણાટકામ શીખવ્યું. ખાદી પહેરવા પ્રોત્સાહિત કર્યા. એનાથી મહાત્મા ગાંધીના ખાદીના આંદોલનને વેગ મળ્યો. ખાદી આઝાદી આંદોલનનો ગણવેશ બની ગયેલો. આ ખાદીનો પ્રચાર કરીને પાર્વતી રાષ્ટ્રીય ચળવળને સમર્પિત થઇ ગઈ.
આ રાષ્ટ્રીય ચળવળનું સીમાચિહ્ન એટલે ભારત છોડો આંદોલન. ૮ ઑગસ્ટ ૧૯૪૨ના મહાત્મા ગાંધીએ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના મુંબઈ સત્રમાં ‘હિન્દ છોડો’નું એલાન કર્યું. ‘કરો યા મરો’નો નારો ગુંજવા લાગ્યો. બ્રિટિશ સરકારે આંદોલનને કચડવાનો પ્રયાસ કર્યો. ગાંધીજી સહિત સંખ્યાબંધ કૉંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. ઓરિસ્સાના ગામડાંમાં આંદોલનનું નેતૃત્વ કરી રહેલી સોળ વર્ષની પાર્વતીની પણ બ્રિટિશવિરોધી સૂત્રો પોકારવા બદલ ધરપકડ થઇ, પરંતુ સગીર વયની હોવાથી એને છોડી મૂકવામાં આવી.
પાર્વતી સાહસિક સ્વતંત્રતા સેનાની હતી. તેણે અહિંસક પદ્ધતિથી બ્રિટિશ સરકાર વિરુદ્ધ વારંવાર પ્રદર્શન કરેલું. એક વાર પૂર્ણચંદ્ર ગિરિ અને બિરંચી પ્રધાન નામના બે છોકરાઓને લઈને એ બારગઢની સબ-ડિવિઝનલ ઓફિસે ગઈ. પોતે સબ-ડિવિઝનલ ઓફિસરની ખુરસીમાં ન્યાયાધીશ તરીકેનું સ્થાન ગ્રહણ કર્યું. પેલા બે છોકરામાંથી એકે એડવોકેટનો વેશ લીધો. બીજો પટાવાળાનું પાત્ર ભજવવા લાગ્યો. થોડી વારમાં સબ-ડિવિઝનલ ઑફિસર ઑફિસમાં પ્રવેશ્યો. ન્યાયમૂર્તિ પાર્વતીએ આરોપીને દોરડેથી બાંધીને લાવવા માટેનો પટાવાળાને આદેશ કર્યો, પરંતુ પટાવાળો સબ-ડિવિઝનલ ઑફિસરને દોરડે બાંધે એ પહેલાં અંગ્રેજ પોલીસે અવરોધ સર્જ્યો અને ત્રણેયની ધરપકડ કરી. પાર્વતીને બે વર્ષનો કારાવાસ થયો.
જેલમાંથી બહાર આવ્યા પછી પણ પાર્વતી અંગ્રેજવિરોધી પ્રવૃત્તિઓ કરતી રહી. એક વાર પાર્વતી પ્રદર્શનકારીઓ સાથે બારગઢ અદાલતમાં પહોંચી ગઈ. બારગઢ બાર કાઉન્સિલની ઑફિસમાં દાખલ થઇ. બ્રિટિશ ભારતની અદાલતી કાર્યવાહીઓનો અસહકારને રસ્તે વિરોધ કરવા અને ન્યાયાલયમાંથી બહાર નીકળી જવા વકીલોને સમજાવ્યા. કેટલાક વકીલો અદાલતની બહાર નીકળી ગયા. પણ જે પૂતળા બનીને અદાલતમાં ઊભા રહ્યાં તે પ્રત્યેકને બે બંગડીની ભેટ પાર્વતીએ આપી. પાર્વતી દેશ આઝાદ થયો ત્યાં સુધી બ્રિટિશવિરોધી ચળવળ ચલાવતી રહી.
ભારત દેશ આઝાદ થયા પછી પાર્વતી રાષ્ટ્રસેવાનાં કામોમાં જોતરાઈ. અનાથ બાળકોના કલ્યાણ માટે જીવન સમર્પિત કરી દીધું. ૧૯૫૦માં અલાહાબાદની પ્રયાગ વિદ્યાપીઠમાંથી શાળાકીય શિક્ષણ પૂરું કર્યું. ૧૯૫૧માં કોરાપુટ દુકાળપીડિતો માટેનાં રાહતકાર્યોમાં રમાદેવી સાથે જોડાઈ. નૃસિંહનાથમાં અનાથાલયનું નિર્માણ કર્યું. બીરાસિંહ ગઢમાં બાલનિકેતન શરૂ કર્યું. ઓરિસ્સામાં જેલસુધારણા માટે કામગીરી કરી. લોકકલ્યાણનાં કાર્યો કરતાં કરતાં ૧૭ ઑગસ્ટ ૧૯૯૫માં પાર્વતીનું મૃત્યુ થયું.
પાર્વતીનો અર્થ દેવી થાય. એ જોતાં પાર્વતી ગિરિએ સાક્ષાત દેવીનો અવતાર બનીને પોતાનું નામ સાર્થક કરેલું એમ કહીએ તો એમાં કશું ખોટું નહીં ગણાય!